તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીરવ અને મેહુલના ગેરકાયદેસર બંગલા તોડી પડાશે, રાયગઢના કલેક્ટરને આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે PNBના 13700 કરોડ રૂપિયાની છેતરપિંડીના કૌભાંડી-આરોપી હીરાના વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીના રાયગઢના ગેરકાયદેસર આલિશાન બંગલા તોડી પાડવાનો આદેશ આપ્યો છે. પર્યાવરણ મંત્રી રામદાસ કદમે મંગળવારે ત્યાંના કલેક્ટરને આદેશ આપ્યો હતો. રાયગઢ જિલ્લાના અલીબાગમાં 121 અને મુરુડમાં વાસ્તવમાં 151 બંગલાઓ અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા છે. આમાં નીરવ મોદી, મેહુલ ચોકસી તેમ જ અન્ય ઉદ્યોગપતિઓના બંગલાઓનો સમાવેશ થાય છે. આ બંગલાઓ અંગે મંગળવારે મંત્રાલયમાં યોજાયેલી બેઠકમાં નીરવ મોદીનો બંગલો તોડી પાડવાનો આદેશ કદમે આપ્યો હતો.

 

પોલીસ એક મહિનામાં દસ્તાવેજોની વિશ્વસનીયતા તપાસશે

 

નીરવનો બંગલો કિહિમ ગામમાં છે, જ્યારે ચોકસીનો બંગલો આવાસ ગામમાં છે. મોદીના બંગલાનું બાંધકામ સીઆરઝેડનાં ધોરણોનું ઉલ્લંઘન કરીને કરાયું હોવાથી હાલતુરત તેને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય અનધિકૃત બંગલાઓ વિશે પુછાયું ત્યારે કદમે જણાવ્યું હતું કે જિલ્લા કોર્ટો અથવા હાઈ કોર્ટ દ્વારા તેની સામે સ્ટે અપાયો હોવાથી તે તોડી શકાય એમ નથી. હવે અન્ય કેસ અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે મોકલી દીધા છે. પોલીસ એક મહિનામાં દસ્તાવેજોની વિશ્વસનીયતા તપાસશે. એનજીટી દ્વારા આગામી 2-3 મહિનામાં બધા કેસની છાનબીન પૂરી કરાશે. સ્થાનિક દ્વારા બંધાયેલા અનધિકૃત બંગલાઓ સામે પણ પગલાં લેવાશે. અલીબાગમાં 121 અનધિકૃત બંગલામાં 60 સ્થાનિકોએ અનધિકૃત રીતે બાંધ્યા છે, જ્યારે મુરુડમાં 50 બંગલા સ્થાનિકોએ બાંધ્યા છે.

 

બંગલો હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટાંચ મારવામાં આવ્યો છે


ગયા સપ્તાહમાં મુંબઈ હાઈ કોર્ટે રાયગઢ જિલ્લાધિકારીને અતિક્રમણોનું તોડકામ કરવા માટે પગલાં નહીં લીધાં તે બદલ ઠપકો આપ્યો હતો. રાયગઢના જિલ્લાધિકારી વિજય સૂર્યવંશીએ હવે મોદીનો અનધિકૃત બંગલો તોડી પાડવાનો આદેશ કદમે આપ્યો હોવાની વાતને સમર્થન આપ્યું છે. આ બંગલો હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટાંચ મારવામાં આવ્યો છે. આથી તેનું તોડકામ કરવાનું હોવાથી આ ટાંચ હટાવવા માટે અમે ઈડીને પત્ર લખ્યો છે. પત્રનો ઉત્તર મળતાં જ તોડકામ કરાશે, એમ સૂર્ય‌વંશીએ જણાવ્યું હતું.