કોકણમાં ભારે વરસાદથી હાહાકાર: બે જણ ગુમ થયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંકણમાં સતત બીજા દિવસે મુશળધાર વર્ષા ચાલુ રહી હતી. વરસાદને લીધે અનેક સ્થળોએ રસ્તા બંધ છે. ઘણાં સ્થળોએ પાણી ભરાયાં છે. પૂરનાં પાણીમાં નેહરુનગર ખાતે ગુરુનાથ શંકર ઠાકુર (પ૮) અને વેંગુર્લે ખાતે ચંદુ કદમ (૪પ) ગુમ થઈ ગયા છે. સંપૂર્ણ કોંકણમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૧૬૦ મીમી વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ વૈભવવાડી તાલુકામાં ૨પ૭ મીમી થયો હતો.

મુંબઈ-ગોવા હાઈવે નજીક ખારેપાટણ બજારમાં કુલ ૧૨ કલાકથી વધુ વરસાદ પડવાથી અહીંનું જનજીવન ખોરવાઈ ગયું હતું.પૂરનાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન વહીવટી તંત્રે બપોરે કર્યો હતો. મુંબઈ -ગોવા હાઈવે પર મંગળવારે સાંજે પીઠધવળ નદીના પુલ પરથી પાણી જવાથી આ રસ્તો વાહનવ્યવહાર માટે ચાર કલાક સુધી બંધ હતો.

મધરાતે વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો. ભુઈબાવડા ઘાટમાં તિરવડે ખાતે ડુંગર રસ્તા પર આવી પડવાથી આ માર્ગ પર વાહનવ્યવહાર બંધ હતો. ખારેપાટણ, ગગનબાવડા રસ્તો પણ કેટલોક સમય બંધ હતો. કુડાળ તાલુકામાં ભંગસાળ નદી અને કર્લી નદી ભરાઈ જતાં આ વિસ્તારમાં ખેતી પાણીમાં ડૂબી ગઈ હતી.