• Gujarati News
  • MNS Leaders Agitates In Nursery School, 11 Leaders And MLA Arrested

નર્સરી પ્રવેશનાં મુદ્દે MNS કાર્યકર્તાઓએ સ્કૂલમાં કરી તોડફોડ, ધારાસભ્ય સહિત 11ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ. કલ્યાણ વિસ્તારની એક સ્કૂલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં કાર્યકર્તાઓએ બુધવારે તોડફોડ કરી હતી. નર્સરીમાં પ્રવેશનાં વિરોધમાં આ તોડફોડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં મનસેનાં ધારાસભ્ય સહિત 11 જણાની પોલીસે ધરપકડ કરી હતી. સવારે 11 વાગ્યે એક ડઝનથી વધારે કાર્યકર્તા કેટલાક વાલીઓ સાથે સ્કૂલ પહોંચ્યા હતા. અહીં તેમણે નર્સરીનું રજિસ્ટર દેખાડવાની માગ કરી હતી. સ્કૂલનાં સંચાલકોએ રજિસ્ટર દેખાડવાનો ઇન્કાર કર્યો. આ વાત પર મનસેનાં કાર્યકર્તાઓ ભડકી ગયા.
શું છે આરોપ
મનસેનાં કાર્યકર્તાઓનો આરોપ છે કે સ્કૂલમાં સ્થાનિક બાળકોની જગ્યાએ ઉલ્હાસનગરનાં સિઁધી પરિવારનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. મનસેનાં ધારાસભ્ય પ્રકાશ બોઇરનું કહેવું છે કે કલ્યાણનાં ઘણા વાલીઓએ આ અંગે તેમને ફરિયાદ કરી હતી. આ મુદ્દે તેઓ સ્કૂલનાં સંચાલકો સાથે વાત કરવા પહોંચ્યા હતા.

સ્કૂલનાં સંચાલકોનાં વલણથી નારાજ મનસે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરતા સ્કૂલમાં તોડફોડ કરી હતી. બારીઓનાં કાચ, દરવાજા અને ખુરશીઓ તોડી હતી. જેને જોતાં સંચાલકોએ પોલીસને ફોન કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ભોઇરની સાથે 11 મનસે કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

સીસીટીવીની મળી મદદ

પોલીસ સ્કૂલનાં સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં જોડાયેલી છે. મનસેનાં કાર્યકર્તાઓ પર સ્કૂલ સંચાલક વિજય ટેકાવડે સાથે પણ ગેરવર્તણૂંક કરવાનો આરોપ છે.

શું કહેવું છે સ્કૂલનાં સંચાલકોનું

સ્કૂલનાં સંચાલકોનું કહેવું છે કે અહીં 70 ટકા જગ્યા કલ્યાણનાં બાળકો માટે અનામત છે, ઉલ્હાસનગરનાં 20 ટકા બાળકો અને બીજા વિસ્તારનાં 10 ટકા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.