અમેરિકન દુતાવાસોમાં પણ દહી હાંડી ઉત્સવ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મુંબઇ ઇસ્કોન મંદીર ખાતે યોજાયેલ દહી હાંડી મહોત્સવ)
- મુંબઈમાં એક ગોવિંદાનું મોત: ૪પથી વધુ ઘાયલ
- રાજેંદ્ર આંબેકરને નાચતી વખતે હાર્ટએટેક આવ્યો હતો
- મટકી ફોડવા માટે રૂ. ૧ લાખથી રૂ. ૨પ લાખ સુધીનાં ઈનામો રખાયાં
- સુપ્રીમની છુટ છતાં કેટલાક મંડળોએ મટકી ૨૦ ફૂટથી નીચે રાખી


મુંબઈ : લાખ્ખો રૂપિયાનાં ઈનામો જીતવાની લાહ્યમાં નવથી દસ માનવી પિરામિડ સુધી રચવાનો વિક્રમ કરવાની હોડમાં આ વખતે પણ એક ગોવિંદાનું મોત નીપજ્યું હતું, જ્યારે ૪પથી વધુ ગોંવંદાઓ ઘાયલ થયા હતા.થાણેમાં લાલબાગના સાઈસદન ગોવિંદા મંડળના ગોવિંદાઓ મટકી ફોડવા ગયા હતા. તે સમયે રાજેંદ્ર આંબેકર નામના શખસનું નાચતી વખતે હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું.
મુંબઈમાં પારંપરિક રીતે સોમવારે સવારથી ગોવિંદાઓ નીકળ્યા હતા. અમુક મંડળોએ હાઈર્કોટના આદેશને ગંભીરતાથી લઈને મટકી ૨૦ ફૂટ સુધી જ બાંધી હતી તો અમુકે ૪૦-૪૦ ફૂટ સુધી ઊંચે મટકી બાંધી હતી. રૂ. ૧ લાખથી લઈને રૂ. ૨પ લાખ સુધીનાં ઈનામો રખાયાં હતાં. આ ઈનામો જીતવાની લાહ્યમાં ૪પથી વધુ ગોવિંદાઓ ઘાયલ થયા હતા. જોકે આમાંથી મોટા ભાગનાને પ્રાથમિક ઉપચાર આપીને રજા આપી દેવાઈ હતી. આમાં ફક્ત એક ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઘાયલોને જેજે, કેઈએમ, નાયર અને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મહાપાલિકાએ ઘાયલ ગોવિંદાઓ માટે પહેલેથી જ ઉપચાર માટે વિશેષ વ્યવસ્થા કરી રાખી હતી. આ ઉત્સવ મુંબઈમાં સાંજે પતી ગયો હતો, પરંતુ થાણેમાં મોડી રાત સુધી ચાલતો હતો.નોંધનીય છે કે આ વખતે સંકલ્પ ગોવિંદા મંડળમાં જય જવાન ગોવિંદા પથકે નવ થર રચ્યા હતા, જે ગયા વખતે પણ તેણે રચ્યા હતા અને આજ સુધીનો વિક્રમ છે. આ પછી દસ થર રચવા માટે પથકો મોડી રાત સુધી મથતા હતા.

અમેરિકન દૂતાવાસે પણ દહીહાંડી યોજ્યો
દહીંહાંડી ઉત્સવનું ભારતીયોમાં આકર્ષણ છે એટલું જ વિદેશી નાગરિકોમાં પણ આકર્ષણ જામી રહ્યું છે. અમેરિકા, ઈન્ગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિ‌ત યુરોપના અનેક પર્યટકોએ મુંબઈ અને થાણેમાં ગોવિંદા મંડળોની મુલાકાત લીધી હતી અને માનવી પિરામિડ કઈ રીતે રચવામાં આવે છે તે ઉત્સુકપૂર્વક જોયું હતું.
સ્પેનિશ ટીમ તો ગત થોડાં વર્ષથી અચૂક અહીં આવે છે. તેમણે થાણેમાં એક ઉપર એક એમ સાત થર રચ્યા હતા, જેની ઉપર એક નાનું બાળક (આઠમો થર) હતું, જે ઊભું થઈ શક્યું નહોતું. જોકે આ સ્પેનિશ ગોવિંદાઓ ઓછા લોકો સાથે આ પિરામિડ રચે છે એ વિશેષ છે. દરમિયાન અમેરિકન દૂતાવાસે આયોજિત કરેલા દહીંહંડી ઉત્સવમાં ૧૦૦થી વધુ વિદેશી મહેમાનોએ ભાગ લીધો હતો.એમ સૂત્રોએ જણાવ્યું હતું.