‘ગિરનારની તળેટીમાં પડેલા પથ્થરને 'પાણો’ નહીં, પરવતફળ કહેવાય...’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શબ્દબ્રહ્મની પ્રતીતિ કરાવનાર સારસ્વત અને શબ્દ માવજતના પ્રહરી લાભશંકર પુરોહિ‌ત
જ્યારે શબ્દોના પોટલાં ખોલે ત્યારે દ્રૌપદીને પૂરેલાં અનંત વસ્ત્રપટના જાણે તાકા ખૂલે...’
'રોજ સવારે પાંચ અંજલિ આપું છું. એમાં એક મારા શિક્ષક લક્ષ્મીશંકર જોષીને મને એમણે ભણાવ્યો એટલા માટે નહીં, પણ શિક્ષકની એક ઇમેજ એમણે મારા માનસપટ પર જે ઊભી કરી તે હજુ ગઇ નથી, માટે. ભાઇ સાથે રહેતો હતો. ગામ છોડવું પડે એમ હતું. શાળામાંથી નામ કઢાવવા ગયો ને લક્ષ્મીશંકર જોષી ભેટી ગયા. મારી સ્થિતિ જાણી. એવો કાંઇ ગાઢ નાતો નહીં, પણ ઝટ દઇને તેનો અંદરનો અવાજ બોલી ઊઠ્યો: 'તારે ભણવાની બીજે સગવડ ન હોય તો મારા ઘરે રહીને ભણ...’ બસ, આ એક વાક્યે મને શિક્ષકજીવ પ્રત્યે જિંદગીભરના વહાલથી ભરપૂર કરી દીધો. પછી કોઇ સંબંધ નથી રહ્યો લક્ષ્મીશંકર માસ્તર સાથે, પણ વિસાવદર-જૂનાગઢ પંથક જાઉં ત્યારે પ્રત્યેક શિક્ષકમાં હું લક્ષ્મીશંકરને શોધું છું.’
આજે તો આ વાત ભ્રષ્ટાચારમાં ખપે, પણ ત્યારે એ સદાચાર હતો કર્મકાંડ શીખેલો, સંસ્કૃત ભણેલો. શિક્ષકના પુત્ર તરીકે ફોર્મ ભરાયું. સોળ વરસ નહોતાં થયાં ને શાળાંત પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયો. એ વખતે જોગવાઇ હતી, સોળ વરસ પૂરાં હોય, શાળાંત હો તો પ્રાથમિક શાળામાં શિક્ષક થઇ શકો. સાડા પંદર વર્ષે મારા ગામમાં જ શિક્ષક થયો. ડિસેમ્બર સુધી મારી બાએ મારા ખાનામાં સહી કરી ને મેં પગાર લીધો પિતા ધનજી પુરોહિ‌ત આત્મગૌરવવાળા. એમણે મંત્ર આપેલો: આપણી આજીવિકા કેવી રીતે રળવી?
ત્રણ વાત યાદ રાખવી:
૧. મારી આજીવિકા એવી ન હોવી જોઇએ કે બીજાનો રોટલો ઝૂંટવાય ને મને આખો મળે.
૨. હલકા, મુફલિસ અને લબાડ માણસોની ચાપલૂસી કરી રોટલો ન રળવો, અને
૩. સજ્જનોના માર્ગનું અનુસરણ કરતાં કરતાં અડધો સૂકો રોટલો મળે તોય એને છપ્પન ભોગ ગણી સ્વીકાર કરવો...
પિતાજીએ શીખવેલું કે ગરીબીનોય આદર કરવો, ઇશ્વર ત્યારે આપણી વધુ નજીક હોય છે તેઓ વારંવાર બોલતા: રણમાંથી ભાગે તે ક્ષત્રિય નહીં, ગરીબીથી ભાગે તે બ્રાહ્મણ નહીં... ત્યારનું જૂનાગઢ સ્ટેટનું ગામ. મુસ્લિમ સલ્તનત. કુતિયાણા તાલુકાનું દેવડા ગામ. અઢીથી ત્રણ હજારની વસતી, ખેડૂત, વસવાયા ને તેર તાંસળિયાની. ગામ ત્રિભેટે. પ‌શ્ચિ‌મે બે કિલોમીટરે જામસાહેબનું ગામ.
દક્ષિણે અડધા કિલોમીટરે પોરબંદરના રાણા ગામની સરહદ. રાણા તે આપણા નરોત્તમ પલાણનું ગામ. ગાંધીજીએ 'સત્યના પ્રયોગો’માં એક પ્રયોગ લખ્યો છે: નહીં ત્રણમાં, નહીં તેરમાં, નહીં છપ્પનના મેળામાં... બસ, એવું અમારું ગામ દેવડા કુતિયાણા બેગમને ભેટમાં મળેલું. બેગમને બ્રાહ્મણો પ્રત્યે અપાર લાગણી. પાંચ ધોરણ સુધીની નિશાળ. પિતા એમાં શિક્ષક. હુંય શિક્ષક થયો ને પછી આજીવન શિક્ષકત્વ પામ્યો...
