મુંબઈ:હવે આપણે સત્તામાં છીએ એ ભૂલો નહીં : CM ફડણવીસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો:મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ)
- મંત્રીમંડળની બેઠકમાં CMએ ખડસેને ઝાટક્યા
- વીજબિલના મુદ્દે કૃષિમંત્રી ખડસે અને મહેસૂલ મંત્રી વચ્ચે ગરમાગરમી થઈ

મુંબઈ:ફડણવીસ સરકારના સૌથી વરિષ્ઠ નેતા એકનાથ ખડસેના વિધાનોથી ભાજપની પ્રતિમા મલિન થતી હોવાનું ધ્યાનમાં આવતા જ મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે ખડસેને મંત્રીમંડળની બેઠકમાં ઠમઠોર્યા હતા. હવે આપણે સત્તામાં છીએ એ ભૂલો નહીં. વિષય છોડી મંત્રીમંડળની બેઠકમાં દરેક વિષય પર વિરોધી પક્ષના નેતાઓની જેમ બોલો નહીં એમ મંત્રીઓની સામે જ સંભળાવ્યું હતું. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિમંત્રી એકનાથ ખડસે અને ઉદ્યોગમંત્રી પ્રકાશ મહેતાની વચ્ચે વીજળીના બિલ પરથી ચર્ચા ચાલુ હતી.
ધીમે ધીમે આ ચર્ચા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. અડધુ રાજ્ય દુકાળનો સામનો કરી રહ્યું છે. ખેડૂતોના વીજળીના બિલની વસૂલી કરતા ધમકાવો નહીં, ત્રાસ આપો નહીં. બળી ગયેલુ ટ્રાન્સફોર્મર તાત્કાલિક પણ કનેક્ટ કરવા જોઈએ એમ ખડસેએ મહાવિતરણના સચિવ જય મહેતાને આદેશ આપ્યો હતો. આવું કરી શકાશે નહીં, 70 ટકા વીજળી બિલ ભરનારા ઠેકાણે જ પહેલાં ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ કરી આપવાનો નિયમ છે એવો મત મહેતાએ વ્યક્ત કર્યો હતો. એના પર ખડસેએ મહેતા સાથે દલીલ કરી હતી. હું ખેડૂત છું. મહાવિતરણ ખેડૂતોને કેવો ત્રાસ આપે છે એ મને પહેલાંથી જ ખબર છે એમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્યોગમંત્રી પ્રકાશ મહેતાએ નગરવિકાસ ખાતાના સચિવો ઉદ્યોગધંધાને પરવાનગી આપતી વખતે કેવી હેરાનગતિ કરે છે એ વિશે સંભળાવ્યું હતું. સચિવોની આ ભૂમિકાના લીધે જ ઉદ્યોગો રાજ્યથી બહાર જઈ રહ્યા હોવાનું મહેતાએ જણાવ્યું હતું. તેમનો ઈશારો નગરવિકાસ સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ તરફ હતો. શ્રીવાસ્તવ તેમનું સ્પષ્ટીકરણ આપી રહ્યા હતા એ સમયે જ આવા સરકારી ખુલાસાઓ મને ન આપો એમ મહેતાએ સંભળાવ્યું હતું.
સંબંધિત સચિવો પાસે મુખ્યમંત્રી જવાબ માગશે એવી આશા આ બંને મંત્રીઓને હતી.
પણ ફડણવીસે ફક્ત ખડસેને ખખડાવ્યા હતા. હવે આપણે સત્તામાં છીએ છીએ. મંત્રીમંડળની બેઠકના એજન્ડા પર જે વિષયો છે એના પર જ બોલવું. વિષય છોડી બીજું અહીં બોલવું નહીં. બધા વિષયો પર વિરોઘી પક્ષોની જેમ બોલવું યોગ્ય નથી એવો ટોણો ફડણવીસે માર્યો હતો.