યોગથી જીવન ઉજાળે છે યોગાચાર્ય આયંગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગાચાર્ય બી. કે. એસ. આયંગર એક જીવંત દંતકથારૂપ હતા. તેમણે રાજવી પરિવારોથી લઇ આમઆદમી સુધી સૌ કોઇને યોગનું શિક્ષણ આપ્યું. જે. કૃષ્ણામૂર્તિ અને ઓલ્ડસ હડસલે જેવા બુદ્ધિજીવીઓથી લઇ માનસિક રીતે અક્ષમ લોકોને તેમણે યોગ શીખવ્યો. તેમણે પોતાની બીમારીનો ઇલાજ કરવા યોગ શીખવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ કરોડો લોકોને યોગ દ્વારા તંદુરસ્તી આપી ગયા. આબાલવૃદ્ધ સૌ કોઇમાં તેઓ લોકપ્રિય હતા.
આયંગર યોગના પરિચયમાં આવ્યા એ સમયે યોગ ઓછો જાણીતો, રહસ્યમય અને એકાંતવાસીઓનો વિષય ગણાતો. આજે માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ યોગ ઘર-ઘરકી કહાની બની ગયો છે. યોગે માનવસર્જિત તમામ રાજકીય, ધાર્મિક, ભૌગોલિક, ભાષાકીય અને સામાજિક સીમાડા પાર કરી લીધા છે.
આયંગર નામ યોગ શબ્દનો પર્યાય બની ગયા, ત્યાં સુધી કે ઓક્સફર્ડ ડિક્ષનરીમાં ‘આયંગર’ શબ્દનો એક પ્રકારનો યોગ એવો અર્થ આપવામાં આવ્યો છે.છ વર્ષ પહેલાં ‘ટાઇમ’ મેગેઝિને દુનિયાભરની સો સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં યોગાચાર્ય બી. કે. એસ. આયંગરનો સમાવેશ કર્યો હતો. સ્વાસ્થ્યની સાથે સાથે એક સમયે ભોજન માટે લડનારા કિશોરથી લઇ દુનિયાભરમાં આદરણીય યોગી બનવા સુધીની આ સફર ધૈર્ય, સંકલ્પ, મહેનત, કઠિન અભ્યાસ અને ઇશ્વરના આશીર્વાદનું પરિણામ છે. તેમનું જીવન પ્રેરણાસ્રોત છે. બેલૂર કૃષ્ણમાચાર સુંદરરાજ આયંગરનો જન્મ 14 ડિસેમ્બર, 1918ના રોજ કર્ણાટકના બેલૂર ગામમાં થયો.
પરિવારમાં તેઓ 13મું સંતાન હતા. તેઓ આઠ વર્ષના થયા ત્યારે પિતા મૃત્યુ પામ્યા. સોળમા વર્ષે આયંગરને યોગનો પરિચય તેમની પત્નીના ભાઇ ટી. કૃષ્ણાચાર્યે કરાવ્યો. સુંદરરાજનું બાળપણ બીમારીમાં વીત્યું. એન્ટિબાયોટિકનું નામોનિશાન નહોતું પણ એવા સમયે મલેરિયા, ટાઇફોઇડ અને ટી.બી. જેવી બીમારીઓ તેમને ઘેરી વળી. અઢારમે વર્ષે તેમને છ મહિના યોગ શીખવવા પૂણે મોકલવામાં આવ્યા. તેમના ગુરુએ આ કામ માટે તેમને એટલે પસંદ કર્યા કારણ કે તેમને થોડું અંગ્રેજી આવડતું હતું. અન્ય વિદ્યાર્થી ફક્ત સંસ્કૃત અને કન્નડ જાણતા હતા.
પૂણેમાં જીવન સંઘર્ષમય રહ્યું. તેમને મરાઠી નહોતું આવડતું અને અન્ય કોઇ ભાષાનું ઔપચારિક જ્ઞાન પણ નહોતું. તેઓ જે જિમખાનામાં યોગ શીખવતા ત્યાંના નટખટ છોકરાઓનો સામનો કરવાનું આસાન નહોતું. તેમની પાસે કંઇ હતું તો એ હતો યોગ. તેમણે આ વિષયમાં ઊંડા ઊતરવાનું નક્કી કર્યું. તેઓ તેમના ગુરુ પાસે બે વર્ષ રહ્યા પરંતુ તેમને ખાસ કાંઇ શીખવાનો અવસર ન મળ્યો. પૂણેમાં તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને આસનોમાં નિપુણતા હાંસલ કરવા માટે મચી પડ્યા. તેઓ નિયમિત અને ઇમાનદાર અભ્યાસી હતા. છોડવું પડે તો ખાવાનું છોડી દેતા પરંતુ અભ્યાસ નહીં. તેમના અભ્યાસની સ્પષ્ટતા અને નિપુણતાએ તેમને આંતરદૃષ્ટિ અને અનેરો અનુભવ આપ્યો. જેની પુષ્ટિ તેમણે વેદોમાંથી કરી. તેમનું નામ અને પ્રસિદ્ધિ પૂણે બહાર પણ ફેલવા લાગ્યાં.
