અબુ જિંદાલને શુક્રવાર પછી આર્થર રોડ જેલમાં રખાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર પર આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી અબુ જિંદાલ ઉર્ફે ઝબીઉદ્દીન અન્સારીને પોલીસની ત્રાસવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના અમલદારોએ તિહાર જેલમાંથી મુંબઈ લાવીને અહીંની વિશેષ અદાલતમાં કડક બંદોબસ્ત વચ્ચે હાજર કર્યો હતો. અદાલતે જિંદાલને શુક્રવાર, ૮ ફેબ્રુઆરી સુધી જયુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ અદાલતે કર્યા બાદ પોલીસે તેને આર્થર રોડ જેલમાં મોકલ્યો હતો.

લશ્કર એ તોઈબાના ત્રાસવાદી અને મુંબઈ પર ૨૬/૧૧ના હુમલાખોર દસ ત્રાસવાદીઓને હિન્દી બોલતાં શીખવવાનો આરોપ મુકાયેલો જિંદાલ અદાલતમાં શાંતિથી ઊભો હતો. ઔરંગાબાદ શસ્ત્ર ખટલા અંગે એટીએસના અધિકારીઓએ બુધવારે જિંદાલને તાબામાં લીધો હતો.

જિંદાલના વકીલ એડવોકેટ એજાઝનકવીએ અદાલતમાં તેના તરફથી દલીલો કરવા માટે સમય માગ્યો હતો. જિંદાલે પણ વકીલ સાથે વાતચીત કરવાની પરવાનગી અદાલત પાસે માગી હતી. વિશેષ ન્યાયમૂર્તિ એસ. એન. મોડોએ વિનંતી સ્વીકારીને તેને શુક્રવાર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.

જિંદાલે અગાઉ પોતાને આર્થર રોડ જેલમાં છોટા રાજન અને દાઉદ ટોળીના ગુંડાઓને કારણે પોતાને જીવનું જોખમ હોવાનું અદાલતને જણાવ્યું હોવા છતાં બુધવારે કોર્ટની કાર્યવાહી બાદ તેને આર્થર રોડ જેલમાં મોકલાયો હતો.
અગાઉ ૨૬/૧૧ના મુખ્ય આરોપી અજમલ કસાબ માટે આર્થર રોડ જેલમાં ‘અંડા સેલ’ સહિત ખાસ વ્યવસ્થાઓ હતી. પરંતુ જિંદાલ માટેની જોગવાઈઓ વિશે ખાસ જાહેરાતો કરાઈ નથી.