KMDC સ્થાયી સમિતિની ચૂંટણીમાં શિવસેનાના દિપેશ મ્હાત્રે વિજયી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મનસેના રાજન મરાઠેને ૭ વિરુદ્ધ ૪ મતોથી પરાજય આપ્યો
લાપતા નગરસેવિકા અર્ચના કોઠાવદેએ તટસ્થ રહ્યા


કલ્યાણ-ડોમ્બિવલી મહાપાલિકાની સ્થાયી સમિતિના સભાપતિપદની ચૂંટણીમાં શિવસેનાના દિપેશ મ્હાત્રેએ મનસેના રાજન મરાઠેને ૭ વિરુદ્ધ ૪ મતોથી પરાજય આપ્યો હતો. કોંગ્રેસ-રાષ્ટ્રવાદી યુતિએ તટસ્થ રહેવાનો નિર્ણય લેતાં મ્હાત્રેનો વિજય સરળ બન્યો હતો. લાપતા નગરસેવિકા અર્ચના કોઠાવદેએ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો. એ સભાગૃહમાં આવ્યાં ત્યારે બધા પક્ષોના નગરસેવકોએ ધક્કામુક્કી કરી હતી. ભાજપે કોઠાવદેને કારણ દર્શાવો નોટિસ આપી છે.સ્થાયી સમિતિ સભાગૃહમાં કોંકણ વિભાગના અપર આયુક્ત દિલીપ શિંદેના અધ્યક્ષપદ હેઠળ મંગળવારે આ ચૂંટણી પાર પડી હતી. સ્થાયી સમિતિના સભાપતિપદની છેલ્લી ત્રણ ચૂંટણી વખતે મનસેએ ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો પણ આ વખતે ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો. મનસેનો ઉમેદવાર હારી જવાથી ઊંધે માથે પછડાટ ખાવી પડી હતી.

લોકસભાની ચૂંટણીમાં શિવસેના અને મનસે વચ્ચે જબરદસ્ત સામનો થયો હતો. એથી સેનાને ધક્કો પહોંચે એ આશયથી મનસેએ પોતાનો ઉમેદવાર ઊભો રાખી રસાકસી પેદા કરી હતી. એ માટે મનસેએ ભાજપની નગરસેવિકા અર્ચના કોઠાવદેને પોતાની તરફ ખેંચી રાખી હતી. એ પહેલાં મનસે કોંગ્રેસ-રાષ્ટ્રવાદીની યુતિ સાથે ચર્ચા કરી હતી એમ કહેવાતું હતું. તેથી યુતિ મનસેને મદદ કરશે એવું લાગતું હતું. અણીને ટાંકણે યુતિએ આ ચૂંટણીમાં પીછહેઠ કરતાં તટસ્ટ રહેવાનો નિર્ણય લીધો હતો. એથી સેનાના દિપેશ મ્હાત્રેનો વિજય થયો હતો.

કેડીએમસીમાં શિવસેનાના ૬, ભાજપ ૧ અને મિત્ર પક્ષ ૧, મનસે ૪, કોંગ્રેસ ૨, રાષ્ટ્રવાદી ૨ અને મિત્ર પક્ષનો ૧ એમ કુલ સોળ સભ્ય સ્થાયી સમિતિમાં છે. મહાયુતિ પાસે ૮, મનસે ૪ અને યુતિ પાસે પાંચનું સંખ્યાબળ છે. યુતિ અને મનસે એક થઈને સેનાનો પરાભવ કરશે એવી ચર્ચા થઈ રહી હતી. એમાંય ભાજપની કોઠાવદેની મનેસેએ નજીક કરી હતી. યુતિના મિત્ર પક્ષનો સભ્ય, મહાયુતિના સંપર્કમાં છે એવી ખબર પડવાથી યુતિએ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો.