મુખ્ય પ્રધાનના હસ્તે મિલન ફ્લાયઓવર ખુલ્લો મુકાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દર ચોમાસે પાણી ભરાતું હોવાથી મિલન સબવેનો પ્રવાસ મુંબઈગરાઓ માટે ત્રાસદાયક નીવડે છે. પરંતુ આ ચોમાસેએ ત્રાસમાંથી ઉપનગરવાસીઓનો છુટકારો થશે. લગભગ ચાર વર્ષની પ્રતિક્ષા કર્યા બાદ આ સબવે અને તેના પર રેલવે માર્ગને ઓળંગનારો મિલન રેલવે ફ્લાયઓવર આખરે શુક્રવારે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને હસ્તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.

થોડો વરસાદ પડતાં જ મિલન સબવેમાં પાણી ભરાઈ જતાં સાંતાક્રુઝ ખાતે પૂર્વ-પ‌શ્ચિ‌મને જોડતો આ માર્ગ બંધ થઈ જાય છે. તેથી વાહનો બાંદરા અને ખેરવાડી જંકશન પર આવે છે. આ ત્રાસમાંથી મુંબઈગરાનો કાયમી રીતે છુટકારો કરવા એમએમઆરડીએએ મિલન સબવે અને રેલવે માર્ગને ઓળંગનારો પુલ બાંધવાનું નક્કી કર્યુ હતું.

''જાન્યુઆરી ૨૦૦૮માં આ ૭૦૦ મીટર પુલનું કામ શરૂ થયું હતું. સ્ટીલ બ્રીજ, જોડાણના રસ્તા, સર્વિ‌સ રોડનું કોંક્રિટાઈઝેશન, પુનવર્સન વગેરેને લીધે આ પુલનો ખર્ચ લગભગ રૂ. ૮૦ કરોડ જેટલો થયો.આ રીતે હવે ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે. રેલવેની પરવાનગી, પુલની ડિઝાઈનમાં બદલાવ, કોન્ટ્રાક્ટરોને લઈને થયેલો વિવાદ, ધાર્મિ‌ક સ્થાનકોનું સ્થળાંતર, ૩૦૦ કુટુંબોનું પુનર્વસન જેવા અનેક મુદ્દાઓને લઈને આ કામ વિલંબમાં પડયું હતું.

સાંતાક્રુઝ હાઈવે તરફ જતા વાહનો માટે તેમજ હાઈવે પરથી સાંતાક્રુઝ તરફ જતા વાહનો માટે સર્વિ‌સ રોડ અને પાર્લે તરફ જનારા રસ્તા પરના વાહનવ્યવહારમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે,’’ એમ એમએમઆરડીએના જોઈન્ટ પ્રોજેકટ ડાયરેક્ટર દિલીપ કવઠકરે જણાવ્યું હતું.