દર ત્રણ વર્ષે 80 હજાર કરોડ રૂપિયાની જરૂર: નીતિન ગડકરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: આપણા દેશમાં જે ઝડપથી ખાનગી વાહનોની સંખ્યા વધી રહી છે તેનું પ્રમાણ જોતા નેશનલ હાઈવેનું વિસ્તરણ કરવા દર ત્રણ વર્ષે 80 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. એના લીધે સાર્વજનિક પરિવહન વ્યવસ્થા મજબૂત કરવી, સક્ષમ કરવી અને એનો વ્યાપ વધારવો એ સમયની જરૂરિયાત છે એવું પ્રતિપાદન કેન્દ્રિય રસ્તા પરિવહન અને જહાજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. 


ખાનગી વાહનોની વધતી સંખ્યાથી રસ્તા પર સખત તાણ પડે છે. વધુ ભાર પડતો હોવાથી રસ્તાઓનું રિપેરીંગ, એના વિસ્તરણ જેવા કામ માટે મોટા પ્રમાણમાં રૂપિયાની જરૂરિયાત વર્તાય છે. આ સમસ્યા ઉકેલવા સાર્વજનિક પરિવહન વ્યવસ્થા મજબૂત કરવી અગ્રક્રમે છે. અે દષ્ટિએ ઈ-બાઈક, ઈ-ટેક્સી સેવાના પ્રાધાન્ય આપવું જોઈએ. એના લીધે પ્રદૂષણમાં ઘટાડો પણ થશે એમ ગડકરીએ જણાવ્યું હતું.

 

પેટ્રોલ અને ડિઝલ જેવા ઈંધણના બદલે ઈથેનોલ તેમ જ વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ વાહનોમાં કરી શકાશે અને આ વિકલ્પ વ્યવહારુ બની શકે છે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ઈલેકટ્રોનિક વાહનો માટે નવેસરથી ધોરણ તૈયાર કરવાની જરૂર નથી. એના માટે સરકારે પહેલાં જ રેટિંગ નક્કી કર્યા છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. 

 

નદીઓની સ્વચ્છતા માટે 10 લાખ કરોડ


ભારતની મુખ્ય નદીઓ સ્વચ્છ કરવા માટે 10 લાખ કરોડ રૂપિયાની જરૂર છે. એમાંથી 4 લાખ કરોડ રૂપિયા વર્લ્ડ બેંક અથવા અન્ય નાણાં સંસ્થા તરફથી ઊભા કરી શકાશે. જો કે આ કામ એકલા કેન્દ્ર સરકાર કરી શકશે નહીં. એના માટે રાજ્ય સરકારો, મહાપાલિકાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમ જ નાગરિકોનો સહભાગ અપેક્ષિત છે એમ ગડકરીએ જણાવ્યું હતું.