થાણામાં જમીન માફિયાઓને કોર્ટનો સણસણતો તમાચો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરોડો રૂપિયાની જમીનના વિકાસના હક ફકત અમુક લાખોમાં વેચાતા લેવાના અને તે જમીન પછી ત્રસ્ત પક્ષકારોને વેચીને મૂળ માલિકોની છેતરપિંડી કરવાની. લેન્ડ માફિયાઓ પાસેથી સરિયામ આ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનું મુંબઈ હાઈ કોર્ટના એક ચુકાદા પરથી સ્પષ્ટ થયું છે. આ સાથે મૂળ માલિકને તેમની જમીન પરત આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

આ સંબંધમાં જમીનના માલિક વિદ્યાધર મોકળ સહિત નવ જમીન માલિકોએ હાઈ કોર્ટમાં દાદ માગી હતી. જસ્ટિસ બી. આર. ગવઈએ આ સંબંધે હાલમાં જ ચુકાદો આપ્યો હતો. આ જમીન માલિકોને દિલાસો આપતાં તેમની છેતરપિંડી કરનારા સામે હાઈ કોર્ટે આકરા પ્રહાર કર્યા છે.

વિદ્યાધર મોકળ અને અન્ય નવ જણે તેમની થાણે જિલ્લાની સુમારે ૪૭ હજાર ચોરસફૂટ જમીનના વિકાસના અધિકાર બે જણને આપ્યા હતા. આ માટે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ આશરે રૂ. ૬.૭૫ કરોડના કરાર કરીને બાનાની રકમ તરીકે ફકત રૂ. ૨૫ લાખ આપવામાં આવ્યા હતા.બાકીની રકમ તબક્કાવાર ૩૦ ઓક્ટોબર, ૨૦૧૦ સુધીમાં આપવાનું નક્કી થયું હતું. જોકે રૂ. ૨૫ લાખ પછી એકેય રૂપિયો જમીન માલિકોને અપાયો નહોતો.

આને બદલે જમીન લેનાર બંનેએ જમીન પર કોઈ પણ માલિકી હક ન હોવા છતાં જમીનના ૫૦ ટકા હિસ્સાના વિકાસના અધિકાર અન્ય બે જણને વેચી મારીને બાનાની રકમ રૂ. ૧૫ લાખ લીધી હતી. આ વિશે કરેલા કરાર બાબતે મૂળ જમીન માલિકને અંધારામાં રખાયો હતો અને ત્યાર બાદ મૂળ જમીન માલિક સાથેના કરાર પણ રદ કરી નાખ્યા. મોકળ કુટુંબને આ વાત ધ્યાનમાં આવતાં દીવાની કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. આ દાવાની સુનાવણીમાં મૂળ માલિકની જમીન અન્યને વેચવા સામે સ્ટે અપાયો હતો.