તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો તેવું ચારધામનું પણ થઇ શકે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધાર્મિ‌ક યાત્રા : મોક્ષમાર્ગે, આપત્તિ અને અવસર
- વિશ્વના લગભગ દરેક ધર્મમાં યાત્રાનું મહત્ત્વ છે. પરંતુ ચારધામ માટે આ આપત્તિ અવસર છે. ગુજરાતમાં ધરતીકંપ પછી આજે કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. તેવું ચારધામનું પણ થઇ શકે, પણ તે માટે સરકારી તંત્રે ભગવાનનો નહીં તો પ્રકૃતિનો ડર રાખવો રહ્યો...

ભારત યાત્રાળુ દેશ છે. અહીં તીર્થાટન કર્યા વગર મરવાથી મોક્ષ મળતો નથી. જાત્રા કર્યા વગર મૃત્યુ પામનારનું જીવતર એળે જાય છે. હિ‌ન્દુ ધર્મનાં વિવિધ પુસ્તકોમાં તીર્થાટનનાં કેટલોગ જાણે ઉપસ્થિત છે. અમુક જાત્રા કરવાથી અમુક ફળ મળે, અમુક જાત્રા કરવાથી મૃત્યુ પછી અમુક સુવિધા મળે. કોઇ જાત્રાથી મોક્ષ મળે, કોઇ જાત્રાથી સ્વર્ગ મળે. પાંડવોએ પણ સદેહે સ્વર્ગારોહણ માટે હિ‌માલયની યાત્રા કરી હતી તેની વાર્તા પ્રસિદ્ધ છે. દ્રૌપદી અને અન્ય ચાર પાંડવો હિ‌માલયમાં હાડ ગાળવા માટેની જાત્રામાં એક એક તબક્કે પડી જાય છે અને યુધિષ્ઠિ‌ર આગળ ચાલતા રહે છે. તેની સાથે તેનો પાળિતો કૂતરો પણ આગળ વધતો રહે છે. ધર્મરાજાને સદેહે સ્વર્ગે લઇ જવા માટે સ્વર્ગનું વિમાન આવે છે. યુધિષ્ઠિ‌ર કૂતરાને લીધા વગર એકલા જવા કરતાં સદેહે સ્વર્ગે નહીં જવાનું પસંદ કરે છે. અંતે યુધિષ્ઠિ‌રની સહૃદયતાની જીત થાય છે. ધર્મરાજ પોતે કૂતરાના રૂપે યુધિષ્ઠિ‌રની આખરી પરીક્ષા લઇ રહ્યા હતા. મહાભારત તો તીર્થયાત્રાઓ અને દેશનાં તીર્થોની વિસ્તૃત માહિ‌તી આપનાર ધર્મગ્રંથ છે.

ચારધામની યાત્રાની કરુણાંતિકા પછી તરત જ અમરનાથ યાત્રા શરૂ થઇ. યાત્રાળુઓના ધસારામાં કોઇ ઘટાડો જોવા નથી મળ્યો. ચારધામની યાત્રા આવતા વર્ષે કદાચ ચાલુ નહીં થાય, પણ જ્યારે ચાલુ થશે ત્યારે અગાઉ કરતાં પણ વધુ ધસારો હશે એ નક્કી. કુંભમેળામાં ધક્કામુક્કીમાં માણસો ચગદાઇ જવાની ઘટનાઓ સતત બનતી રહે છે અને કુંભમેળામાં જનારાઓની સંખ્યા સતત વધતી જાય છે. હિ‌ન્દુ ધર્મમાં તીર્થ અને ક્ષેત્રની યાત્રાનું મહત્ત્વ છે. તીર્થ એટલે નદીનો એવો છીછરો પટ જેને ઓળંગી શકાય. નદીકિનારે આવેલાં ધાર્મિ‌ક સ્થળોને તીર્થ કહેવામાં આવે છે. ક્ષેત્ર એટલે એવું ધાર્મિ‌ક સ્થળ જ્યાંનું મંદિર કોઇ અગત્યની ઘટના કે ધાર્મિ‌ક વ્યક્તિ કે વિભૂતિ સાથે સંકળાયેલું હોય.જાત્રા અને પરિક્રમા પણ અલગ છે. પરિક્રમા એટલે સર્કિટ, એક પંથના યાત્રાધામોના પ્રવાસનો નિ‌શ્ચિ‌ત માર્ગ એટલે પરિક્રમા. વ્રજની પરિક્રમા, નર્મદા પરિક્રમા, વૃંદાવન પરિક્રમા, ગોવર્ધન પરિક્રમા, પંચકોથી પરિક્રમા, ગિરનારની લીલી પરિક્રમા વગેરેનું અદકેરું મહત્ત્વ છે. કુરુક્ષેત્ર, વારાણસી, કાશી, પુષ્કર, અયોધ્યા, નૈમિષારણ્ય, કેદારનાથ - બદરીનાથ, કૈલાસ માનસરોવર વગેરે ક્ષેત્રો છે, જ્યાંની યાત્રાનું માહાત્મ્ય છે.

