તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ-ગોવા હાઈવે ને ચાર લેનનો બનાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે મુંબઈની મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના ધોરી માર્ગ ખાતાના પ્રધાન ઓસ્કાર ફર્નાન્ડિસે મુંબઈ-ગોવા ધોરી માર્ગ પર ઈંદાપુરથી ઝારાપ સુધીના ૩૬૬ કિ.મી. લાંબા રસ્તાને ચાર લેનનો બનાવવાનું કામ વહેલી તકે શરૂ કરવાની મહારાષ્ટ્રના જાહેર બાંધકામ અને પર્યટન ખાતાના પ્રધાન છગન ભુજબળની વિનંતીને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. રાજ્ય સરકારના સહ્યાદ્રિ અતિથિગૃહમાં યોજાયેલી બેઠકમાં તેમણે આ બાંયધરી આપી હતી.

મુંબઈની મુલાકાતે આવેલા ઓસ્કાર ફર્નાન્ડિસને મળીને છગન ભુજબળે મુંબઈ-ગોવા હાઈવેને ચાર લેનનો બનાવવાનું કામ રઝળવાને લીધે ગોવા અને કોંકણ તરફ જતા વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી. આ કારણસર અકસ્માતો પણ થતા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં નાસિક-પુણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિન્નરથી ખેડના બાકીના રસ્તાને ચાર લેનનો બનાવવા અંગે તેમ જ અન્ય રાષ્ટ્રીય ધોરી માર્ગોની સમસ્યાઓ પણ ચર્ચાઈ હતી.

મહારાષ્ટ્રમાં ખાનગી કરણ હેઠળ હાથ ધરવાના રાજ્ય સરકાર હસ્તકના માર્ગોને ચાર લેનના બનાવવાના છ પ્રોજેક્ટસ કેન્દ્રીય આર્થિ‌ક સહાય હેઠળ મેળવવા કેન્દ્ર સરકારને દરખાસ્તો મોકલાઈ છે. એ માટે કેન્દ્ર તરફથી ૭.૬૦ અબજ રૂપિયાનું ભંડોળ અપેક્ષિત છે. તે ઉપરાંત કેન્દ્રીય માર્ગ ભંડોળ હેઠળ રાજ્યને ભંડોળ ફાળવવાની દરખાસ્તો પણ કેન્દ્ર સરકારને મોકલાઈ હોવાનું ભુજબળે જણાવતાં એ બાબતે સત્વરે ઉચિત કાર્યવાહીની બાંયધરી ફર્નાન્ડિસે આપી હતી.