21 કલાકે લાલબાગચા રાજાનું વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- 21 કલાકે લાલબાગચા રાજાનું વિસર્જન
- ડોલ્બીના અવાજથી દીવાલ તૂટી પડતાં સાતારામાં ત્રણ ભાવિકનાં મોત


મુંબઈ : ગણપતિ બાપ્પા મોરયા… પુઢચ્યા વર્ષી લવકર યા…ના ગગનભેદી નારા, ઢોલનગારા સાથે વાજતેગાજતે સોમવારે સવારે નીકળેલી વિસર્જનયાત્રા મંગળવારે સવારે પૂર્ણ થઈ હતી. મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાનું વિસર્જન 21 કલાક પછી થયું હતું, જ્યારે પુણેમાં સાડાઆઠ કલાક સુધી વિસર્જન યાત્રા ચાલી હતી. સાતારામાં ડોલ્બીના અવાજથી દીવાલ તૂટી પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં. આ સિવાય રાજ્યભરમાં નિર્વિઘ્ને વિઘ્નહર્તાનું વિસર્જન થયું હતું.

મુંબઈમાં લાલબાગચા રાજા, ખેતવાડી, ફોર્ટ સહિતના વિખ્યાત ગણેશમંડળોની વિસર્જન યાત્રા સોમવારે સવારથી નીકળી હતી. તેમાં લાલબાગચા રાજાનું સૌથી છેલ્લે મંગળવારે સવારે 8.00 વાગ્યાના સુમારે વિસર્જન થયું હતું. વહેલી સવાર સુધી ચોપાટી સહિત લાલબાગચા રાજાની યાત્રા જ્યાંથી નીકળી ત્યાં સર્વત્ર માનવમહેરામણ ઊમટી પડ્યું હતું.મુંબઈમાં ચોપાટીઓ નજીકના વિસ્તારોમાં ઠેર ઠેર વિસર્જન યાત્રામાં માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. લોકો ઘરની બાલ્કનીઓ, રસ્તાઓ, દુકાનો, છાપરાંઓ, અગાશીઓ પરથી વિસર્જન માણતા જોવા મળ્યા હતા.
50,000 પોલીસમેનો, એસઆરપીએફ, સંરક્ષણ દળના જવાનોએ વિસર્જન નિર્વિઘ્ને પાર પડે તેની તકેદારી લીધી હતી. ખાસ કરીને ગિરગાવ ચોપાટી પર ધામધૂમ વધુ જોવા મળી હતી. લાલબાગચા રાજાની એક ઝલક પામવા માટે ભાવિકો સોમવાર સાંજથી જ ચોપાટી પર જગ્યા બનાવીને ઊભા રહી ગયા હતા. મંગળવારે સવારે લાલબાગચા રાજાનું પારંપરિક રીતે કોળીબંધુઓની બોટ દ્વારા વિસર્જન થયું ત્યાં સુધી ભાવિકો પોતાની જગ્યા પર અડગ ઊભા રહ્યા હતા.

ઠેર ઠેર રાજકારણીઓ, સમાજસેવકો, દાતાઓએ મફત નાસ્તો-પાણીની વ્યવસ્થા કરી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક નેતાઓએ તો તેમના વિસ્તારમાંથી પસાર થતાં દરેક મંડળના અધ્યક્ષોનું સન્માન કર્યું હતું અને ભેટવસ્તુઓ આપી હતી. દક્ષિણ મુંબઈમાં તાડવાડી ખાતે એનસીપીના નીતિન કદમ, ભાજપના રાજ પુરોહિતે લોકોને રીઝવવા માટે નાસ્તો- પાણી અને ભેટવસ્તુઓની લહાણી કરી હતી.મુંબઈ સાથે થાણેમાં સોમવાર મોડી રાત સુધી વિસર્જન ચાલ્યું હતું. પુણેમાં સાડાઆઠ કલાક સુધી વિસર્જન યાત્રા ચાલી હતી.
વાંચો આગળ, સતારામાં દિવાલ તુટી પડતા ત્રણનાં મોત ....