યે જો હૈ કમ સે કમ, યે કહેં કી જાને દેં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુ આર ફુલ્લ ઓફ યોરસેલ્ફ. સબ કુછ તુમ્હારે બારે મેં હૈ. તુમ્હારા ખાના, તુમ્હારા ડ્રાઇવર, તુમ્હારી એક્સ, તુમ્હારા ગાના, તુમ્હારે શૌક! તુમ્હારે પાસ વક્ત કહાં હૈ કિસી ઔર કે લિયે?’ જયા શશીધરન કહે છે. એ યોગી નામના માણસને ડેટિંગની વેબસાઇટ પર મળી છે. બંને એકબીજાની નજીક આવે છે અને એકબીજાના ભૂતકાળને ખોદવાની રમતમાં એકબીજાને હર્ટ કરી બેસે છે. જયાને લાગે છે કે, યોગી પોતાના સિવાય કોઈના વિશે વિચારી શકતો જ નથી.   પોતાના ગમા-અણગમા અને ભૂતકાળ વિશે ખૂલીને વાત કરતો યોગી જયા કરતાં સાવ જુદો છે. એ પૈસા વાપરતા અચકાતો નથી, અપેક્ષાઓ રાખતો નથી. મહોરાં પહેરતો નથી અને છતાં કાળજી કરે છે. સામે જયા છે, યુવાન ઉંમરે પતિ ગુમાવી બેઠેલી. એના જીવનનો એકમાત્ર પુરુષ એનો નાનો ભાઈ છે! જયા પોતાના એક્સ બોયફ્રેન્ડને મળવા જવાની છે ત્યારે ઉશ્કેરાટમાં અને ગુસ્સામાં કહે છે, ‘તારી પાસે કોઈ બીજા માટે વિચારવાની જગ્યા જ નથી. તું સ્વકેન્દ્રી છે.’ ને ત્યારે અત્યંત શાંત ચિત્તે યોગી એને પૂછે છે,   ‘તુમ્હારે પાસ હૈ વક્ત? કિસી કે લિયે?’ મૃત્યુ પામેલા પતિનો ફોટો અને એનું નામ પાસવર્ડ તરીકે વાપરતી, જયા વેબસાઇટ ડેટિંગમાંથી યોગીને મળે છે, પરંતુ એની સાથે જોડાઈ શકતી નથી. એ પોતાના ભૂતકાળમાંથી નીકળી જ શકતી નથી. યોગી મુક્ત છે, ફ્રી સ્પિરિટ! એ પોતાના ભૂતકાળ વિશે ઇમોશનલ થયા વગર વાત કરી શકે છે. એની ભૂતકાળની પ્રેમિકાને સાવ સહજતાથી મળી શકે છે. જ્યારે જયા મૃત પતિમાંથી મુક્ત થઈ શકતી નથી અને પોતાના ભૂતકાળના બોયફ્રેન્ડની વાત એટલા માટે કરે છે, કારણ કે એ યોગીને કાઉન્ટર કરવા માગે છે. આ કથા છે હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ની! તનુજા ચંદ્રાનું સ્ક્રીનપ્લે અને દિગ્દર્શન આ કથાને રસાળ બનાવે છે. તનુજા ચંદ્રા થોડી જુદા તરાહની, છતાં કમર્શિયલ ફિલ્મો લખવા માટે અને દિગ્દર્શક તરીકે જાણીતાં છે. અક્ષયકુમાર-પ્રીટિ ઝિન્ટાની ‘સંઘર્ષ’, કાજોલની ‘દુશ્મન’ અને શાહરુખ-કરિશ્મા-માધુરીની ‘દિલ તો પાગલ હૈ’ તનુજા ચંદ્રાએ આપેલા વિષયો છે! ફરી એકવાર એમના પોતાના દિગ્દર્શન અને લેખનમાં રજૂ થયેલી ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ બે એવી વ્યક્તિઓની વાત છે જે જિંદગીના એવા પડાવ પર ‘સિંગલ’ અથવા ‘એકલી’ છે. જેને પ્રેમ થવાની સંભાવના પૂરી થઈ ગઈ છે અને છતાં કમ્પેનિયનશિપની ઝંખના હજી જીવે છે! આજના સમાજમાં એવા ઘણા લોકોને આપણે ઓળખીએ છીએ. જેમણે ડિવોર્સ લીધા છે, લગ્ન નથી કર્યાં અથવા કોઈ કારણસર એ હવે ‘સિંગલ’ છે. ટ્રેડિશનલી જીવનસાથી શોધવાનો એમનો સમય કદાચ વીતી ગયો છે, છતાં મન, શરીર, બુદ્ધિ અને સંવેદના કોઈ એવો સાથી ઝંખે છે જેની સાથે સાંજ પડે એક છત નીચે ભેગા થઈ શકાય, એક પલંગમાં સૂઈ શકાય, એક ટેબલ પર જમી શકાય, લડી-ઝઘડી શકાય, હસી-રડી શકાય અને સૌથી અગત્યનું, વાતો કરી શકાય!   