ઉદ્યોગો માટે તમામ મંજૂરી એક મહિનામાં મળશે : CM

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર ફાઇલ)
- ઉદ્યોગો માટે તમામ મંજૂરી એક મહિનામાં મળશે : CM
- મેક ઈન મહારાષ્ટ્ર અભિયાન સફળ બનાવવા પહેલ
- સુધારાઓ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરાઈ
મુંબઈ : મેક ઈન મહારાષ્ટ્ર અભિયાન સફળ કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બેઠક આયોજિત કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં ઉત્પાદન ક્ષેત્રની હાલની સ્થિતિ, નડી રહેલી સમસ્યાઓ અને એના પર ઉપાયો બાબતે સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી. ઉત્પાદન ક્ષેત્ર માટે મહારાષ્ટ્ર પ્રાધાન્યવાળું રોકાણ ક્ષેત્ર બને એ માટે અત્યંત મહત્ત્વના નિર્ણયો આ બેઠકમાં લેવામાં આવ્યા હતા. ઉદ્યોગમંત્રી પ્રકાશ મહેતા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા.
ઉત્પાદન અને સેવા ક્ષેત્રે દેશી અને વિદેશી રોકાણકારો મહારાષ્ટ્ર પર નજર રાખે છે. ઉદ્યોગો માટે માન્યતા આપવાની પ્રક્રિયા વધુ અસરકારક અને પારદર્શક થાય એના પર મુખ્યમંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. ઉપરાંત એ માટે ઈ-પ્લેટફોર્મ તૈયાર કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો.ઉદ્યોગો ઊભા કરવા માટે જરૂરી તમામ લાયસંસ એક મહિનાની અંદર આપવા માટે વરિષ્ઠ અધિકારીઓનું શક્તિપ્રદાન જૂથ નિમવાનો નિર્ણય ફડણવીસે લીધો હતો.
આ સમિતિમાં નાણા, કામદાર, ઉદ્યોગ, મહેસૂલ, નગરવિકાસ, પર્યાવરણ અને ઊર્જા વિભાગના સચિવો અને મુખ્યમંત્રીના પ્રધાન સચવિનો સમાવેશ હશે. 100 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરનાર માટે મૈત્રીના માધ્યમ થકી બધી પરવાનગીઓ એક જ ઠેકાણે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રદૂષણ ન ફેલાવતા ઉદ્યોગો પર લાદવામાં આવેલા બિનજરૂરી નિયમો દૂર કરવા માટે નદી નિયમન ક્ષેત્ર ધોરણ બાબતે ફેરવિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઈ-પ્લેટફોર્મના માધ્યમથી ઉદ્યોગો માટે લાયસંસ સુલભ, પારદર્શક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવાના સુધારાઓની પ્રગતિનો કયાસ કાઢવા મુખ્યમંત્રીના નેતૃત્ત્વ હેઠળ સમિતિ નિમવામાં આવશે જે દર મહિને બેઠક યોજશે. રાજ્ય સરકાર વતી માર્ચ 2015 સુધી કૃષી અને અન્ન પ્રક્રિયા, રાજ્ય ખરીદી, રાજ્ય ઉત્પાદન, વિશેષ આર્થિક ક્ષેત્ર અને એક્સપોર્ટ ઈંડસ્ટ્રી, લેટેસ્ટ ટેકનોલોજી, રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ, રાજ્ય છૂટક વેપાર ઉપરાંત મુંબઈ મહાનગર ક્ષેત્રના હાલની લોકેશન પોલિસી રદ કરવા જેવા વિવિધ ધોરણો અમલમાં મૂકવામાં આવશે.


મેક ઈન મહારાષ્ટ્ર સફળ કરવા માટે ઉદ્યોગ શરૂ કરવા જરૂરી વિવિધ પરવાનગીઓની સંખ્યા અને એ મેળવવા લાગતો સમય ઓછો કરી મહારાષ્ટ્રને ઉદ્યોગપ્રેમી બનાવવા માટે ઉપરોક્ત તમામ નિર્ણયોની તરત અમલબજાવણી કરવી એવો આદેશ મુખ્યમંત્રીએ ઉદ્યોગ અને તમામ સંબંધિત અધિકારીઓને આપ્યો હતો.