વિશ્વના લગભગ દરેક ધર્મમાં યાત્રાનું મહત્ત્વ છે. યાત્રા માટેના આદેશો અને માર્ગદર્શન લગભગ દરેક ગ્રંથમાં આપવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના નવા કરારમાં યાત્રાને બહુ પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી, પણ ઇશુ ખ્રિસ્તને જ્યાં ક્રોસ પર ચડાવવામાં આવ્યા તે જેરુસલેમના ચર્ચની યાત્રાએ ખ્રિસ્તીઓ અને બિનખ્રિસ્તીઓ પણ જાય છે. કેથલિકો માટે વેટિકન અને ત્યાંનું સેન્ટ પીટર્સ બેસિલિકા સૌથી મહત્ત્વનાં ધાર્મિ‌ક સ્થળ છે. મુસ્લિમો માટે હજયાત્રાનું માહાત્મ્ય છે. દરેક મુસ્લિમનું સપનું હોય છે કે જીવનમાં એક વખત તે મક્કા જઇને હજયાત્રા કરે. જેરુસલેમ યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો માટે પણ યાત્રાધામ છે. યહૂદીઓ જેરુસલેમમાં વેસ્ટર્ન વોલની યાત્રાએ જાય છે અને ત્યાં પ્રાર્થના કરે છે. આ સ્થળે એક પુરાણી દીવાલ માત્ર છે. રોમનોએ જૂના જેરુસલેમને ખેદાનમેદાન કરી નાખ્યું ત્યારે ટેમ્પલ માઉન્ટની આ એક દીવાલ માત્ર બચી હતી, જે હવે યાત્રાધામ છે. બૌદ્ધ યાત્રાધામોની યાદી તો ખુદ ભગવાન બુદ્ધે પોતે આપી છે. લુંબિનીની યાત્રા બૌદ્ધો માટે મહત્ત્વપૂર્ણ છે.

પિલગ્રિ‌મેઝ ટૂરિઝમ ધાર્મિ‌ક પર્યટન હવે નવો કન્સેપ્ટ રહ્યો નથી. દરેક યાત્રા માટે હવે પેકેજ ટૂર છે. યાત્રાઓને સરળ, લક્ઝુરિયસ અને સુવિધાયુક્ત બનાવી દેવાનો આખો ઉદ્યોગ ખીલ્યો છે. એમાં ટૂર ઓપરેટર્સથી માંડીને યાત્રાસ્થળો પરની હોટલો, ત્યાંના વેપારીઓ, ત્યાં સુવિધાઓ પૂરી પાડનારાઓ અને યાત્રાધામના વહીવટકર્તાઓ સુધીના સામેલ છે. ધર્મ એક વ્યવસાય બની ગયો છે અને ધર્મયાત્રા પણ વ્યવસાયનો મોકો છે. મધ્યયુગમાં યુરોપથી મધ્ય-પૂર્વના સમુદ્રી વેપાર પર નિયંત્રણ ધરાવતા વેપારીઓએ જેરુસલેમ વગેરે સ્થળોની યાત્રા માટે પ્રથમ વખત પેકેજ ટૂર શરૂ કરી ત્યારથી જગતમાં પેકેજ ટૂરની શરૂઆત થઇ હતી. આજે વિશ્વમાં ધાર્મિ‌ક પર્યટનનો બિઝનેસ વર્ષે આઠ બિલિયન ડોલરનો થઇ ગયો છે અને આ ટૂરિઝમ બિઝનેસે યાત્રાધામોનું નખ્ખોદ વાળી નાખ્યું છે.

કેદારનાથ જ નહીં, કોઇ પણ યાત્રાધામ જુઓ, તેની આજુબાજુ હોટલો, દુકાનો, ગેસ્ટહાઉસો, રેસ્ટોરેન્ટ્સ વગેરે ખડકાઇ ગયાં હોય છે.તેમાંનાં કેટલાં કાયદેસર હોય છે એ બધાં જાણતાં હોય છે. વિકાસના નામે જે ધંધો થાય છે તે પ્રકૃતિનો નાશ કરીને થાય છે. સો વર્ષ પહેલાંની કેદારનાથની તસવીરો જોશો તો મંદિરની આજુબાજુ વૃક્ષો અને નાનકડી કુટિર જ છે તે પછી મંદિર ઢંકાઇ જાય એટલી ધર્મશાળાઓ, હોટલો, રેસ્ટોરેન્ટ્સ, દુકાન વગેરે બની ગયાં. કેદારનાથનું મંદિર ગીચ વિસ્તારની વચ્ચે આવી ગયું, પણ ભાગીરથીની જળરાશિએ કેદારનાથની આજુબાજુનાં આ બધાં જ દબાણને, પછી તે સરકારી ચોપડે કાયદેસર હોય તો પણ એક ઝાટકે દૂર કરી નાખ્યા. વહીવટી તંત્રની નજરે કેદારનાથની આજુબાજુ ખડકાયેલાં મકાનો કાયદેસર હોઇ શકે, પ્રકૃતિની નજરે નહીં...

આપણાં મોટા ભાગનાં યાત્રાધામ દુર્ગમ સ્થળે આવેલાં છે. કષ્ટો ભોગવીને આ યાત્રાધામ સુધી ભાવિકો પહોંચે છે. યાત્રાધામ દુર્ગમ હોવા પાછળનાં કારણો માણસે સમજવાં જેવાં છે. દુર્ગમતા પોતે જીવન સફરનો પર્યાય છે. માણસ જ્યારે કષ્ટ ભોગવીને યાત્રા કરે છે ત્યારે અનેક અનુભવોમાંથી પસાર થાય છે. અનેક લોકોને મળે છે. જેમાંના કેટલાક લોકો તેને મદદ કરે છે, કોઇ નથી કરતા અને અમુક લૂંટી પણ લે છે. આ બધું જ જીવનમાં અનેક પદાર્થપાઠ શીખવે છે.