મુંબઇનું પાણી થાણેને ફાળવવા મહાનગરપાલિકાનો નનૈયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મધ્ય વૈતરણા બંધનું કામ પૂરું થયા પછી મુંબઈને જરૂર કરતાં વધુ પ્રમાણમાં પાણી પુરવઠો મળશે

છેલ્લી એક સદી જેટલા વખતથી મુંબઈગરાઓની તરસ છીપાવતા થાણે જિલ્લાના ક્ષેત્રમાં આવેલા સરોવરો-બંધોમાંથી થાણેના સ્થાનિક લોકોને પીવા માટે અને ખેતી માટે પાણી પુરવઠાની માગણી મુંબઈ મહાનગરપાલિકાની 'એનઓસી’ના અભાવે સંતોષાઈ શકી નથી, એમ રાજ્યના કૃષિ ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે મંગળવારે થાણેના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું.

થાણેના ક્લેક્ટર પી. વેલારાસુએ દોઢ મહિ‌ના પૂર્વે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને ઉક્ત બંધોમાંથી પાણી પુરવઠાનો અમુક ક્વોટા સ્થાનિક જનતાને ફાળવવાની વિનંતી કરતો પત્ર મોકલ્યો હતો. પરંતુ તેના જવાબમાં કમિશનરે ના હરકત પ્રમાણપત્ર (એનઓસી) આપ્યું નહીં હોવાનું રાધાકૃષ્ણ વિખે પાટીલે પત્રકારોને જણાવ્યું હતું. મુંબઈની સવા કરોડ લોકોની વસતીને થાણે જિલ્લાના ભાતસા, તાનસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને મોડક સાગર બંધોમાંથી પાણી પુરવઠો અપાય છે.

તેમાંથી ભાતસા બંધ રાજ્ય સરકારની માલિકીનો છે અને અન્ય બંધો મુંબઈ મહાનગરપાલિકાના અખત્યારના છે. એ બંધોમાંથી રોજ મુંબઈ શહેરને ૨પ૦ કરોડ લીટર પાણી પુરવઠો અપાય છે. પરંતુ એ બંધ-સરોવરો જે ક્ષેત્રમાં છે, તેની આસપાસના ગામ વાસીઓએ પાણી પુરવઠા માટે મુશ્કેલી સહન કરવી પડે છે. થાણે જિલ્લામાં સૌથી વધુ બંધો જેના ક્ષેત્રમાં છે, એ શહાપુર તાલુકામાં પાણીની સૌથી વધુ તંગી છે.

''મધ્ય વૈતરણા બંધનું કામ પૂરું થયા પછી મુંબઈને જરૂર કરતાં વધુ પ્રમાણમાં પાણી પુરવઠો મળશે. તેથી ત્યાર પછી થાણે જિલ્લામાં રહેતા બંધોનું પાણી સ્થાનિક લોકોને આપવામાં કોઈ મુશ્કેલી આવવી ન જોઈએ,’’ એમ રાધાકૃષ્ણ વિખે પાટીલે જણાવ્યું હતું.