યુવાનો સાથે લગ્ન કરીને માલમતા લઈને છુ થતી ‘બબલિ’ની શોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વલસાડથી લઈને સૌરાષ્ટ્ર સુધી સેંકડો યુવાનો સાથે ઠગાઇ કરી

મુંબઈ પોલીસ વલસાડના વાંસદા ગામની ૨૨ વર્ષીય જયુથિકા અરવિંદ પટેલ અને તેના અન્ય સાગરીતોની શોધ ચલાવી રહી છે. એક યા બીજા કારણસર લગ્ન ન થતા હોય તેવા યુવાનોને શોધી કાઢી કોર્ટ મેરેજ કર્યા પછી માલમતા લઈને છુ થનારી જયુથિકા ઘરથી લઈને સંબંધીઓ પણ પૈસાથી ઊભા કરવામાં માહેર છે. મુંબઈ ગુજરાતમાં તેણે આ રીતે અનેકને ઠગ્યા છે.

મુંબઈમાં બોરીવલી ગોરાઈમાં રહેતા અને સાબુની દુકાન ચલાવતા એક ગુજરાતી યુવાનનાં લગ્ન જામતાં નહોતાં. હાલમાં તેને સંબંધીઓ મારફત વલસાડમાંથી છોકરીનું માગું આવ્યું હતું. નક્કી થયા મુજબ યુવાન વલસાડમાં ગયો ત્યારે પાનેરા ગામમાં એક જર્જરિત ઘરમાં તેને લઈ જવાયો હતો, જ્યાં રહેતી વૃદ્ધા આશાબેન જયુથિકાની માતા હોવાની ઓળખ આપવામાં આવી હતી, જ્યારે કલ્પનાબેન પટેલનું આ ઘર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

લગ્ન નક્કી થયા પછી યુવાનને જયુથિકાના બની બેઠેલા સંબંધીઓએ એવી વિનંતી કરી હતી કે છોકરીની પરિસ્થિતિ ખરાબ હોવાથી કપડાં-લત્તા ખરીદી કરવા માટે એક લાખ રૂપિયા આપે. યુવાન ભાવુક થઈ ગયો હતો અને રૂ. ૧ લાખ આપી દીધા હતા.

આ પછી એક મહિના પૂર્વે બાંદરા કોર્ટમાં કોર્ટ મેરેજ થયા હતા. તે સમયે યુવાને જયુથિકાને દાગીના પણ પહેરાવ્યા હતા. જયુથિકા અમુક સંબંધીઓને લઈને આવી હતી. લગ્ન થઈ ગયા પછી સર્વ નીકળી ગયા હતા. જયુથિકાએ પોતાને માટે થોડાં કપડાં લેવા પડશે એમ કહ્યું હતું. આથી યુવાન તેને કાંદિવલીના મોલમાં લઈ ગયો હતો.

થોડી વાર ભટક્યા પછી ઊલટી થાય છે એવું કહીને જયુથિકા યુવાનને ઊભો રાખીને ત્યાંથી છટકી ગયાં તે પરત આવી જ નહીં. લાંબો સમય વાટ જોયા પછી પોતે ઠગાયો છે એવી જાણ થતાં બોરીવલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વલસાડના પાનેરામાં તપાસ કરતાં ઘર કલ્પાબેનનું હતું અને ત્યાં આશાબેન પટેલ હતાં. આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

આશાબેનને માતા બનવા માટે રૂ. ૧૦૦૦ અપાયા હતા, જ્યારે કલ્પનાબેનને ઘર આપવા માટે અમુક રૂપિયા અપાયા હતા. તેમણે આ સિવાય જયુથિકા અને તેના કથિત સંબંધીઓ વિશે પોતાને કશી જ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. આ પછી મુંબઈ પોલીસે વલસાડ પોલીસ પાસે પૂછપરછ કરતાં આ રીતે જ વલસાડથી લઈને સૌરાષ્ટ્ર સુધી સેંકડો યુવાનો ઠગાયા હોવાની જાણ થઈ હતી. એક મોટી ટોળકીનો આ પાછળ હાથ છે. મુંબઈ પોલીસ હવે યુવાને મોબાઈલ પર લીધેલા ફોટો પરથી જયુથિકા અને તેના ઊભા કરેલા સંબંધીઓની તલાશ કરી રહી છે, જ્યારે વલસાડ પોલીસ પણ મદદ કરી રહી છે.