મિલ કામદારોને મુંબઈમાં ઘર મળવાની શક્યતા નહિ‌વત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ વર્ષ ૨૦૧૯ સુધી રાહ જોવી પડશે
મિલ કામદારોને હવે મુંબઈ શહેરમાં ઘરો મળવાની શક્યતા નથી એમ સ્પષ્ટ થયું છે. એમએમઆરડીએ તરફથી ભાડાં પર આપવા બાંધવામાં આવી રહેલાં ઘરો પૂરાં થવાની વાટ જોવી અથવા કોંકણ અને પ‌શ્ચિ‌મ મહારાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ઘરો બાંધવા માટે પ્લોટ સ્વીકારવો એ બે જ વિકલ્પ મિલ કામદારો પાસે હાલમાં છે. એમએમઆરડીએનાં ઘરો માટે છ વર્ષ રાહ જોવી પડશે.
શહેરમાં મિલ કામદારો માટે લગભગ ૧૬ હજાર ઘરો ઊભાં થઈ શકે છે. તેમ છતાં ભાડેથી આપવા માટે એમએમઆરડીએ દ્વારા બાંધવામાં આવી રહેલાં ૧ લાખ ઘરોમાંથી ૩૮ હજાર ઘરોનું બાંધકામ ચાલુ છે. આ ઘરો ૧૬૦ ચોરસફૂટના ક્ષેત્રફળના છે. તેથી બે બાજુનાં ઘરો જોડી ૩૨૦ ચોરસફૂટ ક્ષેત્રફળનાં ઘરો મિલકામદારોને આપવા માટે સૈદ્ઘાંતિક મંજૂરી મળી છે. પરંતુ આ બધાં ઘરો કામદારોને આપવા અશક્ય હોઈ આ માટે મિલ કામદારોએ વર્ષ ૨૦૧૯ સુધી રાહ જોવી પડશે.
બીજો વિકલ્પ કામદારોને તેમના ગામમાં ઘર બાંધવા પ્લોટ આપવાનો છે તે માટે રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, ઓસાપુર, સાતારા, કોલ્હાપુર જિલ્લા નિ‌શ્ચિ‌ત કરવામાં આવ્યા હોઈ મળેલા પ્લોટો પર કામદારોને પોતાને ખર્ચે ઘર બાંધવા પડશે.
મિલ કામદારોએ ઘરનું મેઈન્ટેનન્સ ભરવું જ પડશે
મિલ કામદારોને ઘરો મળ્યાં છે તેમને રૂ. ૩૦ હજારનો મેઈન્ટેનન્સ ચાર્જ ભરવો પડશે. આ ચાર્જ રદ કરવાની કામદાર નેતાની માગણી સરકારે અમાન્ય કરી છે. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સાથે મિલ કામદાર નેતા દત્તા ઈસ્વલકર, પ્રવીણ ઘાગ, ગોવિંદ મોહિ‌તે, પત્રકાર જયશ્રી ખાડિલકરની ઉપસ્થિતિમાં બેઠક થઈ હતી તેમાં મિલ કામદારોનાં ઘરો સંબંધી અનેક મુદ્દાઓ સ્પષ્ટ થયા હતા. દરમિયાન મિલ કામદારોને અથવા તેમના વારસદાર ઘર મળવાના છે એમ જાણી મૃત્યુ પામેલા અનેક કુટુંબોમાં વારસાહક માટે વિવાદ ચાલુ થયા છે. તેથી કોના નામ પર ઘર લેવું એનો નિર્ણય કુટુંબે એકસાથે મળી લેવો અને એ પ્રમાણે એફિડેવિટ રજૂ કરવી એમ સરકારે ફરજિયાત કર્યું છે. આવો વિવાદ ન ઉકેલનારા અને એફિડેવિટ ન રજૂ કરનારા મિલ કામદારોનાં કુટુંબોએ ઘરનું સ્વપ્ન ભૂલી જવું પડશે.