1952માં સુપ્રસિદ્ધિ વાયલિનવાદક યહૂદી મેન્યુઇન સાથેની આકસ્મિક મુલાકાતે આયંગરનો પરિચય પશ્ચિમી દુનિયા સાથે કરાવવા અગત્યની ભૂમિકા ભજવી. મેન્યુઇન વીસમી સદીના મશહૂર સંગીતકાર હતા. તેમને વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ભારત આમંત્રિત કર્યા. એ સમયે તેમણે અનેક ચેરિટી શો કર્યા. એ દરિમયાન મેન્યુઇને મહેસૂસ કર્યું કે યોગ કર્યા પછી તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. મેન્યુઇનને પોતાની કળામાં યોગની અગત્યના સમજાતાં તેમણે બી.કે.એસ. આયંગરને દર વર્ષે ઉનાળામાં યોગ શીખવવા માટે સ્વિત્ઝર્લેન્ડ આમંત્રિત કર્યા. આ રીતે એક લાંબી મૈત્રી શરૂ થઇ. જે 1998માં મેન્યુઇનના અવસાન સુધી જળવાઇ રહી.
મેન્યુઇને આયંગરને એક ઘડિયાળ ભેટ આપી હતી. તેના પર લખ્યું હતું. ‘મારા સર્વશ્રેષ્ઠ વાયોલિન અધ્યાપક માટે’ મેન્યુઇને કેટલાય વિદ્વાનોનો પરિચય બી.કે.એસ. આયંગર સાથે કરાવ્યો હતો. આમાંથી એક બેલ્ઝિયમની રાજમાતા હતી. ગુરુજીના યોગમાં એવું શું છે, જેનાથી દુનિયાભરના લોકો આકર્ષાય છે? આ છે પતંજલિનો અષ્ટાંગ યોગ અને તેમની આ વિષયની વ્યવહારુ સમજ, આસન અને પ્રાણાયામ મારફત તેઓ પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન જેવા અષ્ટાંગ યોગનાં અન્ય પાસાઓનો અનુભવ કરાવે છે. આને માટે 45 દેશોમાં પ્રશિક્ષિત અધ્યાપક છે. આ સૌને યોગનો અભ્યાસ પોતાના કાર્યક્ષેત્ર, જીવનશૈલી અને વ્યવસાયમાં સામેલ કરતા શીખવે છે. આયંગરની માનવશરીર અને મસ્તક વિશેની સમજણ અદ્ભુત હતી.
એટલા માટે જ ચિકિત્સકીય યોગ, આયંગર યોગનો વિશેષ હિસ્સો બની ચૂક્યો. સંજોગવશાત્ આયંગરનું શિક્ષણ હાઇસ્કૂલ સુધી જ થઇ શક્યું હતું પરંતુ તેઓ 14 પુસ્તકોના લેખક છે. જેમાંનાં ઘણાં ખરાં બેસ્ટ સેલરની યાદીમાં સ્થાન પામ્યાં છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ગુરુજીનું પહેલું પુસ્તક ‘લાઇટ ઓન યોગા’ 1966માં પ્રથમવાર પ્રકાશિત થયું. આ પુસ્તકને અદ્ ભુત સફળતા મળી. અઢાર ભાષામાં અનુવાદિત અને ભારતમાં 29 આવૃત્તિ સાથે આ પુસ્તકે યોગને સર્વવ્યાપી બનાવી દીધો. 88 વર્ષની વયે પણ ગુરુજી નિયમિત અભ્યાસ કરતા હતા. દરેક આસનને તેઓ સફળતાપૂર્વક ધ્યાનની મુદ્રામાં સમર્પિત થઇને કરતા.
આયંગર કહેતા:
યોગ બધા માટે છે. આસનોના અભ્યાસ માટે તમારે એના એક્સપર્ટ બનવું કે સંપૂર્ણ સ્વસ્થ હોવું જરૂરી નથી. આધુનિક જીવનની ભાગદોડમાં શરીર પ્રત્યે દુર્લક્ષ સેવવાથી શારીિરક તકલીફો અને માનસિક પરેશાનીઓ થઇ શકે છે. અસંતોષ, એકલતા, અશક્તિ જેવી ભાવનાઓ ઉત્પન્ન થઇ શકે છે. યોગ માનસિક અને શારીિરક સમતુલા જાળવીને મનુષ્યને ભીતરથી અને બહારથી સંતુલિત કરે છે, જેને હું એકસૂત્રતા (અલાઇમેન્ટ) કહું છું. સાચી એકસૂત્રતાનો મતલબ છે મગજ શરીરના પ્રત્યેક કોષો અને તંતુ સુધી પહોંચે.

કિશોર મકવાણા
socialnetwork.kishormakwana@gmail.com