વાંધો હોય તો સંજયને પાછો જેલમાં મોકલીશું : સરકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: સંજય દત્તને 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકામાં પાંચ વર્ષની સજા થયા પછી તેણે શરણાગતી સ્વીકાર્યાના બે મહિનામાં તેને ઉપરાઉપરી પેરોલ અને ફર્લો રજાઓ કઈ રીતે અપાઈ એવો પ્રશ્ન બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સરકારને પૂછ્યો હતો. કેદીનું સારું વર્તન અને આચરણ કઈ રીતે નક્કી કરાય છે અને સંજયને કયા આધાર અને માપદંડ પર વહેલો છોડી મુકાયો હતો એવું જસ્ટિસ આર એમ સાવંત અને સાધના જાધવની ખંડપીઠે જાણવા માગ્યું હતું. 8 જુલાઈ, 2013ના સંજયે ફર્લો રજા માગી અને 25 જુલાઈએ પેરોલ માગી. આ બંને રજાઓની અરજી ઉપરાઉપરી મંજૂર કરાઈ હતી.

સરકાર જણાવે કે સંજય દત્તનું સારું વર્તન માત્ર બે મહિનામાં કેવી  રીતે નક્કી કર્યું: હાઈકોર્ટ

ગેરકાયદે શસ્ત્રો રાખવા બદલ પાંચ વર્ષની સજાના સંદર્ભમાં તેની બાકીની સજા પૂરી કરવા માટે સંજય દત્તે મે 2013માં શરણાગતી સ્વીકારી હતી. ત્યાર બાદ માત્ર બે મહિનામાં જ જેલ સત્તાએ તેનું સારું વર્તન અને આચરણ કઈ રીતે નક્કી કર્યું. સામાન્ય રીતે આટલા સમયમાં તો જેલના  એસપી કેદીની અરજી આગળ પણ નહીં મોકલે અને સત્તાવાળાએ પણ અરજી ફગાવી દીધી હોત. સરકાર વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ જણાવ્યું હતું કે સંજયને કોઈ અગ્રતાની ટ્રીટમેન્ટ અપાઈ નહોતી, પરંતુ જો કોર્ટને એવું લાગતું હોય અને તે એવું તારણ કાઢે કે સરકારે તેને વહેલો છોડવામાં ભૂલ કરી છે તો સંજયને ફરી જેલમાં મોકલવાનો નિર્દેશ આપી શકે છે.

અમે ઘડિયાળના કાંટા પાછળ લઈ જવા માગતા નથી. સંજયે જેલમાં જવું જોઈએ એવું પણ સૂચવતા નથી. જોકે આવા મુદ્દાઓનું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા પ્રશ્નો ઉદભવે નહીં તેની અમે તકેદારી રાખવી માગીએ છીએ, એમ ખંડપીઠે જણાવ્યું હતું.અનેક કેસોમાં કેદીના માતા કે પિતા મૃત્યુની પથારી પર હોય છતાં તેમને રજા અપાતી નથી એવું અમે જોયું છે, જ્યારે સંજયને સૌપ્રથમ પત્નીની બીમારી માટે 8 જુલાઈએ ફર્લો અને પછી પુત્રીની બીમારી માટે 25 જુલાઈએ પેરોલની રજા મળી. આથી અમે નિયમો અને માપદંડો તેમજ સારું વર્તન અને આચરણ કઈ રીતે નક્કી કરાય છે તે જાણવા માગીએ છીએ અને સરકારે આ અંગે બે સપ્તાહમાં વિગતવાર એફિડેવિટમાં તે માહિતી આપવી એવો આદેશ આપ્યો છે.

નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો સંજય દત્તને ફરી જેલમાં મોકલાશે: સરકાર

સંજય દત્તને સજામાં છૂટ આપતા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું હાઈ કોર્ટને લાગતું હોય તો એને જેલમાં ફરીથી મોકલવામાં સરકારને કોઈ વાંધો નથી એવી ભૂમિકા રાજ્ય સરકારે રજૂ કરી હતી. ગેરકાયદે શસ્ત્રો રાખવા પ્રકરણે યરવડા જેલમાં સજા ભોગવનાર સંજય દત્તને આઠ મહિના વહેલો છોડી મૂકવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણય સામે શંકા ઉપસ્થિત કરતા પુણેના પ્રદીપ ભાલેકરે મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. આ પ્રકરણે હાઈ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકારે એફિડેવિટ રજૂ કર્યું હતું.

જોકે, અગાઉની સુનાવણીમાં સરકારના સોગંદનામાથી કોર્ટ સંતુષ્ટ નહોતી. આ પ્રકરણે ગુરુવારે થયેલી સુનાવણીમાં એડવોકેટ જનરલ આશુતોષ કુંભકેણીએ સંજય દત્તને ધ્રુજારો થાય એવી ભૂમિકા લીધી હતી. હાઈ કોર્ટને રાજ્ય સરકારનો નિર્ણય ખોટો લાગતો હોય તો અમે સંજય દત્તને ફરીથી જેલમાં મોકલવાનો આદેશ આપી શકીએ છીએ એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. તેથી હવે કોર્ટ શું આદેશ આપે છે એના પર સંજય દત્તનું ભવિષ્ય આધાર રાખે છે.
અન્ય સમાચારો પણ છે...