૮ કરોડના ખર્ચ બાબતે મુંડેને આવકવેરા વિભાગની નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીમાં રૂ. ૮ કરોડ ખર્ચ કરવાની માહિ‌તી ભાષણમાં જાહેર કરનારા ભાજપના નેતા ગોપીનાથ મુંડેને આવકવેરા વિભાગે હવે નોટિસ આપી છે. રામભાઉ મ્હાલગી પ્રબોધિનીના પ્રમુખ સમન્વયક વિનય સહસ્ત્રબુદ્ધેના પુસ્તક પ્રકાશન કાર્યક્રમમાં મુંડેએ લોકસભાની ચૂંટણીમાં રૂ. ૮ કરોડ ખર્ચ કરી ચૂંટાઈ આવવાની વાત કહી હતી. આ વકતવ્ય બાદ તેમને ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ મોકલી ૨૦ દિવસમાં જવાબ આપવાની માગણી કરી હતી. આ નોટિસનો જવાબ ટૂંક સમયમાં અપાશે એમ ગોપીનાથ મુંડેએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. જોકે હવે તેમની સામે બીજું સંકટ આવી ગયું છે.

આ નોટિસ પાછળ જ હવે આવકવેરા વિભાગે મુંડેને નોટિસ આપી છે. આવકવેરા વિભાગે મંગળવારે મુંડેને નોટિસ મોકલી સંપત્તિ બાબતે વિગતો આપવા જણાવ્યું છે. આ અગાઉ ગોપીનાથ મુંડેએ પોતાની કુલ સંપત્તિ રૂ. બે કરોડ જણાવી છે અને લોકસભા ચૂંટણીણાં તેમણે રૂ.૧૯ લાખ ખર્ચ કર્યા હતા, એમ એફિડેવિટ દ્વારા રજૂ કર્યું હતું.

જોકે નરેંદ્ર મોદી મુંબઈ આવ્યા હતા ત્યારે ચૂંટણીઓમાં વર્ષોથી પ્રચાર પાછળ થઈ રહેલા ચૂંટણી ખર્ચનો ફરક સમજાવવામાં મુંડેએ પોતે રૂ. ૮ કરોડ ખચ્ર્યા હોવાનું કહ્યું હતું, જેને લઈ વિવાદ જાગ્યો છે. ખાસ કરીને એનસીપી અને કોંગ્રેસે આ બાબત પકડી રાખી છે અને તેમણે તપાસ કરવાની માગણી કરી છે.

આ માગણી પછી ચૂંટણીપંચે મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. બીજી બાજુ હવે આવકવેરા વિભાગ પણ મુંડેની પાછળ પડી ગયો છે. આને કારણે મુંડેની મુશ્કેલી વધવાની શક્યતા જોવાઈ રહી છે. દરમિયાન ભાજપના અન્ય નેતાઓ અને શિવસેનાએ પણ મુંડેને આ મામલે ટેકો આપશે એવી જાહેરાત કરી છે. આને કારણે આગામી દિવસોમાં હવે ચૂંટણીપંચ શો નિર્ણય લે છે તેની પર સૌની મીટ મંડાયેલી છે.