રાજ્યના અર્થતંત્રમાં સુધારા અંગે ઈનામી સ્પર્ધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રજા પાસેથી મળેલા સુચનો મહત્વનાં

મુંબઈ: હાલની પરિસ્થિતિમાં રાજ્યની આર્થિક હાલત બગડેલી છે. તેથી અર્થવ્યવસ્થાને ઠીક કરીને એની તબિયત સુધારવા માટે નાણા વિભાગે અનેક સ્તરે પ્રયત્નો શરૂ કર્યા છે. છતાં નાણા વિભાગને જોઈએ એવું જોમ મળ્યું નથી. તેથી જનતાની કલ્પનાશક્તિ, બુદ્ધિમતાનો ઉપયોગ રાજ્યના હિત માટે કરવાનો પ્રયત્ન નાણા વિભાગે કર્યો છે. એના માટે રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થા માટે નાગરિકો ઉપાય સૂચવે, ભલામણો આપે તો નાણા વિભાગ એની નોંધ લઈને લાખો રૂપિયાના ખણખણતા ઈનામ આપશે.

રાજ્યના માથા પર અત્યારે આશરે 3 લાખ કરોડ રૂપિયાનું દેવુ છે. એના લીધે વિકાસ કામો પર અંકુશ રાખવો પડે છે. એમાં વળી દુકાળને લીધે પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ થઈ છે. આમ હોઈ મહેસૂલ ખર્ચ પર અંકુશ મૂકવો, બિનઉત્પાદક ખર્ચ પર કપાત જેવા સંતોષકારક ઉપાય સૂચવવા, નાણાકીય ખોટ ભરી કાઢવી જેવા મુદ્દાઓ સાથે નોકરીઓ ઊભી કરવી, આવકમાં વધારો કરવો જેવા માટે કોઈ પણ નાગરિક પોતાના જ્ઞાનનો ઉપયોગ રાજ્યના વિકાસ માટે કરી શકે છે. એ માટે નાણા વિભાગે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં પ્રથમ ઈનામ 10 લાખ રૂપિયા, દ્વિતિય ઈનામ સાડાસાત લાખ રૂપિયા અને દરેકને 1 લાખ રૂપિયા એવા 25 ઈનામ મળશે. વિજેતાઓની પસંદગી મહેસૂલ, નિયોજન અને નાણા વિભાગના સચિવોના સમાવેશવાળી સમિતિ કરશે. એ માટે શાસનની આપણી સરકાર વેબસાઈટ તથા પ્રસારમાધ્યમો થકી જાહેરખબરો આપવામાં આવશે.

ઈનામ વિજેતા સૂચનાઓ, ઉપાયો, સલાહની અમલબજાવણી તરત કરવામાં આવશે. એ માટેના ખર્ચની જોગવાઈ આગામી બજેટમાં કરવામાં આવશે. આ ઈનામ યોજના આગામી બજેટ પૂર્વે જાહેર કરવામાં આવશે.શાસનને સલાહ આપવા માટે વરિષ્ઠ સનદી અધિકારીઓ છે. રાજ્યની સેવામાં અધિકારીઓ છે. છતાં બુદ્ધિમાન નાગરિકો, અભ્યાસુઓ, વિચારશીલો, જાણકારોનો ઉપયોગ રાજ્યના વિકાસમાં થાય એ આ પાછળની પ્રામાણિક ભાવના છે. આ ભાવનાથી જ યોજના જાહેર કરી હોઈ ટૂંક સમયમાં મુખ્યમંત્રી આ યોજનાને માન્યતા આપશે એમ રાજ્યના નાણામંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...