મુંબઈ યુનિ.ના વીસીને રાજ્યપાલ રાવે કારણદર્શક નોટીસ ફટકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃરાજભવને આપેલી મુદતમાં પેપર તપાસણી ન થવાથી મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડોકટર સંજય દેશમુખે રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે કારણ દર્શાવો નોટિસ બજાવી હતી. મુંબઈ યુનિવર્સિટીના ઈતિહાસમાં આવી કારણ દર્શાવો નોટિસ મેળવનારા ડૉ. સંજય દેશમુખ પ્રથમ વાઈસ ચાન્સેલર છે. તમામ પરીક્ષાઓના પરિણામો 31 જુલાઈ સુધી જાહેર કરવામાં મુંબઈ યુનિવર્સિટી નિષ્ફળ જવાથી ડૉ. સંજય દેશમુખને 1 ઓગસ્ટના જ આ નોટિસ મોકલવામાં આવી હતી એવી માહિતી એક ઉચ્ચ પદે બિરાજતા અધિકારીએ આપી હતી. એ પછી વાઈસ ચાન્સેલર દેશમુખ તરત રજા પર ગયા હતા. 

આ વખતથી તમામ ઉત્તરપત્રિકાઓ ઓનલાઈન તપાસવાના દેશમુખના નિર્ણયથી બધા પરિણામો રખડી પડ્યા છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાની કલમ 11(14) અને 89 ની જોગવાઈઓનો આધાર લેતા આ નોટિસ બજાવવામાં આવી હતી. વાઈસ ચાન્સેલરને પૂરતી તક આપવામાં આવી હતી. માર્ચ-એપ્રિલ મહિનાથી આ સમસ્યા ચાલુ હતી. છતાં કોઈ જરૂરી પગલાં ભરવામાં આવ્યા નહોતા. રાજ્યપાલ સાથે થયેલી પ્રથમ બેઠકમાં જ વાઈસ ચાન્સેલરને તમામ પરિણામો આપેલી મુદતમાં જાહેર કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો હતો. પણ તમામ સ્તરે ગંભીરતાનો અભાવ હતો એમ આ અધિકારીએ જણાવ્યું હતું. 

કારણદર્શક નોટિસ મેળવનારા દેશમુખ પ્રથમ વાઈસ ચાન્સેલર

જો રાજ્યપાલ દેશમુખના ખુલાસાથી સંતુષ્ટ ન હોય તો તેઓ કુલપતિ તરીકેના તેમના અધિકાર અંતર્ગત વાઈસ ચાન્સેલરને પદ પર હટાવી શકે છે. યુનિવર્સિટી કાયદાની કલમ 11(14)માં એવી જોગવાઈ છે. દેશમુખ મુંબઈ યુનિવર્સિટીના 150 વર્ષના દીર્ઘ ઈતિહાસમાંના 54મા વાઈસ ચાન્સેલર છે. યુનિવર્સિટી પ્રશાસનના કામોમાં રેઢિયાળપણાને કારણે કુલપતિ તરફથી નોટિસ મેળવનારા તેઓ પ્રથમ વાઈસ ચાન્સેલર છે. દરમિયાન 4 લાખ 77 હજાર વિદ્યાર્થીઓએ માર્ચ-એપ્રિલમાં યુનિવર્સિટીની પરીક્ષા આપી હતી. એમાંથી 4 લાખ 13 હજાર વિદ્યાર્થીઓને અત્યાર સુધી તેમના પરિણામ મળ્યા છે.
અન્ય સમાચારો પણ છે...