રજા નહી મળતા કોન્સ્ટેબલે કરી આત્મહત્યા : જુન મહિનામાં હતા લગ્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નોકરીને લીધે પરિવારને સમય ન આપી શકતાં કોન્સ્ટેબલની આત્મહત્યા
- થાણે પોલીસ મુખ્યાલયમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના ૪થી જૂને લગ્ન થવાના હતા


નોકરીને લીધે પરિવારને સમય ન આપી શકતાં હતાશ થયેલા થાણે પોલીસ મુખ્યાલયના ૨પ વર્ષીય કોન્સ્ટેબલ દિલીપ વ્યંકટી શિંગનવાડે સોમવારે મધરાત્રે ગોળી ધરબીને મોતને વહાલું કર્યું હતું. ૪ જૂનના રોજ તેનાં લગ્ન થવાનાં હતાં. દિલીપ મૂળ નાંદેડનો રહેવાસી હતો. હાલમાં તે કલવામાં રહેતો હતો. ૨૦૧૧માં જાલના જિલ્લાની પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાંથી તાલીમ લઈને દિલીપ થાણેના પોલીસ મુખ્યાલયમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ પર હાજર થયો હતો. ૪ જૂનનાં રોજ તેનાં લગ્ન નિર્ધારિત થયાં હતાં. તેની લગ્નપત્રિકા પણ છપાઈ ગઈ હતી.દરમિયાન સોમવારે રાત્રે દિલીપ થાણે મુખ્યાલયમાં ૧૨થી પરોઢિયે ૪ વાગ્યા સુધી ફરજ બજાવવા માટે હાજર થયો હતો.
તે સમયે મધરાત્રે ૨ વાગ્યે તેણે પોતાના સાથી કર્મચારીને જગાડયો હતો. સાથી ઊઠીને મોઢું ધોવા માટે ગયો ત્યારે દિલીપે પોતાની પિસ્તોલ કાઢીને ગળે મૂકી માથાની દિશામાં એક રાઉન્ડ ફાયર કર્યો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા બાદ થાણે નગર પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે રજા મળતી ન હોવાથી પરિવારને સમય આપી શકતો નથી તેથી આત્મહત્યા કરી રહ્યો છે એવું લખ્યું છે, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.