LBT પછી વેપારીઓ સામે હવે નવી મૂંઝવણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિટેલના વેપારીઓ અને દુકાનદારોને આંદોલનમાં થયેલી ભરપાઇનું શું ?

સ્થાનિક સંસ્થા વેરો (એલબીટી) લાગુ થવા અંગે જે નિર્ણય લેવાય તે ખરો, પરંતુ હાલમાં વેપારીઓને થતું રોજીંદુ નુકસાન કેવી રીતે ભરપાઈ કરવું, એ મોટો પ્રશ્ન રીટેલ વેપારી, દુકાનદારો સામે ઊભો થયો છે. હોલસેલ વેપારીઓ પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું જણાવે છે. ''લગભગ મહિ‌ના સુધી ચાલેલા આંદોલનમાં વેપારીઓએ ધંધો બંધ રાખવો પડયો હોવાથી હવે નાના વેપારીઓ આંદોલનમાંથી પીછેહઠ કરી રહ્યા છે.

શહેરમાં હોલસેલ વેપારીઓની સંખ્યા ઓછામાં ઓછી દોઢ લાખ છે. કાપડ, ધાતુ જેવા વિવિધ ક્ષેત્રોમાં હોલસેલ વેપારીઓએ રોજ રૂ. ૬૦થી ૭૦ હજાર કરોડનું નુકસાન સહન કરવું પડે છે,’’ એમ ફેડરેશન ઓફ એસોસિયેશન્સ ઓફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રમુખ મોહન ગુરનાનીએ જણાવ્યું હતું.

નાના વેપારીઓની નુકસાની સંદર્ભે ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનના વિરેન શાહે જણાવ્યું હતું કે એકલા મુંબઈમાં સાડા ત્રણ લાખ રીટેલ દુકાનદારો છે.આ દુકાનદારોએ રોજનું સરેરાશ રૂ. પ૦૦ કરોડનું નુકસાન આ આંદોલનને લીધે સહન કર્યું છે. હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે તેથી રેટીમેઈડ ગારમેન્ટ અને વાસણના વેપારીઓએ મોટા પ્રમાણમાં માલ સ્ટોક કર્યો છે. પરંતુ છેલ્લા એક માસથી ચાલી રહેલી હડતાળને લીધે વેપારીઓને મોટું આર્થિ‌ક નુકસાન થયું છે.

સરકારની વિરુદ્ધ પણ અસંતોષ વધવા લાગ્યો છે. તેમાંથી વચલો માર્ગ નીકળશે કેમ એવી શંકા નાના દુકાનદારો અને તેમના સંગઠનો કરી રહ્યા છે. એલબીટી લાગુ થયો તો તે સેલ્સ ટેક્સ વિભાગ હેઠળ હોવો જોઈએ એવી ફેડરેશનની માગણી છે, એમ વિરેન શાહે જણાવ્યું હતું.

જોકે બીજી તરફ ફામે એલબીટી રદ કરવાની જીદ પકડી છે અને વેપારીઓ એલબીટી રદ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખશે, એમ ફામના અધ્યક્ષ ગુરનાનીએ જણાવ્યું હતું.

એલબીટી મુદે શરદ પવારની સીએમને રજુઆત

એલબીટીને પ્રશ્ને સરકાર અને વેપારીઓમાં વિવાદ થયો છે તેનો ઉકેલ લાવવા કૃષિ પ્રધાન શરદ પવારે શુક્રવારે પૃથ્વીરાજ ચવ્હાણની મુલાકાત લઈ વેપારીઓની તરફેણમાં જોરદાર રજૂઆત કરી હતી. આ વેળા વેપારીઓની સંમતિ વગર સરકાર કોઈપણ નિર્ણય આગળ વધારશે નહીં એવી બાંયધરી મુખ્ય પ્રધાને આપી હોવાનું જાણવા મળે છે.

એલબીટીના વિરોધમાં વેપારીઓનું આંદોલન હાલ પુરતુ બંધ થયું હોવા છતાં વેપારીઓ અને સરકાર વચ્ચે હજુ મતભેદો પ્રવર્તે છે. ચાલુ વર્ષે ઓક્ટોબર માસથી મુંબઈમાં એલબીટી ફરજિયાત કરવાનો સરકારનો વિચાર છે. તેની સામે વેપારીઓ કટ્ટર વિરોધ કરી રહ્યા છે. આ સંદર્ભે વેપારીઓની વિનંતીને માન આપી શરદ પવાર મધ્યસ્થી કરવા તૈયાર થયા હતા.મુખ્ય પ્રધાન ચવ્હાણ, શરદ પવાર અને વેપારીઓના પ્રતિનિધિઓની બેઠક થઈ હતી તેમાં આ પ્રશ્ને વિગતવાર ચર્ચા થઈ હતી. આ સમસ્યાનો સંતોષકારક ઉકેલ શોધવા એક ઉચ્ચ સ્તરીય સમિતી સ્થાપવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

એલબીટી વિરુદ્વ સોશિયલ મીડિયા પર પ્રચાર

એલબીટીની સમસ્યા ઉકેલાવાને માર્ગે હોવા છતાં કેટલાક વેપારીઓએ સોશિયલ મીડિયા પર આ કાળો કાયદો છે એવો પ્રચાર મોટા પ્રમાણમાં કર્યો છે. ફેસબુક, ટ્વીટર, ગુગલ પ્લસ, લિંકડઈન જેવા સોશિયલ મીડિયા દ્વારા પ્રોટેસ્ટ એલબીટી, આઈ ઓપોઝ એલબીટી, એલબીટી હાય હાય અને આવા નામથી સ્વતંત્ર પેજીસ વેપારી સંગઠનોએ તૈયાર કર્યા છે.

આ પેજીસ પર એલબીટીના વિરોધમાં વ્યાપક જનજાગૃતિ કરવામાં આવી રહી છે, પરંતુ વોટસ અપ અને બી.બી.એમ. એપ્લિકેશન્સ દ્વારા એલબીટી બાબતે વેપારીઓ તાજા સમાચારો મેળવે છે.વેપારી પ્રતિનિધિઓ અને સરકાર વહીવટીતંત્ર વચ્ચે ચાલતી બેઠકો વેળા તેમના દ્વારા ચર્ચવામાં આવેલા મુદ્દાઓ બાબતે સાતત્યથી તમામ અપડેટ એપ્સ દ્વારા વેપારી સંગઠનો મહારાષ્ટ્રનાં લાખો વેપારીઓ સુધી પહોંચાડે છે.