મુંબઈ-પુણે એક્સપ્રેસ વે સીસીટીવીથી સજજ થશે: નિયમભંગ બદલ દંડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર સીસી ટીવી કેમેરા લગાવવા સત્તર આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ટેન્ડર ભર્યાં હોવાથી આ કામનાં ટેન્ડર બીજી મેના ખોલવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા પછી છ મહિ‌નામાં કેમેરા લગાડવાનું કામ શરૂ થશે. સીસીટીવી કેમેરાને કારણે લેન કટિંગ કરનારાં વાહનો, પૂરઝડપે જનારાં અને ડ્રાઈવિંગનાં નિયમો ન પાળનારાં વાહનો પર જગ્યા પર કાર્યવાહી કરવામાં આવશે.

લેન કટિંગ અને વાહનની વેગમર્યાદા ન પાળવાથી છેલ્લાં કેટલાંક વર્ષમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. સ્પીડ પર કન્ટ્રોલ ન હોવાથી ડિવાઈડર ઓળંગી સામેથી આવનારાં વાહનો સાથે ટક્કરના બનાવો પણ વધ્યા છે. મરાઠી ફિલ્મના કલાકારો આનંદ અભ્યંકર અને અક્ષય પેંડસેનું મૃત્યુ આવા જ અકસ્માતને કારણે થયું હતું. આ અકસ્માતો નિવારવા એક્સપ્રેસ વે બ્રાયફેન વાયરથી સુરક્ષિત કરવામાં આવ્યો હોવાથી અકસ્માતોનું પ્રમાણ થોડું ઘટયું છે.

એક્સપ્રેસ વે પર રોડ સેફટી અને ડ્રાઈવિંગના નિયમોનું પાલન થતું નથી એવું પણ દેખાઈ રહ્યું છે. તેને કારણે અકસ્માત થવાનું જોખમ વધ્યું હોવાથી આખો માર્ગ સીસીટીવીના નિરીક્ષણ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ માટે માર્ગ વિકાસ મહામંડળે તાજેતરમાં ટેન્ડરો મગાવ્યાં હતાં. પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આ કામ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તર કંપનીઓએ રસ દાખવ્યો છે. બીજી મેનાં આ ટેન્ડર્સ ખોલવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા પછી વર્કઓર્ડર મળ્યેથી છ મહિ‌નામાં સીસીટીવી કેમેરા લગાડવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.

સીસીટીવી કેમેરા લગાડવાથી નિયમોનો ભંગ કરનારા વાહન પર તરત કાર્યવાહી કરવી સંભવ બનશે. એક્સપ્રેસ વે પર દર એક કિલોમીટરના અંતરે કેમેરા લગાડવામાં આવશે. કોઈ વાહને લેન કટિંગ કરી હોય, વેગમર્યાદા ઓળંગી હશે કે અન્ય કોઈ નિયમનો ભંગ કર્યો હશે તો એની માહિ‌તી તરત મળી શકશે. એ વાહન ટોલનાકા પર આવશે તેને કરેલા નિયમભંગની પ્રિંટ આપવામાં આવશે. એ પછી પોલીસ દંડ વસૂલ કરશે.