ગણેશ નાઈકના ભાણેજના બંગલાનું બાંધકામ ગેરકાયદેસર : હાઈકોર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી મુંબઈના મેયર સાગર નાઈક તેમના ભત્રીજા છે અને સંસદ સભ્ય સંજીવ નાઈક તેમનો દીકરો છે

નવી મુંબઈ ખાતે થાણે જિલ્લાના પાલક પ્રધાન ગણેશ નાઈકના ભાણેજની માલિકીના બંગલા 'ગ્લાસ હાઉસ’ વિરોધી અરજીની સુનાવણીમાં મુંબઈ વડી અદાલતના ન્યા. ડી. વાય. ચંદ્રચુડ અને ન્યા. એસ. સી. ગુપ્તેની ખંડપીઠે દસ્તાવેજોની ચકાસણી બાદ આ બંગલો ગેરકાયદેસર તથા કોઈપણ પરવાનગીઓ લીધા વિના બંધાયો હોવાનું જાહેર કર્યું હતું.

''જે પદ્ધતિએ આ બંગલા (ગ્લાસ હાઉસ)નું બાંધકામ કરાયું છે, એ જોતાં નવી મુંબઈ મહાનગરપાલિકાએ તેનું કર્તવ્ય બજાવ્યું હોય એવું જણાતું નથી. તેથી નવી મુંબઈ મહાનગરપાલિકાએ આ બાબતમાં હાથ ધરેલી કાર્યવાહીનો અહેવાલ ૮ ઓગસ્ટ સુધીમાં રજૂ કરવો,’’ એમ જણાવતાં ખંડપીઠે આ કેસની કાર્યવાહી ૨૩ ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.

ગ્લાસ હાઉસ તોડવા માટે છ મહિ‌નાની મુદત વૃદ્ધિ આપવાની તાંડેલ (ગણેશ નાઈકના ભાણેજ)ના વકીલે કરેલી વિનંતીના જવાબમાં ન્યા. ચંદ્રચુડે જણાવ્યું કે ''એક વખત અમે ઝૂંપડાંવાસીઓને છ મહિ‌નાની મુદત વૃદ્ધિ આપીએ, પણ તમને નહીં અપાય. કારણ કે તમે કાયદાનો ભંગ કર્યો છે.’’ એ જણાવવા સાથે તેમણે એવો પ્રશ્ન પણ કર્યો હતો કે ''આ બંગલાના માલિક તાંડેલ છે કે ગણેશ નાઈક?’’

શિવસેના છોડીને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાયા પછી નવી મુંબઈ ક્ષેત્રમાં એનસીપીના શક્તિશાળી નેતા તરીકે ઉપસ્થિત ગણેશ નાઈકએ ક્ષેત્રમાં ગેરકાયદેસર ખાણો તેમજ અન્ય કેટલાક વિવાદોમાં પણ વગોવાતા રહ્યા છે.

તેમાં તેમના ભાણેજના મનાતા અનધિકૃત બંગલાનો વિવાદ ફરી તેમને સમાચારોમાં ચમકાવી રહ્યો છે. નવી મુંબઈના મેયર સાગર નાઈક તેમના ભત્રીજા છે અને સંસદ સભ્ય સંજીવ નાઈક તેમનો દીકરો છે તેવુ સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.