ગુજરાતી જલસોમાં મોરારીબાપુએ હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અર્પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ડાબેથી અંકિત ત્રિવેદી, ઉત્પલ ભાયાણી, પાર્થિવ ગોહિલ, નવીનભાઈ દવે, મોરારીબાપુ, અમરીશ પટેલ )

ગુજરાતી જલસોમાં મોરારીબાપુએ હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અર્પણ

મુંબઈ: ગુરૂવારે ગુજરાતી જલસો-2 ઉત્સવનું વિધિવત ઉદઘાટન પૂજ્ય મોરારીબાપુએ જશોદા રંગમંદિરમાં કર્યુ. આ પ્રસંગે યાદગાર ગુજરાતી કવિતાની સ્મરણિકા ‘ગુજરાતી ગૌરવ’ તથા ગયા વર્ષના ગુજરાતી જલસોની ડીવીડીનું વિમોચન મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું. ડીવીડીની પ્રથમ નકલ ઓમવેદના હર્ષદ મહેતાને અર્પણ કરવામાં આવી. વિજેતા કવિ હેમેન શાહે પોતાના નવા ગઝલ આલબમ ‘દીવાન-એ-ખાસ’ની પહેલી નકલ મોરારીબાપુને અર્પણ કરી હતી.શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના પ્રમુખ અમરીશ પટેલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મંડળનો તમામ સહયોગ આપવાની ખાતરી આપી. હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ નવીનભાઈ દવેએ બાપુના આશીર્વાદ આ જ રીતે મળતા રહે એવી કામના કરી હતી.

ઉત્સવના મુખ્ય સૌજન્યકર્તા એકમે ગ્રુપના પ્રવીણ દોશીએ માતૃભાષાના જનતા માટેના પ્રયાસો ઉપર ભાર મૂકયો હતો. ગુજરાતી જલસોના પ્રસ્તુતકર્તા પાર્થિવ ગોહિલે આપણાં સદાબહાર ગીતોને આજની પેઢીને ગમે એ રીતે રજૂ કરવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી તથા અજીત શાહે સર્વ કલાકારો અને સંકળાયેલી સંસ્થાઓનો આભાર માન્યો હતો. શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ વતી ભૂપેશ પટેલ અને ઈમેજ બુક કલ્ચર ટ્રસ્ટ વતી ઉત્પલ ભાયાણી મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. એસવીકેમ દ્વારા કલાકારોના કલ્યાણ માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યુ હતું.હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા નિર્ણાયક કુન્દન વ્યાસ અને રમેશ પુરોહિતની પસંદગી પ્રમાણે વર્ષ 2013નું હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક વરિષ્ઠ પત્રકાર ભાલચંદ્ર જાની અને કવિ હેમેન શાહને મોરારીબાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.

સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેની શબ્દચેતનાને વંદન કરી બાપુએ બન્નેને વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. તેમણે વક્તવ્યમાં કહ્યું હતું કે ત્રણ રત્નોની જાળવણી કરવી જોઈએ- શબ્દ, રસ અને વિદ્યા. વિદ્યા વિવાદ- વિક્રયની માનસિકતાથી મુક્ત હોવી જોઈએ અને વિવેવકની માનસિકતાથી મુક્ત ન રહેવી જોઈએ. ઘણી વાર બહુ જાણવા જઈએ તો માણવાનું રહી જાય. સારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવું એ મારી સાંધ્યકાળની આરતી જ છે. શ્રાદ્ધના દિવસોમાં શ્રદ્ધાપૂર્વક આ ઉત્સવસનું આયોજન થયું છે. ચમત્કાર નરી સાધનાથી થતા હોય છે.

આ પ્રકારની ઉત્સવ માટે ચાર દિવસ પણ ઓછા છે, છતાં એનું હીર ઓછું ન થવું જોઈએ. પાની ઈતના નહીં કે દરિયા કહે ઉસે; પાની ઈતના કમ ભી નહીં કે કતરા કહે ઉસે. આ બિંદુ સિંધુ થવાની પ્રક્રિયામાં છે. મારે મન આવા ઉત્સવ થાક ઉતારવાના ઠેકાણા છે. કાર્યક્રમ સ્પર્ધાથી નહીં શ્રદ્ધાથી થતો હોય ત્યારે કોઈ અનુષ્ઠાન કરવાની જરૂર નથી.ઉદઘાટન સમારોહ પછી રાસગરબામાં પાર્થિવ ગોહિલ, આલાપ દેસાઈ, જાહન્વી શ્રીમાંકર, સંગીતા લાબડિયા, બ્રિજરાજ લાબડિયા અને ભરત વાઘેલાએ તળપદી ગીતો અને ગરબાના ગૂંજાવરથી શ્રોતાઓને હિલોળે રમતા ર્ક્યા હતા. ગુજરાતી ગીતો પર નાચતા યુવા ખેલૈયાઓનો ઉત્સાહ ઉત્સવની પરિકલ્પના પ્રમાણે સપ્તરંગી બની રહ્યો.