૧૦૦૦૦થી વધુ બાળકોને તેમના વાલીઓને સોંપ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માતા-પિતા વચ્ચે ઝઘડા, મા-બાપ તરફ રોષ, ભણતર અથવા પરીક્ષાના પરિણામનો ભય, ઘરના વડીલોએ ઠપકો આપ્યો હોય અથવા પોતાને હાથે કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા માનસિક અસ્થિરતા જેવા કારણોસર નાના બાળકો ઘરેથી નાસી જાય છે અને ટ્રેનોમાં અન્યત્ર ચાલ્યા જાય અથવા રેલવે સ્ટેશનોનો આધાર લેતા હોય છે. છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરમાં આવા કારણોસર ઘરેથી નાસી જઈને રેલવે સ્ટેશનો પર આશરો લેતા બાળકોની સંખ્યા માન્યામાં ન આવે એટલી ૧૦,૪પ૧ છે.

આ રીતે ઘરેથી નાસી ગયેલા કે અબુધતા-માનસિક અસમતુલાને લીધે ભુલા પડી ગયેલા બાળકોને શોધીને તેમના વાલીઓને સોંપવાનું કામ આખા દેશમાં ફેલાયેલી સંસ્થા સાથી (સોસાયટી ફોર આસિસ્ટન્સ ટૂ ચિલ્ડ્રન ઈન ડિફિકલ્ટ સિચ્યુએશન) કરે છે. આ સંસ્થાએ આપેલા આંકડા અનુસાર દેશના વિવિધ રેલવે સ્ટેશનો પરથી વર્ષ ૨૦૦૯-૧૦, વર્ષ ૨૦૧૦-૧૧ અને વર્ષ ૨૦૧૧-૧૨ના ગાળામાં ૧૦,૪પ૧ બાળકો મળી આવ્યા હતા. તેમાંથી ૧૦,૦૧૨ બાળકોને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા છે. જ્યારે ૪૩૯ બાળકોને તેમના માતા-પિતા કે વાલીઓને સુપરત કર્યા પછી ફરી કોઈને કોઈ કારણસર તેમણે ઘર છોડયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતમાં 'સાથી’ સંસ્થાના સચિવ પ્રમોદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ''સંસ્થાના કાર્યાકરો અને પોલીસની મદદથી અમે આવા બાળકોને શોધીને તેમના વાલીઓને સોંપીએ છીએ. વાલીઓને સોંપી દીધા બાદ ત્રણ મહિ‌ના પછી ફરી અમે એ બાળકો તેમના ઘરમાં છે કે નહીં અને એ બાળકોનો તેમના મા-બાપ સાથે કેવો સંબંધ છે, તેની માહિ‌તી પણ મેળવતા રહીએ છીએ. ઘરેથી નાસી જઈને રેલવે સ્ટેશનોનો આશરો લેતા છોકરાંઓમાં અઢાર વર્ષની ઉંમર સુધીના પાત્રોનો સમાવેશ છે.

'સાથી’ સંસ્થાએ આપેલા આંકડા મુજબ વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન આ રીતે ૩૭૩૧ બાળકો મળ્યા અને તેમાંથી ૩પ૬૩ બાળકોને તેમના મા-બાપ કે વાલીઓને સોંપી દેવાયા. વર્ષ ૨૦૧૦-૧૧માં આવા ૩૭પ૭ બાળકો મળ્યા અને તેમાંથી ૩૬૮૩ બાળકો તેમના વાલીઓને સોંપાયા. વર્ષ ૨૦૧૧-૧૨માં આવા ૨૯૬૩ બાળકો મળ્યા અને તેમાંથી ૨૭૬૬ બાળકો તેમનાં મા-બાપને સોંપવામાં આવ્યાં.

આ બાબતમાં દિલ્હી અગ્રેસર હોવાનું જણાવતાં પ્રમોદ કુલકર્ણીએ ઉમેર્યું હતું કે ''સરેરાશ ગણતાં રોજ નવી દિલ્હી સ્ટેશન પર ૩૭, જૂની દિલ્હી સ્ટેશન પર ૪૦, મુંબઈ સીએસટી પર ૧૨, કલ્યાણ સ્ટેશન પર ૭, મનમાડ પર ૮, પટણા પર પાંચ, ગયા સ્ટેશને ૨પ, મુગલસરાય પર ૪, કાનપુર ખાતે ૮, આગ્રા પર ૪, લખનૌ ખાતે ૧૬, ઝાંસી સ્ટેશને ૩, ગોરખપુર પર બાવીસ, અલાહાબાદ પર ૧૬, સિલ્દાહ ખાતે ૧૨, પુરી સ્ટેશને ૬, કટકમાં ૯, ભુવનેશ્વર સ્ટેશને ૯, વિશાખા પટ્ટણમ સ્ટેશને ૨૮, હૈદરાબાદ સ્ટેશને ૨૧, સિકંદરાબાદ ખાતે ૮, વારંગલ સ્ટેશને ૪, તિરુપતિ ખાતે ૨૦ અને બેંગલોર સ્ટેશન પર ૧૮ બાળકો મળતા હોય છે.’’