મતદારોએ અપાત્ર ઉમેદવારોને ઘેર બેસાડ્યા, જેલમાંથી લડતા બે ઉમેદવારોને પણ નકાર્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલીક બેઠકો ઉપર એક જ પરિવારના ઉમેદવારો આમને-સામને આવી ગયા હતા

મુંબઈ : રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી મેળવવા માટે પક્ષાંતર સત્ર શરૂ થઈને તે રાજકીય ઘરાણા સુધી પહોંચ્યું હતું, જેમાંથી અનેક કુટુંબોમાં સત્તાસંઘર્ષ શરૂ થયો હતો. આને કારણે આ વખતે રાજ્યમાં અનેક ઠેકાણે બે બહેનો, ભાઈ- બહેન, કાકો- ભત્રીજો અને દિયર- ભાભી પણ ચૂંટણીમેદાનમાં આમનેસામને આવી ગયાં હતાં, પરંતુ મતદારરાજાએ યોગ્ય ઉમેદવારને વિધાનસભામાં મોકલી અપાત્ર ઉમેદવારને ઘેર બેસાડી દીધો છે. સગાવાદના સત્તા સંઘર્ષમાં કોઈપણ પક્ષ બાકાત રહ્યો નહોતો. એક પક્ષમાં કોઈને ટીકીટ ન મળતાં તે ઉમેદવાર તેના જ ભાઈ, ભાભી, બહેન કે કાકા સામે બીજા પક્ષમાંથી ઊભી રહ્યો હતો. ક્યાંક જે-તે બેઠક પર ચોક્કસ પરિવારનું પ્રભુત્વ તોડવા એક પક્ષે એ જ પરીવારના બીજા સભ્યને ટીકીટ આપી હતી.

પરળી મતવિસ્તારમાં ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેનો ભત્રીજો ધનંજય મુંડે આ વખતે ગોપીનાથનાં પુત્રી ભાજપનાં પંકજા સામે રાષ્ટ્રવાદીની ટિકિટ પરથી ઊભો હતો. જોકે ધનંજય ઊંધે માથે પટકાયો છે. તેને 70 હજાર આસપાસ મત મળ્યા હતા, જ્યારે પંકજાએ 95,000થી વધુ મતો મેળવ્યા હતા. ગોપીનાથ હયાત હતા ત્યારથી જ ધનંજયે બળવો કર્યો હતો. જોકે ગોપીનાથ હયાત નથી ત્યારે પંકજા સામે તેઓ ઊભા રહેશે કે કેમ એ વિશે સૌને ઉત્સુકતા હતી, કારણ કે ગોપીનાથ સાથે મૈત્રીને નાતે શિવસેનાએ પણ આ બેઠક પરથી પોતાનો ઉમેદવારો ઉતાર્યો નહોતો. જોકે ધનંજય મક્કમ રહેતાં પંકજા સામે ઊભા રહેવા માટે તૈયાર થઈ ગયા હતા.

નિલંગામાં ભત્રીજાએ કાકાને હરાવ્યા

લાતુરના નિલંગા મતવિસ્તારમાં ભાજપ તરફથી સંભાજી પાટીલ- નિલંગેકરને ઊભા કરવામાં આવ્યા હતા જ્યારે તેમની સામે તેમના કાકા અશોક પાટીલ- નિલંગેકરે કોંગ્રેસની ટિકિટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આમાં સંભાજી પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેરને પગલે 76,817 મત મેળવ્યા હતા, જ્યારે અશોક પાટીલે 49,306 મત મેળવ્યા હતા. આમ, ભત્રીજાએ કાકાને આસાનીથી પછાડી દીધા હતા. 2004ની ચૂંટણીમાં દાદાએ પૌત્રને હરાવ્યો હતો. તે પછી 2009માં પૌત્રે દાદાને હરાવીને વેર વાળ્યું હતું. આ વખતે કાકા વિરુદ્ધ ભત્રીજાની લડાઈ જામી હતી, જેમાં મોદીના બળે ભત્રીજો ફાવી ગયો હતો.

તેઉસામાં બહેન સામે બહેનનો વિજય

અમરાવતીના તેઉસા મતવિસ્તારમાં વર્તમાન વિધાનસભ્ય કોંગ્રેસનાં યશોમતી ઠાકુરે બેઠક 53,000થી વધુ મતો મેળવીને જાળવી રાખી છે. તેમની વિરુદ્ધ તેમની બહેન સંયોગિતા નિંબાળકર અપક્ષની ટિકિટ પરથી ઊભી હતી, જેને 9000 આસપાસ મતો જ મળ્યા હતા.

ઉસ્માનાબાદમાં બે ભાઈની લડાઈ સાવકો જીત્યો

ઉસ્માનાબાદ મતવિસ્તારમાંથી શિવસેનાના વર્તમાન વિધાનસભ્ય ઓમપ્રકાશ રાજેનિંબાળકર વિરુદ્ધ તેમના સાવકા ભાઈ રાષ્ટ્રવાદીના રાણા જગજિતસિંહ પદ્મસિંહ પાટીલ ચૂંટણીના અખાડામાં ઊભા હતા, જેમાં રાજેનિંબાળકરને 77,663 મત મળ્યા હતા, જ્યારે રાણાને 88,469 મત મળ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં ઓમપ્રકાશે રાણા જગજિતસિંહને હરાવ્યા હતા, જેનું રાણાએ આ વખતે વેર વાળ્યું છે.

