કુપોષણનો ભરડો : એક માસમાં ૨૮નાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સેંકડો બાળકો મોત સામે ઝઝૂમે છે: થાણેના જવ્હાર-મોખાડાને કુપોષણનો ભરડો
- ૩૭૦ અત્યંત કુપોષિત બાળકો મોત સામે ઝઝૂમતા હોવાનું સરકારી અહેવાલમાં જણાવાયું હતું


આદિવાસીઓની વધારે વસતિ ધરાવતા જવ્હાર અને મોખાડા તાલુકામાં કુપોષણની ભીંસમાં છેલ્લા મહિનામાં ૨૮ બાળકો મૃત્યુ પામ્યા હોવાની અને ૩૭૦ અત્યંત કુપોષિત બાળકો મોત સામે ઝઝૂમતા હોવાનું સરકારી અહેવાલમાં જણાવાયું હતું. વર્ષ ૧૯૯૨-૯૩માં વાવર-વાંગણી ખાતે કુપોષણ બાળમૃત્યુકાંડની વરવી વાસ્તવિકતા પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા બે દાયકામાં સરકારી સ્તરે કુપોષણ નાબૂદ કરવા ખર્ચાયેલા અબજો રૂપિયા પાણીમાં ગયા હોવાનું આ ઘટનાઓ દર્શાવે છે.

સરકારી અહેવાલમાં જણાવાયા મુજબ ગયા જુન મહિનામાં થાણે જિલ્લાના મોખાડા તાલુકામાં ત્રણ અને જવ્હાર તાલુકામાં પચ્ચીસ બાળકો કુપોષણથી મૃત્યુ પામ્યા હતા. એ આદિવાસી ક્ષેત્રના ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરે પ્રોજેક્ટ- ૧ હેઠળનાં ગામોમાં ૧૨૯ અને પ્રોજેક્ટ-૨ હેઠળનાં ગામોમાં ૧૪૧ બાળકો મોત સામે સંઘર્ષ કરતા હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે. આટલા ગંભીર આંકડા પ્રકાશમાં આવ્યા છતાં સરકારી તંત્રે કોઈ દોડધામ શરૂ કરી નથી અને વિધાનમંડળના ચોમાસુ સત્રમાં પણ આ બાબતનો કોઈ પડઘો પડ્યો નથી.

સરકારી અહેવાલમાં જણાવાયા મુજબ આ ક્ષેત્રમાં સાવ ઓછું વજન ધરાવતા બાળકો મે મહિનામાં ૫૪૫ અને જુન મહિનામાં ૧૨૬ નોંધાયા હતા. તેમાંથી ૩૫ બાળકોની તબિયત સુધારા પર છે અને ૬૩૬ બાળકો પર હજુ મૃત્યુનું જોખમ તોળાય છે. મોખાડામાં સાત બાળકો મરી ન શકે એવી બીમારીઓથી ગ્રસ્ત સ્થિતિમાં મોત સામે ઝઝુમે છે. મધ્યમ પ્રમાણમાં ઓછું વજન ધરાવતા ૬૨૧ બાળકોની તબિયત પણ ચિંતાજનક છે.

વર્ષ ૧૯૯૨-૯૩માં વાવર-વાંગણી ગામોમાં કુપોષણ અને ભૂખમરાથી ૧૨૫ કરતાં વધુ બાળકોના મોતનું પ્રકરણ જાહેર માધ્યમોએ પ્રકાશમાં લાવ્યા પછી આખા રાજ્યમાં ખળભળાટ મચ્યો હતો. થાણે ખાતેના કેટલાક વિભાગીય કાર્યાલયો જવ્હારમાં ખસેડાવાની સરકારનો ફરજ પડતાં બીજી બાજુ એ પગલાં સામે સ્થાનિક સરકારી કર્મચારીઓએ વિરોધ પણ કર્યો હતો. એ ઘટના પછી એ વિસ્તારમાં કુપોષણ નાબૂદીની યોજનાઓ શરૂ કરાઈ.

પરંતુ વખત જતાં એ યોજનાઓ ખોરવાઈ ગઈ હતી.આ સંદર્ભે મોખાડાના ચાઈલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર કે.આર. વાલેનો સંપર્ક કરતાં તેમણે કુપોષણની હાલની સ્થિતિના આંકડા તેમ જ કોઈ પણ પ્રકારની ટિપ્પણીનો ઈનકાર કર્યો હતો. તેમણે ઉચ્ચ અમલદારોએ આ બાબતે કંઈ પણ બોલવાની મનાઈ ફરમાવ્યાનું જણાવ્યું હતું.

- કુપોષણથી થતા બાળમૃત્યુથી ચિંતિત રાજ્યપાલે પ્રધાનોની બેઠક બોલાવી

થાણે જિલ્લામાં કુપોષણથી થયેલા બાળકોનાં મૃત્યુની ગંભીર નોંધ લેતાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કે. શંકરનારાયણને સંબંધિત પ્રધાનોની બેઠક બોલાવી છે.રાજ્યપાલે આદિવાસી વિકાસ પ્રધાન મધુકર પિચડ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં પ્રધાન વર્ષા ગાયકવાડને પુણેના રાજ ભવન ખાતે રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરવા તા. ૧૨મી ઓગસ્ટે બેઠકમાં બોલાવ્યાં છે.

પિચડે હાલમાં થાણે જિલ્લાના આદિવાસી બહુસંખ્યક તાલુકાઓ જવ્હાર અને મોખાડાની મુલાકાત લીધી હતી, તે દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે, મોટા ભાગે કુપોષણને લીધે થયેલા બાળકોનાં મૃત્યુ માટે યોગ્ય મેડિકલ સુવિધાઓના માળખાનો અભાવ અને અયોગ્ય આરોગ્ય સુવિધાઓ જવાબદાર છે. થાણે જિલ્લામાં જવ્હાર અને મોખાડા તાલુકાઓમાં મોટા પ્રમાણમાં બાળમૃત્યુ નોંધાયા છે.