મુંબઇમાં ઝુંપડપટ્ટી વિસ્તારો કરતા પોશ વિસ્તારોમાં વધારે મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇમાં ગત ગુરુવારે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં નવ ટકાનો વધારો નોંધાયો છે. પણ આ વધારો શહેરનાં ઝુંપડપટ્ટી ધરાવતા વિસ્તારો કરતા પોશ વિસ્તારોમાં વધારે જોવા મળ્યો છે. ઝુંપડપટ્ટી ધરાવતા વિસ્તારોમાં પણ મતદાનમાં વધારો થયો છે. શહેરનાં ટાપુ વિસ્તારોમાં મતદાન વધારે એટલે કે 53 ટકા અને પરા વિસ્તારોમાં ઓછું એટલે કે 51 ટકા રહ્યું હતું. શહેરમાં મતદાનમાં નોંધાયેલા વધારાને જોતાં એક પ્રશ્ન ઉભો થાય છે કે શું આ વધારો મતદારોની મતદાન પ્રત્યેની જાગૃતિ સૂચવે છે કે પછી હાલનાં શાસનમાં પરિવર્તનનું પગલું.
નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે મતદાનમાં થયેલો વધારો હંમેશા શાસક પક્ષને નુકસાન પહોંચાડે છે એવા કોઇ પુરાવા નથી. મતદાનમાં થયેલા વધારા પાછળ પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોની સંખ્યામાં વધારો કે પછી મતદાન પ્રત્યેની જાગૃતિ જવાબદાર હોઇ શકે છે.
મુંબઇ નોર્થ-સેન્ટ્રલ બેઠકનો ભાગ એવા બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં 54 ટકા મતદાન થયું હતું, જે 2009ની લોકસભાની ચૂંટણીમાં 41 ટકા હતું. આ જ મતક્ષેત્રનાં વિલે પાર્લે વિસ્તારમાં 57.5 ટકા મતદાન નોંધાયુ છે, જે 2009માં 46.2 ટકા હતું. મુંબઇ સાઉથ બેઠક હેઠળ આવતા વિસ્તાર મલાબાર હિલમાં મતદાન 53.6 ટકા રહ્યું છે, જે 2009માં 43 ટકા હતું. જ્યારે મુંબઇ નોર્થ બેઠકનો ભાગ એવા બોરીવલીમાં મતદાન 45 ટકાથી વધીને 57 ટકા થયું છે.
ઝુંડડપટ્ટી વિસ્તારોની વાત કરીએ તો ધારાવીમાં થયેલા મતદાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અહીં ગુરુવારે 49.7 ટકા મતદાન થયું હતું, જેની સામે 2009ની ચૂંટણીમાં ફક્ત 33.3 ટકા જ મત પડ્યા હતા. આ ઉપરાંત અનુશક્તિનગર અને માનખુર્દ જેવા સામાન્ય વસતિ ધરાવતા વિસ્તારોની સરખામણીમાં વર્લી, કાંદીવલી, માહિમ અને મુલુંડ જેવા પોશ વિસ્તારોમાં થયેલા મતદાનમાં વધારો જોવા મળ્યો છે. અનુશક્તિ નગરમાં મતદાન 39 ટકાથી વધીને 46 ટકા અને માનખુર્દમાં 36 ટકાથી વધીને 41 ટકા જેટલું રહ્યું છે.
ઘણી બેઠકો પર થયેલા ઓછા મતદાન પાછળ મતદાર યાદીમાંથી હજારો મતદાતાઓનાં ગાયબ થયેલા નામ પણ જવાબદાર છે.