• Gujarati News
  • 18 Corporater Loss In Maharastra Vidhansabha Election

મુંબઈના 18 કોર્પોરેટરોનું સપનું રગદોળાયું, ગઠબંધન તુટતાં અનેકે ઝંપલાવ્યું હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગઠબંધન તુટતાં અનેક વર્તમાન અને ભુતપૂર્વ નગરસેવકોએ ચૂંટણીમાં ઝંપલાવી નસીબ અજમાવ્યું હતું
મુંબઈ : મુંબઈના 18 આજીમાજી નગરસેવકોનું વિધાનસભામાં જવાનું સપનું રગદોળાયું છે. આઘાડી અને મહાયુતિ સ્વતંત્ર વડી રહ્યા હોવાથી બધા રાજકીય પક્ષોએ નગરસેવકોને મોટા પ્રમાણમાં તક આપી હતી. આ તકને સફળતામાં બદલી નાખવા બધાએ જોરદાર પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમાંથી જૂજ સફળ થયા હતા. કેટલાક વિધાનસભા મતદાર સંઘોમાં હાલના વિધાનસભ્યોએ નગરસેવકો માટે પડકાર ઊભો કર્યો હતો તો ક્યાંક ભૂતપૂર્વ નગરસેવકોને લીધે કેટલાક મતદાર સંઘોમાં રસાકસી નિર્માણ થઈ હતી.

મુંબઈમાં આ વખતે પ્રથમ વાર પાંચ મુખ્ય રાજકીય પક્ષોમાં આર યા પારની લડાઈ થઈ હતી. યુતિ, આઘાડી તૂટી જવાથી ખરે ટાંકણે હાલના અને ભૂતપૂર્વ નગરસેવકોને તક મળી હતી. આ વખતે કેટલાક મતદાર સંઘોમાં વિધાનસભ્યને બે- ત્રણ નગરસેવકોએ પડકાર આપ્યો હતો.દિંડોશી મતદાર સંઘમાં ભૂતપૂર્વ મેયર સુનીલ પ્રભુ શિવસેનાની ટિકિટ પરથી લડ્યા હતા અને ચૂંટાઈ આવ્યા છે. ભાંડુપમાં મનસેના વર્તમાન ઉમેદવાર શિશિર શિંદેને શિવસેનાના હાલના નગરસેવક અશોક પાટીલે પછડાટ આપી છે, આ બેઠક પર ભાજપના મનોજ કોટક, કોંગ્રેસના સુરેશ કોપરકર પણ મેદાનમાં હતા.

ઘાટકોપર પૂર્વ મતદાર સંઘમાં ભાજપના હાલના નગરસેવક પ્રકાશ મહેતાના વિરોધમાં કોંગ્રેસના નગરસેવક પ્રવીણ છેડા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની નગરસેવિકા રાખી જાધવનો પડકાર હતો. ઘાટકોપર પશ્ચિમ મતદાર સંઘમાં ભાજપના હાલના વિધાનસભ્ય રામ કદમ, મનસેના નગરસેવક દિલીપ લાંડે, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નગરસેવક હારણ ખાન અને ભૂતપૂર્વ નગરસેવક શિવસેનાના સુધીર મોરે વચ્ચે સ્પર્ધા જામી હતી. જોકે રામ કદમે તેમનું સપનું રગદોળી નાખ્યું છે.

શિવસેના માટે દહિસર મતદાર સંઘ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો હતો. હાલના વિધાનસભ્ય વિનોદ ઘોસાળકર, કોંગ્રેસનાં નગરસેવિકા શીતલ મ્હાત્રે, ભાજપનાં નગરસેવિકા મનીષા ચૌધરી અને મનસેના ઉમેદવાર અને નગરસેવિકા ડોકટર શુભા રાઉળ આમનેસામને હતાં, જેમાં મનીષા ચૌધરીએ બાજી મારી છે, જ્યારે અન્ય હારી ગયા છે. જોગેશ્વરી પૂર્વમાં શિવસેનાના વિધાનસભ્ય રવીંદ્ર વાયકરને ભાજપનાં નગરસેવિકા ઉજ્જવલા મોડક અને મનસેના નગરસેવક ભાલચંદ્ર આંબુરેએ પડકાર આપ્યો હતો. જોકે વાયકરે તેમનું સપનું સાકાર થવા દીધું નથી.મલાડ મતદારસંઘમાં હાલના કોંગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખ, અપક્ષ નગરસેવક સિરીલ ડિસોઝા અને ભાજપ નગરસેવક તિમલ સેલ્વન, અપક્ષ નગરસેવક મનોજ સંસારે અને ભૂતપૂર્વ નગરસેવક મંગેશ સાતમકર વચ્ચે રસાકસી જામી હતી, જેમાં અસલમ શેખે બેઠક જાળવી રાખી છે.