આપણે બધા એકલવાયા સમાજમાં પ્રવેશવા લાગ્યા છીએ. સૌને પોતપોતાની ચિંતા છે. પતિ અને પત્નીનું અલગ ભવિષ્ય છે, એમની ભિન્ન અસલામતીઓ છે, કારણ કે એમની પાસે ભિન્ન કારકિર્દી અને અલગ અલગ સપનાં છે. ક્યારેક એવું બને છે કે બહારના લોકો સાથે હરીફાઈ કરતાં કરતાં પતિ-પત્ની એકબીજા સાથે હરીફાઈ કરવા લાગે છે. પ્રેમી અને પ્રેમિકા, બે દોસ્તો, પિતા અને પુત્ર કે મા-દીકરી ક્યારે સંબંધ ભૂલીને સામસામે આવી જાય એ સમજાતું નથી, આજના સમયમાં! ‘ક્વીન’, ‘કી એન્ડ કા’ અને ‘કરીબ કરીબ સિંગલ’ અલગ વાર્તાઓ સાથે લખાયેલી ફિલ્મો. સ્ત્રી-પુરુષના અલગ પ્રકારના સંબંધની વાત કરે છે. હિન્દી સિનેમામાં હવે આવી વાર્તાઓ લખાવા અને ફિલ્મ સ્વરૂપે રજૂ થવા લાગી છે એ વાતનો આનંદ થવો જોઈએ. પતિનું કહ્યું માનતી, પ્રેમીને પોતાનાથી દૂર કરવા માટે બેવફા હોવાનું નાટક કરતી કે માતા-પિતાના વચનને ખાતર બલિદાન આપી દેતી હિરોઇનની કથાઓ હવે હિન્દી સિનેમામાં કોઈને જોવી નથી. આજની સ્ત્રી જરા જુદી રીતે વિચારે છે,   એટલે જ ઓડિયન્સ પણ જુદી રીતે વિચારતી સ્ત્રીને જોવા ઝંખે છે! હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘લવની ભવાઈ’માં માંડ 20-22ની આર.જે. અંતરા એના બોયફ્રેન્ડને કહે છે, ‘કેમ? મેં બિલ આપી દીધું તો શું પ્રોબ્લેમ છે? મેઇલ ઇગો એન્ડ ઓલ, હં?’ એ જ અંતરા પહેલી વાર શરાબ પીને બેહોશ થઈ ગયેલા પોતાના દોસ્તને પોતાના રૂમમાં લાવીને સુવડાવે છે અને એનાથી થોડે દૂર સોફા પર નિરાંતે સૂઈ જાય છે! ટૂંકમાં, ગુજરાતી ફિલ્મની હિરોઇન પણ બદલાઈ રહી હોય ત્યારે હિન્દી સિનેમાની હિરોઇન તો જુદી હોવી જ જોઈએ, ખરું ને? સ્ત્રી-પુરુષના સંબંધો સમય, ઉંમર, ક્લાસ, માનસિકતા, ઉછેર અને શિક્ષણ સાથે બદલાતાં રહે છે.   એક ભણેલીગણેલી કમાતી છોકરી જે રીતે એના બોયફ્રેન્ડ કે પતિ વિશે વિચારે છે એ રીતે એક અંડર ગ્રેજ્યુએટ મિડલ ક્લાસ પરિવારમાં ઉછરેલી છોકરી નથી વિચારી શકતી. એક 18 વર્ષની છોકરી કે 20-22નો છોકરો જે રીતે વિચારે એ રીતે 35ની સ્ત્રી કે 45નો પુરુષ નથી વિચારી શકતો. આના કારણમાં ઊતરીએ તો સમજાય કે સમય સાથે આપણી જરૂરિયાતો બદલાઈ છે. શરીર, આકર્ષણ, સેક્સ અને સુંદરતાનું મહત્ત્વ જે ઉંમરે હોય છે એ પછીની ઉંમરના પડાવમાં સમજણ, બુદ્ધિ, દોસ્તી અને શેરિંગનું મહત્ત્વ વધે છે. એક ઉંમરે પુરુષના બેન્ક બેલેન્સનું મહત્ત્વ હોય છે, સમય જતાં એ ભુલાઈ જાય છે અને પુરુષની સમજદારી, ઋજુતા અને કાળજીનું મહત્ત્વ વધે છે.     ખાસ કરીને આપણા દેશમાં આપણે વાતો કે કમ્યુનિકેશન વિશે ક્યારેય સજાગ નથી. પતિ-પત્ની વચ્ચે કોમ્યુનિકેશન હોવું જોઈએ, પ્રેમીઓ વચ્ચે વાતો થવી જોઈએ એવો વિચાર માતા-પિતા પોતાનાં સંતાનને આપતાં જ નથી, આપી શકતાં નથી, કારણ કે એમણે પણ પોતાના જીવનસાથી સાથે કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ (જો હોય તો) સાથે વાતો કરી જ નથી. સિંગલ હોવું એ ફેસબુકનું સ્ટેટસ નથી કે વ્હોટ્સએપ પર પોતાના એકલા હોવાની જાહેરાત નથી. સિંગલ હોવાનો અર્થ છે, સંબંધ માટે ઓપન હોવું. કોઈ વ્યક્તિને ઓળખવા,   જાણવા, એની સાથે જોડાવા માટે તૈયારી બતાવવી પણ એનો અર્થ એવો નથી કે એ જ્યાં ત્યાં લંગસિયાં નાખવા મંડે! કેટલાક લોકો મરજીથી સિંગલ હોય છે, એમને એમના ટેસ્ટની, ગમતી કે કલ્પનાની વ્યક્તિ ન મળી માટે! કેટલાક લોકો ઇમોશનલી સિંગલ હોય છે, કારણ કે એમને મળેલી વ્યક્તિ કોઈક કારણસર છૂટી ગઈ અને પછી એમને એટલી અદ્્ભુત વ્યક્તિ બીજી મળી જ નહીં માટે! આપણને લાગે છે કે દરેક સિંગલ વ્યક્તિ સાથી શોધી રહી છે. જોકે, એવું નથી!     આપણે બધા જ ડિવોર્સી, વિધવા, વિધુર કે મોટી ઉંમર સુધી નહીં પરણેલા લોકોને દયાથી જોઈએ છીએ, ક્યારેક એવા લોકો આપણા જીવનમાં અસલામતી પણ લઈ આવે છે. સિંગલ બહેનપણી કે કઝિન મારા પતિ પર નજર નાખશે કે સિંગલ દોસ્ત અથવા કઝિન ભાઈ, મારી પત્નીમાં રસ લેતો થઈ જશે આવા ભય સતાવે છે. આપણે સિંગલ લોકોથી જીવનસાથીને દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. જે સિંગલ છે અથવા જેમણે એકલા રહેવું પસંદ કર્યું છે એવી વ્યક્તિઓ કદાચ કમ્યુનિકેશન, દોસ્તી કે સાથી ઝંખે તો પણ એમને ભૂતકાળ, માન્યતાઓ અને લાંબા સમય સુધી એકલા રહ્યા પછી ગોઠવાઈ ગયેલી જિંદગીની સમસ્યાઓ નડે જ છે. અચાનક કોઈ પોતાની જિંદગીમાં દાખલ થઈ જાય અને પોતાના ઇમોશન્સનો કે સમય અને નિર્ણયોનો કબજો લઈ લે એ વાત સિંગલ વ્યક્તિને અનુકૂળ ન આવે એમ બને. લગ્ન નહીં કરવાની, ડિવોર્સ લીધા પછી કે પ્રણય સંબંધ તૂટ્યા પછી એકલા રહેવાની,     વિધવા કે વિધુર થયા પછી ફરી લગ્ન નહીં કરવાની માનસિકતા ધરાવતા લોકો મોટેભાગે પોતાની જિંદગી સાથે અનુકૂલન સાધી ચૂક્યા હોય છે. એમનું રૂટિન ગોઠવાયેલું હોય છે અને એમની સગવડો પણ એમણે ગોઠવી જ લીધી હોય છે. મહત્ત્વની વાત એ છે કે, એમને કોઈ વ્યક્તિ મળે ત્યારે એની સાથે સંબંધ બાંધતા પહેલાં એમણે જાત સાથે સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. બીજી વ્યક્તિને ભીતર આવવા દેતા પહેલાં એમણે અનેક માનસિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. એમની જરૂરિયાત અને હાલની અનુકૂળ પરિસ્થિતિ વચ્ચે ઘર્ષણ થાય છે, હા અને ના વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે.   કેટલાક લોકો આ બધી પરિસ્થિતિ પછી પણ ગમતી વ્યક્તિ સાથે જોડાય છે. લગ્ન કરવાનું કે સાથે રહેવાનું નક્કી કરી શકે છે. જ્યારે કેટલાક લોકો આ સંઘર્ષની બહાર નીકળી શકતા નથી. ગમતી વ્યક્તિ મળી હોવા છતાં, એ વ્યક્તિને પોતે ગમતા હોવા છતાં અંતે એકલા રહેવાનું પસંદ કરે છે. તનુજા ચંદ્રાની આ કથા, ‘કરીબ કરીબ સિંગલ’ આજના યુગની વર્કિંગ વુમન અને મોટી ઉંમર સુધી સિંગલ રહી ગયેલા પુરુષની એવી પ્રેમકથા છે જેમાં પ્રેમ છે છતાં નથી. જેમાં ઝંખના છે છતાં ઝઝૂમવાની એક વિચિત્ર માનસિકતા છે. બંને જણા એકબીજા સાથે જોડાય છે છતાં રહી જાય છે, ‘કરીબ કરીબ સિંગલ.’

અન્ય સમાચારો પણ છે...