મુંબઈ: ફૈઝલને હુમલાના ટાર્ગેટ અપાયા હતા: ATS

ફૈઝલને હુમલાના ટાર્ગેટ અપાયા હતા: ATS | Faisal had been the target of attacks: ATS
Bhaskar News

Bhaskar News

May 15, 2018, 03:06 AM IST

મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ)ની જુહુ શાખા દ્વારા 11 મેના જોગેશ્વરીના ઘરમાંથી પકડી પાડવામાં આવેલા ફૈઝલ હારૂણ મિરઝા (32)ને પાકિસ્તાની આતંકવાદી સંગઠન દ્વારા મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હુમલાઓ કરવાનંુ ટાર્ગેટ આપવામાં આવ્યું હતું, એવી માહિતી બહાર આવી છે.ફૈઝલ મૂળ ગુજરાતના અને હાલમાં શારજાહમાં છુપાઈ બેઠેલા ફારુખ દેવડીવાલાએ દુબઈમાં બોલાવ્યો હતો. ફારુખ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમનો વિશ્વાસુ છે. ફારુખ ગુજરાતમાં હતો ત્યારે દાઉદના ઈશારે ગુનાહિત કામો કરતો હતો, જે પછી જોખમ વધતાં તે દુબઈમાં ભાગી ગયો હતો. ફૈઝલને દુબઈમાં બોલાવ્યા પછી કેનિયાની ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યો હતો. આ ફ્લાઈટ વાયા પાકિસ્તાન નાઈરોબી જવાની હતી.


યોજના મુજબ ફૈઝલ ફ્લાઈટ પાકિસ્તાનમાં આવતાં ત્યાંથી આઈએસઆઈના અમુક એજન્ટોની મદદથી કરાચીમાં ચાલ્યો ગયો હતો, જેથી તે નાઈરોબી ગયો છે એવું લાગે. આ પછી ત્યાંથી કરાચી ગયો હતો, જ્યાં તે 2 સપ્તાહ સુધી રહ્યો હતો. બે જણે તેને હથિયારો, વિસ્ફોટકો હાથ ધરવાની તાલીમ આપી હતી. આ પછી એક મૌલાનાએ જિહાદના પાઠ ભણાવ્યા હતા. આમ તાલીમ પૂરી થતાં તેને ફરી દુબઈમાં મોકલી દેવાયો, એમ એટીએસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.


અહીંથી તેણે ભારતની ફ્લાઈટ પકડીને મુંબઈમાં જોગેશ્વરી ખાતે પોતાના ઘરે આવ્યો હતો. તેની 11 મેએ તેના ઘરમાંથી જ ધરપકડ કરાઈ ત્યારે તેણે પાકિસ્તાન ગયો જ નહોતો એવું રટણ ચાલુ રાખ્યું હતું, પરંતુ પાસપોર્ટ આપવા માટે કહેતાં તે એરપોર્ટ પરથી ટેક્સીમાં ઘરે આવવા દરમિયાન ખોવાઈ ગયો હોવાનું બહાનું તેણે કાઢ્યું હતું. આ પછી ઊલટતપાસ લેતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી.


તેને મુંબઈમાં આવીને નવા આદેશની વાટ જોવા માટે કહેવામાં આવ્યું હતું. તેને મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશને ટાર્ગેટ કરવાના છે એવું કહેવામાં આવ્યું હતું. મુંબઈમાં શસ્ત્રો કોણ આપવાનું હતું તેનાં નામો તેણે આપ્યાં છે, જેની તપાસ ચાલી રહી છે. ફૈઝલ માંડ છઠ્ઠું ધોરણ ભણ્યો છે. તે ઈલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. ફારુખ સાથે સંપર્ક થતાં પૈસાની લાલચે તે આતંકવાદ આચરવા માટે તૈયાર થયો હતો.

ફૈઝલના ઘરવાળા પણ અજાણ
11 મેએ પોલીસે ફૈઝલ સાથે તેની પત્ની, તેના મોટા ભાઈ અને તેની પત્ની તથા માતા- પિતાને પણ કબજામાં લીધા હતા. ફૈઝલના મોટા ભાઈનું કહેવું છે કે મારો ભાઈ ઈલેક્ટ્રિશિયનનું કામ કરીને રોજ રૂ. 500થી 600 કમાવી લેતો હતો, પરંતુ કોઈકે તેને વધુ પૈસાની લાલચ આપતાં દુબઈ જવા માટે તૈયાર થયો હતો. દુબઈમાં ગયા પછી કેવી હાલત થઈ શકે છે એ મેં તેને બહુ સમજાવ્યું, પરંતુ તે માન્યો નહોતો. આખરે ટિકિટની વ્યવસ્થા પણ તેણે જ કરી, જે કઈ રીતે કરી તેની અમને ખબર નથી.

X
ફૈઝલને હુમલાના ટાર્ગેટ અપાયા હતા: ATS | Faisal had been the target of attacks: ATS
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી