તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'યે જવાની હૈ દીવાની' યુવાધન ઘણું શીખી શકે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજનું યુવાધન ઇચ્છે તો રણબીર કપૂરની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની’માંથી ઘણું શીખી શકે તેમ છે

આજકાલ રણબીર કપૂરની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની’ ધૂમ મચાવી રહી છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મની હિ‌રોઇન છે. આ બંનેને કારણે ફિલ્મ ચાલી રહી છે કે ફિલ્મની કથા સારી હોવાથી તે ચાલે છે તે પ્રશ્નાર્થ છે. અગાઉની ફિલ્મોમાં કંઈક અંશે સંદેશો જોવા મળતો હતો. આજની ફિલ્મોમાં તેવું હોતું નથી. ગણીગાંઠી ફિલ્મોમાં સમજદારીભર્યું હોય છે. માત્ર ને માત્ર મનોરંજનના હેતુથી જ ફિલ્મો બનાવાતી હોય એવું લાગે છે.

પરંતુ રણબીરની આ ફિલ્મ કંઈક જુદી પડે તેવી છે. યુવાનો કેન્દ્રિ‌ત આ ફિલ્મમાંથી આજનું યુવાધન જો ઇચ્છે તો ઘણી બધી વસ્તુ શીખી શકે તેમ છે. ૨૨-૨પ વર્ષનો આજનો યુવાન જેવો હોય છે તેવો જ યુવાન આ ફિલ્મમાં રણબીરને બતાવ્યો છે. હરવુંફરવું, પાર્ટી, પિક્ચર વગેરે વગેરે. હકીકતમાં આ તેની બાહ્ય પ્રતિભા છે. રણબીરને જિંદગીમાં જે કરવું છે તેનું લક્ષ્ય તેણે નક્કી કરી રાખ્યું હોય છે. તેને અલગ અલગ દેશમાં ફરવું ગમે છે, અલગ અલગ દેશનાં ભોજન ખાવાં ગમે છે. ફોટોગ્રાફી ગમે છે. તેના મિત્રોને જ્યારે ખબર પડે છે કે પત્રકારત્વનું ભણવા તે અમેરિકા જાય છે ત્યારે તેમને આંચકો લાગે છે.

હકીકતમાં તેનું લક્ષ્ય તેણે પહેલેથી જ નક્કી કરેલું હોય છે. આજના મોટા ભાગના યુવાનોમાં ફોકસનો અભાવ છે. ભવિષ્યમાં તેમણે શું કરવું છે અથવા શું થવું છે તેની ગેરહાજરી હોય છે. કોલેજમાં તેઓ પિક્ચર-પાર્ટી કરતા રહે છે. મિત્રો કહે તે પોતાને અનુકૂળ છે કે કેમ તે વિચાર્યા વિના કરવા તૈયાર થઈ જાય છે. થોડા સમય બાદ તેમને ખ્યાલ આવે છે કે ખોટી જગ્યાએ પહોંચી ગયા છીએ.

આજના યુવાનને રજૂ કરતો એક ડાયલોગ આ ફિલ્મમાં છે. એક દૃશ્યમાં રણબીર તેના પિતાને કહે છે કે મારે ઊડવું છે, દોડવું છે, ગબડવું છે, પણ અટકવું નથી. આમ ગબડવાની ક્રિયાને પણ તે ગતિ જ માને છે. આ સારી વાત છે. હકીકતમાં કેટલું દોડવું, ક્યારે દોડવું અને કઈ દિશામાં દોડવું તે મહત્ત્વનું હોય છે. દોડો એટલે સ્વાભાવિક છે કે ગબડવું પણ પડે. આજના યુવાનોની આ પણ તૈયારી હોય છે. આ આખી હકારાત્મક બાબત છે. એક દૃશ્યમાં રણબીર જ્યાં નોકરી કરતો હોય છે તે છોડવા માગે છે. તેની સાથીદાર તેને પ્રશ્ન કરે છે ત્યારે રણબીર સરસ જવાબ આપે છે કે ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી તો નીકળવું પડે છે.

આમાં જીવનની ફિલોસોફી આવી જાય છે. માનવજીવનનું પણ તેવું જ છે. જન્મ-મૃત્યુની જે ઘટમાળ ચાલે છે તેનો કદાચ અહીં અછડતો ઉલ્લેખ કરાયો છે તેમ કહી શકાય. યુવાનોએ આ ફિલ્મને કેવી રીતે નિહાળી છે તે તો સમય જ કહેશે, પણ આજના યુવાનો પોતાને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ અંગે વિચારે તો કદાચ તેમને પોતાના જીવનની દિશા આ ફિલ્મમાંથી મળી શકે તેમ છે. આપણે ઇચ્છીએ કે મોટા ભાગના યુવાનોએ આ જ અભિગમથી ફિલ્મ નિહાળી હશે.'
ajay.naik@dainikbhaskargroup.com