- વિજયપતને લાગે છે કે ગૌતમ આશા પૂરી કરવામાં નિષ્ફળ ગયા
- વિજયપતે 2015માં કંપનીનું સુકાન પુત્ર ગૌતમને સોંપ્યું હતું
વિનોદ યાદવ, મુંબઈઃ આ કથા કમ્પ્લિટ મેનથી ઇનકમ્પ્લિટ મેન થવાની છે. ‘ધ કમ્પ્લિટ મેન’ ટેગ લાઈનથી જાણીતી ટેક્સટાઈલ કંપની રેમન્ડની ધૂરા લાલા કૈલાસપત સિંઘાનિયાએ 1980માં પુત્ર વિજયપતને સોંપી હતી. હાર્વર્ડમાં ભણેલા વિજયપતે પિતાની આશા પૂરી કરી. કંપનીએ ખૂબ પ્રગતિ કરી. 35 વર્ષ પછી આ વારસો પુત્રને સોંપવાની પરંપરા નિભાવતા વિજયપતે 2015માં કંપનીનું સુકાન પુત્ર ગૌતમને સોંપ્યું પરંતુ વિજયપતને લાગે છે કે ગૌતમ આશા પૂરી કરવામાં નિષ્ફળ ગયા. ત્રણ વર્ષમાં તેઓ એટલા મજબૂર થઈ ગયા કે પોતાની આત્મકથાનું નામ-‘ધ ઇનકમ્પ્લિટ મેન’ રાખવું પડ્યું. ગૌતમને લાગ્યું કે તેમાં તેની વિરુદ્ધ લખાવાશે આથી તેમણે મુંબઈ હાઈકોર્ટમાં જઈ સ્ટે માગ્યો પણ સ્ટે મળ્યો નહીં.
5000 કરોડની કંપની આપવા છતાં ઇજ્જત નથી કરતો: વિજયપત
1.81 વર્ષીય વિજયપત રુંધાયેલા સ્વરે કહે છે કે તેમણે 5000 કરોડની કંપની પુત્રને સોંપી દીધી. તેણે મારી ઇજ્જત તો કરવી જોઈએ પણ તે તદ્દન વિપરીત છે. એક પૈસો મેં માગ્યો નથી કે તેણે આપ્યો નથી. હું મહેરબાની નહીં કાનૂની અધિકાર માગી રહ્યો છું. મેં કોર્ટમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક સારસંભાળ તથા કલ્યાણ અધિનિયમ 2007 હેઠળ પુત્રને આપેલી સંપત્તિ પરત મેળવવા કોર્ટમાં અરજી કરી છે. સુનાવણી હજુ ચાલે છે.
2.ગૌતમે જે બોલવું હોય તે બોલે. હું સંપત્તિ પુત્રીને આપું, ફેંકી દઉં કે ચેરિટી કરું. એવું પણ બને કે મારી બધી સંપત્તિ મોટા પુત્રને આપું. એવું પણ બને કે કોઈ મંદિરમાં દાન કરી દઉં. ગૌતમને કોઈ મતલબ હોવો જોઈએ નહીં. તેને આ સાથે કોઈ લેવાદેવા નથી. આથી તે મારી પુત્રી માટે કશું પણ બોલી રહ્યો છે.
પિતાના આરોપ તુચ્છ, હાસ્યાસ્પદ અને બેજવાબદાર: ગૌતમ
3.ગૌતમ કહે છે કે પિતા સાથેનો વિવાદ ઉકેલવા ઘણા પ્રયાસ કર્યા. આજે પણ ઇચ્છુ છું કે ઉકેલ આવે પણ હકારાત્મક જવાબ મળતો નથી. પિતા તરફથી મારા પર તુચ્છ, હાસ્યાસ્પદ અને બેજવાબદારભર્યા આક્ષેપ કરાયા છે. હું આથી ઘણો દુ:ખી છું. પિતાએ જે.કે. હાઉસમાં ડુપ્લેક્સ ફ્લેટની માંગ કરી હતી. મેં તેનો સ્વીકાર કર્યો હતો પણ કંપનીના શેરહોલ્ડરોએ તે માંગ ફગાવી હતી. હું રેમન્ડનો સીએમડી છું. શેરહોલ્ડર પ્રતિ મારી જવાબદારી છે.
4.મારા પિતા આ વિવાદનો સૌજન્યતાપૂર્વક ઉકેલ લાવવા માગે છે પણ મારી બહેન અને કેટલાક લોકો તેનો ઉકેલ લાવવા દેતા નથી. ભગવાન બાલાજી પર મને અતૂટ આસ્થા છે. તેના અંગે પણ ટીકા કરાય છે. હકીકતમાં વિજયપતે કહ્યું હતું કે ગૌતમ જો કોર્ટમાં ભગવાન તિરુપતિના ફોટા પર હાથ મૂકીને કહે કે તેઓ જે કરી રહ્યા છે તે બધું ખોટું છે તો તેઓ કેસ પાછો ખેંચી લેશે.