મુંબઈ: 'ગણેશ મંડળ એવોર્ડ્સ’માં વિજેતાને ૧ લાખનું ઈનામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ગણેજી )

'ગણેશ મંડળ એવોર્ડ્સ’માં વિજેતાને ૧ લાખનું ઈનામ

મુંબઈગરાની સુરક્ષા માટે એફએસએઆઈ દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ

મુંબઈ: ૨૯મી ઓગસ્ટે આવી રહેલી ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં ઊજવાતા સૌથી શુભ ઉત્સવો પૈકીનો એક છે. આ ઉત્સવ ભગવાન ગણેશના ભક્તો દ્વારા ઉજવણીના ભાગરૂપે ઊજવાતાં ભક્તિ ગીતો, નૃત્યો અને નગારાઓનાં પડઘમ વડે અત્યંત આનંદ પ્રચુર બની જાય છે.સમગ્ર મુંબઈમાં આવેલા પંડાલો, ટેબલો, ચિત્રો અને સજાવટ દ્વારા આ શહેર જેનો સામનો કરે છે એ વર્તમાન સામાજિક મુદ્દાઓ અને વિષયોનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા છે. મહાપાલિકા અનુસાર પાછલા વર્ષે શહેરમાં કુલ ૧,૯૧,૦૦૦ મૂર્તિ‌ની સ્થાપના કરાઈ હતી, જે પૈકીની ૧૦,૩પ૦ મૂર્તિ‌ સાર્વજનિક ગણેશ મંડળોમાં અને ૧,૮૦,૬પ૦ મૂર્તિ‌ સ્થાનિક ઘરોમાં સ્થાપિત કરાઈ હતી.

આ પ્રકારના પ્રસંગો દરમિયાન સલામતીના પગલાની જવાબદારી અનેકગણી વધી જાય છે અને આટલી મોટી સંખ્યામાં રહેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા કરવી એક પડકારજનક કામ બની જાય છે. જીવનની સુરક્ષા અને સલામતીના ઉદ્દેશ સાથે, મુંબઈ ફાયર બ્રિગેડ અને બૃહદ મુંબઈ પોલીસના નેજા હેઠળ એફએસએઆઈ (ફાયર એન્ડ સિક્યોરિટી એસોસિયેશન ઓફ ઈન્ડિયા) ભારતના એકમાત્ર 'સેફ એન્ડ સિક્યોર ગણેશ મંડળ એવોર્ડ્સ ૨૦૧૪’ની સ્થાપના કરી રહી છે. આ એર્વોડ્સમાં ટોચના ત્રણ મંડળને અનુક્રમે રૂ. એક લાખ, ૭પ,૦૦૦ તથા પ૦,૦૦૦નું રોકડ ઈનામ પ્રાપ્ત થશે.આ પહેલ પાછળ ઉત્સવની સીઝન દરમિયાન જોખમી પરિબળોને ઘટાડવા માટેના સલામતીના ઉપાયો વધારવા પ્રત્યે સાર્વજનિક મંડળ સમિતિઓને સંવેદનશીલ બનાવવાનો હેતુ રહેલો છે.

આ એવોર્ડ્સ પાછળ કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ, મંડળ સમિતિઓ, કોર્પોરેટ ગૃહો તેમ જ નિષ્ણાત સિક્યોરિટી કંપનીઓ વચ્ચે સંબંધોની કડી જોડીને આગ તથા આતંકવાદીઓ તરફથી ઉદભવતા સુરક્ષા વિષયક જોખમોના ઉપાય કરવા અંગે જાહેર જાગૃતિનું સર્જન કરવાનો પણ હેતુ રહેલો છે.નોંધણી ધરાવતાં મંડળોને એફએસએઆઈની ટીમ દ્વારા ભાગ લેવા માટેના પોર્મ આપવામાં આવશે. મુંબઈ પોલીસ તથા મુંબઈ ફાયર બ્રિગેડના ઉચ્ચ મહાનુભાવો સહિ‌તના છ સ્વતંત્ર અને નિષ્પક્ષપાતી નિર્ણાયકોની એક પેનલ દ્વારા સૌથી વધુ સુઆયોજિત, સલામત, સંકલન ધરાવતા મંડળને એવોર્ડ આપવામાં આવશે.

રાષ્ટ્રમાં હાલ પ્રવર્તતા વાતાવરણથી ખાસ કરીને ધાર્મિ‌ક ઉત્સવો દરમિયાન સુરક્ષાના પડકારમાં વધારો થયો છે અને વિરાટ સમુદાયની સલામતી એ સમાજ માટે ચિંતાનું મુખ્ય કારણ છે. આ પ્રકારના એવોર્ડસ મારફત એફએસએઆઈ ભારતનાં તમામ નાગરિકોમાં સલામત જીવનના તેમ જ સુરક્ષા અને સલામતી પ્રત્યે હંમેશા સક્રિય માનસિકતા વિકસાવવાના જુસ્સાને પ્રોત્સાહન આપે છે.