• Gujarati News
  • Retarded Sexual Exploitation Of Girls Get Executed Pharamavai

મંદબુદ્ધિની કન્યાનું જાતીય શોષણ કરનારાને ફાંસીની સજા ફરમાવાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પનવેલના આશ્રમમાં મંદબુદ્ધિની કન્યાઓ પર જાતીય અત્યાચાર કરવા બદલ પકડાયેલા એ આશ્રમના ટ્રસ્ટી રામચંદ્ર કરંજૂલેને મુંબઈની સેશન્સ ર્કોટે ફાંસીની સજા ફરમાવી છે. આ પ્રકરણમાં અદાલતે છ જણને ગુનેગાર ઠેરવ્યા છે. રામચંદ્ર કરંજૂલે એક વર્ષથી એ કન્યાનું જાતીય શોષણ કરતો હતો, એ બાબત પાંચમી માર્ચ, ૨૦૧૧ના રોજ પ્રકાશમાં આવી હતી.

પનવેલ સ્થિત કલ્યાણી મહિ‌લા અને બાલિકા આશ્રમમાં કિશોરીઓ અને યુવતીની જાતીય સતામણી ઉપરાંત મારઝૂડ પણ કરાતી હતી. તેથી બે કન્યાઓ મૃત્યુ પણ પામી હતી. એ બાબતે કળંબોલી પોલીસ સ્ટેશને દસ જણ સામે ગુનો નોંધ્યો હતો. ત્યાર પછી તેમની સામે ફાસ્ટ ટ્રેક ર્કોટમાં ચલાવાયેલા ખટલામાં રામચંદ્ર કરંજૂલે, નાનાભાઉ કરંજૂલે, ખાંડૂ કસબે, પ્રકાશ ખડકે, સોનાલી બડદે તેમ જ પાર્વતી માવળેને સોમવારે ગુનેગાર ઠેરવાયા હતા.

આરોપીઓમાંથી રામચંદ્ર અને નાનાભાઉ કરંજૂલે, આશ્રમના ટ્રસ્ટી અને સોનાલી બડદે સુપરિન્ટેન્ડન્ટ હતી. પાર્વતી માવળે કન્યાઓની દેખરેખની જવાબદારી નિભાવતી હતી. આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૦૨ (હત્યા), ૩૦૭ (હત્યાનો પ્રયત્ન), ૩પ૪ (વિનયભંગ), ૩૭૬ (બળાત્કાર), ૩૭૭ (અકુદરતી સંભોગ) વગેરે આરોપ મુકાયા હતા. એ આરોપો સિદ્ધ થતાં તેમને કેટલી સજા કરવી, એ બાબતે સરકાર અને બચાવ પક્ષ વચ્ચે દલીલો પુરી થયા બાદ અદાલતે સજા ફરમાવી હતી. સરકારી વકીલ રોહિ‌ણી સાલિયને જણાવ્યું હતું કે ''કિશોરીઓ, યુવતીઓની સતામણી અને તેમના પર બળાત્કાર કરવો એ વિકૃતિ અને રખડતા કૂતરા જેવી પ્રવૃત્તિ હોવાથી આવા વિકૃત આરોપીઓને આકરી સજા કરાય તોજ સમાજમાં ઉચિત સંદેશ ફેલાશે અને ભવિષ્યમાં આવા કૃત્ય માટે કોઈ હિંમત નહીં કરે. ખાસ કરીને કન્યાના મોત માટે જવાબદાર એવા રામચંદ્ર કરંજૂલે સ્હેજ પણ દયા દાખવવાને પાત્ર નથી. તેમને ફાંસીની સજા તથા અન્ય આરોપીઓએ બેથી ત્રણ વર્ષોની કેદની સજા કરવી જોઈએ.’’ એ વખતે રામચંદ્ર તથા અન્ય આરોપીઓએ તેમને સંતાનો હોવાથી દયા દાખવીને સજા ઘટાડવા તેમ જ સુધરવાની તક આપવાનો અનુરોધ કર્યો હતો.