બોરીવલીમાં શંકાખોર પતિએ પત્નીની ચાકુ મારીને હત્યા કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરીવલીમાં શંકાખોર પતિએ પત્નીનું ગળું દબાવ્યા બાદ ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે તેની ધરપકડ કરીને રિમાંડ પર લીધો છે. બોરીવલીમાં જયોતિ વિજય કાંબળે (૨૭)ની તેના પતિ વિજય વિષ્ણુ કાંબળેએ ગળું દબાવ્યા પછી ચાકુ મારીને હત્યા કરી હતી. આ સંબંધે એમએચબી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.

આવતીકાલે આરોપીને સ્થાનિક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાશે. વિજય પોતાની પત્નીના ચારિત્રય પર શંકા કરતો હતો. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. વિજય બોરીવલીના ધમૉનગર, સાવંત ચાલમાં રહે છે. તેને એક પુત્ર છે. વિજય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, જ્યારે પત્ની પણ બહાર કામ કરતી હતી. ગત થોડા મહિનાથી વિજય પત્ની પર શંકા કરતો હતો. તેની મારઝૂડ પણ કરતો હતો.

આજે સવારે ૯.૩૦ વાગ્યે આ જ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. માથાભારે વિજયે પત્નીનું ગળું દબાવી દીધું હતું. આટલું ઓછું હોય તેમ પછી ચાકુ મારીને તેનો જીવ લીધો હતો. બાદમાં તે પોતે જ પોલીસને શરણે થયો હતો તેમ અહિં પોલીસે આપેલી માહિતીમાં જણાવ્યું હતું.