• Gujarati News
  • Reducing The Incidence Of Wind Machines On The Station Box Office

ટિકિટબારીનું ભારણ ઘટાડવા સ્ટેશન પર મશીનો મુકાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રવાસીઓને ટિકિટો મળવામાં સરળતા થાય એ માટે કોઈન મશીન ઉપલબ્ધ કરાવાશે

રેલવે સ્ટેશનોની ટિકિટ બારીઓ પર ભીડથી ત્રાસેલા મુસાફરો માટે મધ્ય રેલવેએ નવી ટેક્નોલોજી અપનાવતાં કોઈન એન્ડ કેશ ઓપરેટેડ મશીન (સીસીઓએમ)ની સગવડ આપવાનો નિર્ણય લીધો છે. આ યંત્રમાં ચલણી નોટો અને છૂટ્ટા પૈસા નાખીને ટિકિટો મેળવવાની સુવિધા રહેશે. આવતા એક વર્ષમાં મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશનો પર આવા ૧૧૭ 'સીસીઓએમ’ ગોઠવાશે.મધ્ય રેલવેની ઉપનગરીય સેવા સહિ‌તના સ્ટેશનો પર એટીવીએમ, જેટીબીએસ અને સ્માર્ટ કાર્ડ જેવી વ્યવસ્થાઓ ક્ર્યા છતાં ટિકિટ બારીઓ પર ભીડ ઘટતી નથી.

આ સંજોગોમાં પ્રવાસીઓને ટિકિટો મળવામાં સરળતા થાય એ માટે કોઈન મશીન ઉપલબ્ધ કરાવાશે. હાલમાં પ્રાયોગિક ધોરણે સીએસટી સ્થાનકે એક કોઈન મશીન ગોઠવાયું છે. તેમાંથી રોજ ૮૦૦થી ૧૨૦૦ ટિકિટો વેચાય છે. એ વેચાણ વધારવા અન્ય સ્થાનકો પર કોઈન મશીન ગોઠવવાનો નિર્ણય લેવાયો હોવાનું મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અતુલ રાણેએ જણાવ્યું હતું. ક્રિસ કંપનીના આવા એક યંત્રની કિંમત અંદાજે સાત લાખ રૂપિયા છે. તેમાં એટીવીએમ કાર્ડ પણ વાપરી શકાય છે. તે ઉપરાંત આ મશીનમાં ચલણી નોટો અને સિક્કા પણ નાખી શકાય છે.

આ યંત્રની વિશેષતા એવી છે કે ટિકિટ દર પ્રમાણે રકમ સ્વીકારીને બાકીની રકમ પાછી પણ આપે છે. આગામી દિવસોમાં આ મશીનમાં કોઈ ખામીઓ જણાશે તો તેમાં એ રીતે ફેરફાર પણ કરાશે, એવી સ્પષ્ટતા રેલવે અધિકારીઓએ કરી હતી.આવતા આખા વર્ષમાં મધ્ય રેલવેના તમામ સ્થાનકો પર આવા ૧૪૦ મશીનો ગોઠવાશે. તેમાંથી ૧૧૭ મશીનો મુખ્ય ઉપનગરીય સ્ટેશનો અને ટર્મિ‌નસ પર કરવામાં આવશે. તેમાં સીએસટી, દાદર, થામે, કલ્યાણ, કુર્લા, વડાલા, માનખુર્દ વગેરે સ્ટેશનોનો સમાવેશ છે.