શહેરના બગીચા અને તળાવોના 'મેક ઓવર’નો ભવ્ય પ્લાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બોરીવલીમાં જંગલ થીમ પાર્ક અને લોટસ તળાવમાં લેસર શો જેવાં આકર્ષણો ઉમેરાશે

શહેરના ઉદ્યાનો અને નામશેષ થઈ રહેલાં તળાવોની કાયાપલટ કરવાની યોજના મુંબઈ મહાનગરપાલિકાએ ઘડી છે. નવી યોજનામાં બાંદરાના લોટસ તળાવમાં લેસર શો, નેશનલ પાર્કમાં બોટિંગ, બોરીવલીમાં વન્ય જીવન પર આધારિત થીમ પાર્ક, પનવેલ રોડ પર મુંબઈના પ્રવેશદ્વારના ક્ષેત્રમાં ઘારાપુરી (એલિફન્ટા)ની ગુફાઓની પ્રતિકૃતિઓની રચના વગેરે નૂતન સજાવટો દ્વારા શહેરના બહુરંગી સ્થળોની આકર્ષકતા વધારવાનો મેકઓવર પ્લાન હાથ ધરાશે.

બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ પર્યટકોને આકર્ષવાની દૃષ્ટિએ ત્યાંનાં તળાવોને વિશાળ બનાવવા ઉપરાંત તેમાં બોટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત ઉદ્યાનમાં જોગિંગ ટ્રેક, ફૂડ પ્લાઝા અને એમ્ફીથિયેટર બંધાશે. એ માટે જુદાં જુદાં સત્તાક્ષેત્રોની પરવાનગીઓ લેવી પડશે, એવી માહિ‌તી પાલિકાના મુખ્યાલયમાં બગીચા અને તળાવોના કાયાપલટના પ્રોજેક્ટ માટે કરાયેલા પ્રેઝેન્ટેશનમાં અપાઈ હતી.

યોજનાના ભાગરૂપે માટુંગાના 'ફાઈવ ગાર્ડન્સ’માં વ્યાપક સુધારા કરવામાં આવશે. એ પાંચ બગીચામાં વરિષ્ઠ નાગરિકો માટે જોગિંગ ટ્રેક, નાના બાળકોને રમવા માટે ક્રિડાંગણ, વ્યાયામ માટેનાં સાધનો, ફક્ત બાળકો માટે ઉદ્યાન એમ 'ન્યૂ લૂક’ આપવામાં આવશે. બાંદરા (પ‌શ્ચિ‌મ)ના લોટસ તળાવને અનોખું સજાવવામાં આવશે. ત્યાં બોટિંગ, ફરવા માટે ટ્રેક તેમ જ લેસર શો જેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. બોરીવલીના નેશનલ પાર્કની અંદર જંગલ થીમ પાર્ક બનાવવાની પાલિકાની યોજના છે. આ થીમ પાર્ક વન્ય જીવનને ધ્યાનમાં રાખીને પ૦૦ વૃક્ષોની ફરતે રચાશે, એમ મહાપાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.