• Gujarati News
  • 3 Storey Building Collapse In Thane, Fire Brigade Rush To Spot

મુંબઇઃ થાણેમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- થાણે : બિલ્ડિંગ ધરાશાયી 9નાં મૃત્યુ : 15ને બચાવ્યા
- 40 વર્ષ જૂની ઇમારત વરસાદથી તૂટી પડી

થાણે: ડોંબિવલી નજીકના ઠાકુર્લી પરિસરમાં ચોળેગાવ ખાતેની 40 વર્ષ જૂની માતૃકૃપા નામની ત્રણ માળની ઈમારત મંગળવારે મોડી રાત્રે 10.20 ધરાશાયી થઈ હતી. આ ઈમારતના કાટમાળમાંથી 15 જણને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ દુર્ઘટનામાં 9 જણનાં મૃત્યુ થયાં હતાં. ઉપરાંત અનેક કાટમાળમાં ફસાયા હોવાની આશંકાને લઈ તેમને બહાર કાઢવાના પ્રયાસ જારી હતા. તેથી મૃતકોની સંખ્યામાં વધારો થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ ઈમારતમાં 18 રૂમ હતી, જેમાં 20 કુટુંબ રહેતાં હતાં. આ ઈમારતને જોખમી જાહેર કરવામાં આવી હતી. મંગળવારે બપોરે ઈમારતનો દાદરાનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો.

એ સમયે રહેવાસીઓને અન્યત્ર સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે તેમણે દુર્લક્ષ કર્યું હતું. રાત્રે 11 વાગ્યે મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. અચાનક મોટો અવાજ થયો હતો. આ ઈમારતનો દાદરો જ તૂટી જવાનો તે અવાજ હતો. દાદરાનો ભાગ તૂટી જવાથી રહેવાસીઓ અટવાઈ ગયા હતા. તેમનું બહાર નીકળવું અશક્ય બન્યું હતું. થોડા સમય પછી આખી ઈમારત ધરાશાયી થઈ હતી એમ ઈમારતમાં રહેતા એક જણે જણાવ્યું હતું.

વળી, મકાન ધરાશાયી થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક ભેગા થયા હતા. તેમનો એટલો બધો શોરબકોર હતો કે કાટમાળ હેઠળ દટાયેલા કોઈને અવાજ સુધ્ધાં આવતો નહોતો. અત્રે નોંધનીય છે કે બે દિવસ પૂર્વે પણ આ ઈમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. તે સમયે જ ઈમારત જોખમી હોવાનું જણાયું હતું અને રહેવાસીઓને ખાલી કરવા માટે જણાવાયું હતું. જોકે રહેવાસીઓ માન્યા નહોતા. આ પછી મંગળવારે બપોરે થોડો ભાગ પડ્યો હતો અને રાત્રે મકાન ધરાશાયી થઈ ગયું હતું.

બચાવમાં મુશ્કેલી

આ પરિસરના રસ્તાઓ સાંકડા છે. તેથી ઘટનાસ્થળે પહોંચવા ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એમાં વળી મુશળધાર વરસાદ પડતો હોવાથી બચાવકાર્યમાં ખૂબ મુશ્કેલી નિર્માણ થઈ હતી. આમ છતાં પોલીસ અને સ્થાનિકોની મદદથી અગ્નિશમન દળે રાહત કામગીરી ચાલુ રાખી હતી. નોંધનીય છે કે આ વર્ષે વરસાદમાં ઈમારત તૂટી પડીને સૌથી વધુ સંખ્યામાં રહેવાસીઓનાં મૃત્યુ થયાં છે. આને કારણે અન્ય જોખમી મકાનના રહેવાસીઓ પણ ચિંતામાં આવી ગયા છે.