લાતુરમાં દિયરના હાથે ભાભીનો પરાજય

લાતુર ગ્રામીણમાંથી કોંગ્રેસ તરફથી ત્ર્યંબકરાવ ભિસેએ 1,00,897 મતે બેઠક જીતી હતી. કોંગ્રેસે તેમના ઉતારતાં રાષ્ટ્રવાદીએ આ જ કુટુંબમાંથી તેમનાં ભાબી આશાબાઈ ભિશેને તક આપી હતી, જેઓ 2672 મત મેળવીને પાંચમા ક્રમે ફેંકાઈ ગયાં છે. ભાજપના રમેશ કરડ 90,387 મત સાથે બીજા ક્રમે આવ્યા હતા.
ચંદ્રપુરના વરોરામાં દિયર-ભાભી વચ્ચે શિવસેના ફાવી ગઈ

ચંદ્રપુર જિલ્લાના વરોરા મતવિસ્તારમાં પણ દિયર અને ભાભી વચ્ચે લડાઈ જામી હતી. કોંગ્રેસે ટિકિટ ન આપવાને કારણે ભાજપમાં પ્રવેશ કરીને માજી મંત્રી સંજય દેવતળે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું. તેમની વિરુદ્ધ કોંગ્રેસ તરફથી તેમનાં ભાભી ડો. આસાવરી દેવતળેને ઉતારવામાં આવ્યાં હતા. જોકે, પરિવારના બંને સભ્યોની લડાઈમાં શિવસેનાના સુરેશ ધાનોરકરે 53,877 મતોથી બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે સંજય દેવતળએ 51,873 મત સાથે ટફ ફાઈટ આપી હતી, જ્યારે ડો. આશાવરીને ફક્ત 31,033 મત મળ્યા હતા. આમ, એક જ પરિવારના મતદારોના મતો વહેંચાઈ ગયા હતા.

- જેલમાંથી લડતા બે હાઈપ્રોફાઈલ ઉમેદવારને મતદારોએ નકાર્યા
-ગુલાબરાવ દેવકર અને સુરેશ જૈન ઘરકુળ કૌભાંડમાં જેલમાં

રાજ્યમાં જેલમાંથી લડેલા બે હાઈ પ્રોફાઈલ નેતાને મતદારોએ નકારી કાઢ્યા હતા. આમાં જળગાવ ગ્રામીણમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગુલાબરાવ દેવકર અને જળગાવ શહેરમાં શિવસેનાના સુરેશકુમાર જૈનનો સમાવેશ થાય છે. આ બંને સામે જળગાવના કરોડો રૂપિયાના ઘરકુલ કૌભાંડમાં સંડોવણીના આરોપ છે અને જેલમાં સબડી રહ્યા છે. દેવકરને 52,653 મત મળ્યા હતા, જ્યારે તેમના હરાવનાર શિવસેનાના ગુલાબ પાટીલને 84,020 મત મળ્યા હતા. ત્રીજા ક્રમે ભાજપના આબાસાહેબ પાટીલને 44,011 મત મળ્યા હતા, કોંગ્રેસ ચોથા ક્રમે અને મનસે પાંચમા ક્રમે આવી હતી.

જળગાવ શહેરમાં સુરેશકુમારને 30,000થી વધુ મત મળ્યા હતા, જ્યારે ભાજપના સુરેશ ભોલે 55,000થી વધુ મતે જીતી ગયા હતા. મનસે, સમાજવાદી પાર્ટી રાષ્ટ્રવાદી તે પછીનો ક્રમે આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ સૌથી પાછળ ફેંકાઈ ગઈ હતી. સુરેશ જૈનની અઢી વર્ષથી જેલમાં છે. તેઓ આ મતવિસ્તારમાં નવ વખત આ મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા. જોકે આ વખતે તેમની જીત પર બ્રેક લાગી છે. તેઓ જેલમાંથી હોવાથી તેમના પુત્ર રાજેશે (49) પ્રચારમાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. રાજેશ બીઈ ઈલેક્ટ્રોનિક્સ છે અને મુંબઈ સ્થિત લિસ્ટેડ કોર્પોરેટ હાઉસનો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. રાજેશે પિતાને પગલે ચાલવાને બદલે કોર્પોરેટ કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું હતું. તે સતત વ્યસ્ત રહે છે, પરંતુ પિતા આ વખતે જેલમાં હોવાથી રાજેશે પ્રચારમાં સખત જહેમત લીધી હતી.

આ જ રીતે ગુલાબરાવ દેવકરનો પુત્ર વિશાલ (32) ન્યૂ યોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એમબીએ થયો છે, તેણે પિતા માટે ખૂબ પ્રચાર કર્યો હતો. ગુલાબરાવની આ જ કૌભાંડમાં નવ મહિના પૂર્વે જ ધરપકડ કરાઈ હતી. વિશાલ જળગાવમાં ગુલાબરાવ દેવકર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે. પિતા જેલમાં જતાં છ મહિના પૂર્વેથી જ તેણે વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારની ધૂરા સંભાળી લીધી હતી. ગત ચૂંટણીમાં ગુલાબરાવ દેવકરે ગુલાબરાવ પાટીલને 4200 મતોથી હરાવ્યા હતા. બંને જેલમાંથી લડી રહેલા ઉમેદવારોના હરીફોએ દેખીતી રીતે જ ખરડાયેલી છબિનો ખૂબ પ્રચાર કર્યો હતો.