મુંબઈ: યમનના દર્દી પર અત્યંત જટિલ ઘૂંટણ પ્રત્યારોપણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - યમની યુવાન પર મુંબઈમાં સફળ શસ્ત્રક્રિયા બાદ તે આઠ વર્ષે થોડું થોડું ચાલવા લાગ્યો છે )

યમનના દર્દી પર અત્યંત જટિલ ઘૂંટણ પ્રત્યારોપણ
અફ્રિકામાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે, મૃત્યુ પણ નોંતરી શકે

મુંબઈ: યમનના સિકલ સેલ રોગથી પીડાતા 26 વર્ષના એબ્ડો પર મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઘૂંટણ પ્રત્યારોપણ પાર પાડવાની સિદ્ધિ ડોક્ટરોએ મેળવી છે. એબ્ડો સિકલ સેલ રોગથી પીડાતો હતો, જે બહુ જ્ઞાત નથી. આ ખતરનાક વંશગત રક્તનો વિકાર નિદાન નહીં થાય તો જીવલેણ સાબિત થઈ શકે છે. આ રોગને લીધે એબ્ડો 8 વર્ષથી ચાલી શકતો નહોતો. તે 26 વર્ષનો હોવા છતાં 10 વર્ષનો લાગતો હતો અને તેનું વજન આશરે 65 કિલો હોવું જોઈએ તેને બદલે 26 કિલો હતું.આ રોગમાં સામાન્ય, ઈંડાકારના લાલ રક્તકણો પ્રાણવાયુ ગુમાવે છે અને સિકલ આકારમાં પડી ભાંગે છે.

આ વિકારી કણો સરળતાથી ફરતા નથી અને તેને લીધે શિરાઓમાં સખ્તાઈ આવે છે, જેનાથી તીવ્ર દર્દ, એનેમિયા, તીવ્ર થાક, શ્વાસ લેવામાં તકલીફ પેદા થાય છે. છેલ્લે અવયવ નિષ્ફળ જઈ વહેલું મૃત્યુ પેદા થઈ શકે છે.પરિચિતોની સલાહથી પિતા એબ્ડોને ફોર્ટિસમાં સાંધા પ્રત્યારોપણ સર્જન અને સિનિયર ઓર્થોપેડિક ડો. સચિન ભોસલે પાસે આવ્યા હતા. તેના બંને ઘૂંટણનું પ્રત્યારોપણ જરૂરી હતું. આથી સૌપ્રથમ ડાબું ઘૂંટણ પછી 4 દિવસનું અંતર રાખી જમણું ઘૂંટણ પ્રત્યારોપણ કરાયું હતું.

તેને લીધે તેના સિકલ હેમોગ્લોબિન એક સપ્તાહમાં 84 ટકા પરથી ઘટીને 35 ટકાએ આવ્યા હતા, જેને લીધે સર્જરી અને એનેસ્થેટિક માટે સુરક્ષિત બન્યો હતો.ડો. ભોસલેએ જણાવ્યું હતું કે આખી દુનિયામાં ભાગ્યે જ આવા કિસ્સા જોવા મળે છે. અમારી પાસે તે અત્યંત વિકટ સ્થિતિમાં આવ્યો હતો અને તાકીદે સર્જરી કરવાની જરૂર હતી. તેની વૃદ્ધિ સંકુચિત રહેવાને લીધે તેને અનેક સમસ્યા પેદા થઈ હતી. જોકે શસ્ત્રક્રિયા પછી હવે તે થોડું થોડું ચાલી શકે છે, જેમાં સમય જતાં ઓર સુધારણા થશે. આ રોગ આફ્રિકનોમાં વધુ જોવા મળે છે, જ્યારે ભારતમાં છત્તીસગઢ, વિદર્ભ, નીલગિરિ હિલ્સ ખાતે જોવા મળે છે. જો નિદાન મોડું થાય તો દરદીને વહેલું મૃત્યુ આવી શકે છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.