ઓખીની અસર: રાજ્યમાં મૂશળધાર વરસાદ યથાવત્

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ઓખી વાવાઝોડાની અસર વર્તાઈ હતી. મુંબઈ, થાણે, પાલઘર સહિત રાજ્યમાં ઠેકઠેકાણે આખો હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. કોંકણમાં રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ તેમ જ ગોવા, ઔરંગાબાદમાં વરસાદ પડ્યો હતો. ઓખી વાવાઝોડાની અસરને લીધે તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડવાની આગાહી હોવાથી રાજ્ય સરકારે સોમવારે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાની ઘોષણા કરી હતી. એ અનુસાર તમામ સ્કૂલો અને કોલેજો બંધ રહી હતી.

 

વેંગુર્લામાં 8 નૌકા ડૂબી, સિંધુદુર્ગમાં માછીમારોની જાળ, દોરી તણાતા લાખોનું નુકસાન

 

આ આગાહીને કારણે લોકોએ ઘરમાં રહેવું જ પસંદ કર્યું હોઈ રસ્તા પર ઝાઝી ગિરદી નહોતી કે વાહનવ્યવહાર પણ નહોતો. લોકલ ટ્રેનોમાં પણ રોજની જેમ જરાય ગિરદી નહોતી. લોકલ ટ્રેનો લગભગ અડધી ખાલી દોડી રહી હતી. ઓખી વાવાઝોડું મુંબઈના દરિયાકિનારેથી 200 કિલોમીટર અંતરે હતું. જોકે એની અસરરૂપે સોમવારથી શરૂ થયેલો વરસાદ મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગે 4 અને 5 ડિસેમ્બરના માછીમારોએ સમુદ્રમાં ન જવું એવી ચેતવણી આપી હતી. જોકે સમુદ્રમાં ઊછળતાં મોજાંઓને કારણે સિંધુદુર્ગ જિલ્લામાં માછીમારોની જાળો, દોરીઓ વગેરે વહી જવાથી લોખાનું નુકસાન થયું હતું.

 

વેંગુર્લામાં 8 નૌકાઓ ડૂબી ગઈ હતી. મુંબઈમાં અર્નાળા બીચ અને અર્નાળા કિલ્લામાં સુકાવા માટે રાખેલી લાખો રૂપિયાની માછલીઓ તણાઈ ગઈ હતી. દક્ષિણ મુંબઈમાં દાદર, સીએસટી, વરલી, પરેલ વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે મુંબઈમાં ચાલી રહેલા રસ્તાઓના કામ ધોવાઈ ગયા હતા. મુંબઈ હાઈ કોર્ટ સામેના મુખ્ય ચોકમાં ખાડાઓ પડ્યા હતા. રત્નાગિરિમાં મોજાંઓને કારણે ગણપતિપુળે રોડ પર તિવરી બંદર તરફ જતો રસ્તો તણાઈ ગયો હતો. માળશેજ ઘાટમાં ઝાડ પડવાથી ટ્રાફિક ધીમો પડ્યો હતો. જેસીબીની મદદથી ઝાડને એક કોરે હટાવવામાં આવ્યું હતું.

 

અનુયાયીઓ માટે વ્યવસ્થા


દરમિયાન 6 ડિસેમ્બર ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરની જયંતિ હોઈ મહાપરિનિર્વાણ દિન નિમિત્તે હજારો અનુયાયીઓ દર્શન કરવા મુંબઈ આવે છે. વરસાદને કારણે શિવાજી પાર્ક પરિસરમાં ચિકલ થઈ ગયો હતો. બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ આવી પહોંચેલા અનુયાયીઓની વરસાદને કારણે હાલત કફોડી થઈ હતી. મુંબઈ મહાપાલિકાએ અનુયાયીઓની રહેવાની વ્યવસ્થા મહાપાલિકાની 70 સ્કૂલોમાં કરી હતી. ઉપરાંત ડોકટર બાબાસાહેબ આંબેડકર કોલેજ, વડાલા અને લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે પણહંગામી નિવાસ સહિત મોબાઈલ શૌચાલય, સ્નાનગૃહ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. 6 ડિસેમ્બરના ચૈત્યભૂમિ પર અનુયાયીઓની ગિરદી થવાની હોઈ બેસ્ટે અતિરિક્ત બસ દોડાવશે.

 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત


નાગરિકોને સૂચના આપવા માટે દાદરના સમુદ્રકિનારે પોલીસોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સમુદ્રમાં મોજાઓ ઉંચા ઉછળતા હોવાને કારણે કોઈ કિનારા પર જાય નહીં એ માટે ફેન્સિંગ નાખવામાં આવી હતી. 6 ડિસેમ્બરના બાબાસાહેબના અનુયાયીઓ માટે દાદર ચોપાટી પર જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 

મહાપાલિકા એલર્ટ પર


ઓખી વાવાઝોડાને કારણે મુંબઈ મહાપાલિકા એલર્ટ પર હતી. તકેદારી માટે દાદર ચોપાટી પર જતા 6 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. દાદર ચોપાટી પરની તમામ દુકાનો હટાવવામાં આવી હતી. ઉપરાંત નેવી, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ સહિત મહાપાલિકાનો ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગ, અગ્નિશમન દળ પણ સજ્જ હતું.

અન્ય સમાચારો પણ છે...