તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ: ટ્રક રેસિંગમાં પ્રથમ વખત 12 ભારતીય ટ્રકચાલકો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ટી1 પ્રાઈમા ટ્રક રેસિંગ ચેમ્પિયનશિપ 2016માં પહેલી જ વાર વિદેશી ટ્રકચાલકો સાથે ભારતીય ટ્રકચાલકો પણ સ્પર્ધામાં ઊતરશે. ટાટા મોટર્સ દ્વારા આ ત્રીજી આવૃત્તિ લાવવામાં આવી છે. 20 માર્ચે નોઈડાના બુદ્ધ ઈન્ટરનેશનલ સરકિટમાં યોજાનારી આ અનોખી સ્પર્ધામાં 50,000થી વધુ શોખીનો જોવા માટે ઊમટી પડવાનો અંદાજ છે.
- નોઈડાની બુદ્ધ ઈન્ટરનેશનલ સરકિટમાં સ્પર્ધા યોજાશે, 550 ટ્રકચાલકોમાંથી અંતે 12ની પસંદગી કરાશે

અનેક મહિના ચાલેલી કવાયતમાં સ્પર્ધા માટે કુલ 550 ટ્રકચાલકોએ એન્ટ્રી મોકલી હતી, જેમાંથી 147 પાત્ર ઠર્યા હતા. આ સૌની માનસિક અને શારીરિક ફિટનેસ, ક્લાસરૂમ તાલીમ, માર્ગ પર તાલીમ, મૂલ્યાંકન સહિત ચાર લેવલમાં કસોટી કરવામાં આવી હતી, જેમાંથી છેલ્લે 17 ડ્રાઈવરો બચ્યા છે. આમાંથી આખરી 12ની પસંદગી કરાશે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઊતરશે, એમ કમર્શિયલ વેહિકલ બિઝનેસ યુનિટના ઈડી રવિ પિશરોડી અને સિનિયર વીપી આર રામકૃષ્ણને મુંબઈમાં આયોજિત પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું. આ ટ્રકચાલકોમાં મોટે ભાગે જોધપુર, બેન્ગલોર, કોલકતા, જયપુર, જમશેદપુર, ગુરગાવ, દિલ્હીના છે, જેમની ઉંમર 25થી 40 વર્ષ છે.
આમાંથી બેથી ત્રણ ચાલકે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી સ્પર્ધામાં ભાગ લેવાની કાબેલિયત સિદ્ધ કરી છે. આથી ભવિષ્યમાં તે પણ વિચારાશે. સાધારણ પરિવારમાંથી આવતા આ ડ્રાઈવરોનું જીવન આ સ્પર્ધાને કારણે સંપૂર્ણ બદલાઈ ગયું છે અને નવા ડ્રાઈવરો માટે આશા જાગી છે, એમ તેમણે જણાવ્યું હતું. આ રેસ માટે ટાટાએ 12 વિશિષ્ટ પ્રકારના ટ્રક બનાવ્યા છે, જેમાં આ વખતે 43 વધારાની સુધારણા કરવામાં આવી છે. આ ટ્રક પ્રતિ કલાક 130 કિમી ગતિથી દોડી શકે છે.

કાર્તિકેયનને પણ ભાગ લેવામાં રસ

એફ1 રેસિંગ ડ્રાઈવર નારાયણ કાર્તિકેયને પણ આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવામાં રસ બતાવ્યો છે. જોકે અમે આ રેસ સાધારણ ટ્રક ડ્રાઈવરોને ધ્યાનમાં રાખીને યોજી છે. આથી પ્રોફેશનલ ડ્રાઈવરો માટે અલગથી ટ્રક રેસ યોજવાનો વિચાર પછીથી કરીશું, એમ પણ તેમણે જણાવ્યું હતું.

સ્પર્ધામાંથી બહાર છતાં ગૌરવ

આ સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મેન્ટર દ્વારા કસોટી કરવામાં આવી છે, જેમાં ચાર લેવલ છે. અગાઉ ત્રણ લેવલમાંથી બહાર થઈ ગયેલા ડ્રાઈવરો પણ ખુશ છે, કારણ કે સ્થાનિક સ્તરે અને ડ્રાઈવરોના સમુદાયોમાં તેમનું ગૌરવ વધ્યું છે. તેમના જીવનધોરણમાં પણ પરિવર્તન આવી ગયું છે. ભવિષ્યમાં ફરીથી તેઓ નસીબ અજમાવી શકે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...