ઘરમાં સાત-આઠ માણસો ને ત્રણ-ચાર ગાયો. ગાયોને લેવા-મૂકવા-ચરાવવા જવાનું મારા ભાગે આવતું. પાંચ-છ ભાંડરડાં. દેશકાળ એવો કે પૈસા ન હોય પણ રોટલો ખાવામાં તકલીફ ન પડે. મારી શાળા હું ભણતો ત્યારે થ્રી ઇન વન જેવી: બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એમાં બેસતી. હેડમાસ્તર વળી બ્રાન્ચ પોસ્ટમાસ્તર પણ ખરા. વર્ગશિક્ષક ટપાલનું શોટિગ પણ કરતા હોય
ગાંધીનો પ્રભાવ જબરો. માહોલ મજાનો. ગાંધીજયંતીએ આખી રાત કાંતણ ચાલે. હું નવો ને નાનો શિક્ષક. ઉત્સાહ ઘણો. પ્રૌઢશિક્ષણનું કામ કરું. પ્રભાતફેરી કાઢીએ ને શેરી વાળી કચરાનો ઉકરડો ભેગો કરી ખાતર તરીકે વેચીએ, જે પૈસા આવે તેમાંથી ફાનસ-કેરોસીન-બાકસ લઇએ ને એના અજવાળે પ્રૌઢોને ભણાવીએ સવારમાં નારી માટે વર્ગો ચલાવીએ. મારો કંઠ પહેલેથી સારો.
કર્મકાંડને લઇને બુલંદ. સંસ્કૃતને લઇને શુદ્ધ અને સ્પષ્ટ. મણિમાસી ને મોંઘીમાસીની શેરીના નાકે જઇ હું ગવડાવું: 'વા વાયો વિકાસનો ભોમકામાં/ભણતરના વાગ્યા ઢોલ, ભણવા આવો ઘર ઘરની નારી/આવો મણિ, મોંઘી ને માણેક કાકી/આવો આવો પેલાં ઘરડાં હીરામા, ના રહો બાકી/જ્ઞાન ગોવિંદ પધારે મનમોલ/ભણવા આવો ઘર ઘરની નારી...’
બધાં બૈરાં બહાર નીકળે ને કહે: અલ્યા, આ તો મારું ગાય છે હાલો જઇએ... પણ ગામડાના લોકો ચોખ્ખા દિલના. ગામમાં ડાકુ ય રહેતા. એ વેપારીય ખરા ને ડાકુ ય ખરા. ઘરમાં લગ્ન હોય તો આદમભાઇને મળવા જાય. આદમભાઇ કોઇ બાજુના ગામના માલદારને ત્યાં ખાતર પાડી ખાંડ ભરી આવે ને સસ્તા ભાવે લગનવાળાને વેંચી દે પણ દેશદાઝ બહુ. ધ્વજવંદન કરે તો રાષ્ટ્રધ્વજને ધ્વજ ન કહે, 'ધજાજી ચડાવ્યાં’ એમ કહે એકવાર હું ગામમાં નહીં ને સરપંચ વશરામભાઇએ ધ્વજવંદન કરી ભાષણ કર્યું. સાંજે ગામમાં આવ્યો તો સૌ કહે: 'માસ્તર, તમે ગામમાં નહીં ને વશરામભાઇએ ધજાજી ચડાવ્યાં, પણ એનું 'માયતમ’ કહેતાં એને થોડું આવડે? તમે હોત તો સરખી રીતે ધજાજીનું માયતમ કેત ને’
સૌરાષ્ટ્ર સ્ટેટની શાળાંત પરીક્ષા આપી એમાં રાજ્યમાં બીજો આવ્યો. જૂનાગઢ ગયો. ત્યાં મને મળ્યા શિક્ષક સતીષચંદ્ર જોષી. મારો દીવો સંકોરવાનું કામ એમણે કર્યું. 'આપણે ભણી શકાય’નો આત્મવિશ્વાસ એમણે બંધાવ્યો. કુતિયાણા હાઇસ્કૂલના આચાર્ય ખારુડ સાહેબ. એમણે શાળામાં બે બાવળ વાવેલા ને એનાં દાતણ એ કરતા ભાઇનું મેટ્રિકનું ફોર્મ ભરવા ગયેલો. મારું ફોર્મ ધરાર ભરાવ્યું.
મેટ્રિક થયો મહારાષ્ટ્રમાં બીજા અને ગુજરાતમાં પહેલા નંબરે એક પ્રાથમિક શિક્ષક ને આવડી સિદ્ધિ? શિક્ષણ ખાતાનાં વડાં ઊર્મિ‌લાબહેન દવે અને શિક્ષણમંત્રી જાદવજી મોદી સામે ચાલીને પ્રાથમિક શિક્ષકને બિરદાવવા ગામડે આવ્યા મને માનપત્ર આપ્યું... જોકે, એ મેં જ લખેલું કારણ કે ગામમાં બધાંનાં માનપત્ર લખવાનું કામ હું જ કરતો ઘણાં વર્ષો એને મઢાવીને ઘરમાં ટાંગેલું. મને ભણાવવા માટે જ જાણે પોરબંદર કોલેજના પ્રિન્સિપાલ થયેલા મનસુખલાલ ઝવેરી ઘરે આવ્યા હતા. માનપત્ર વાંચીને કહે: 'સારું છે, પણ ભાષા તારી છે,..’ બસ ત્યારથી એ માનપત્ર ઉતારીને માળિયે નાખી દીધું
પોરબંદર બદલી લીધી, કારણ ત્યાં કોલેજ શરૂ થયેલી. બી.એ. કર્યું. રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ઉપેન્દ્ર પંડયા પાસે એમ.એ. કર્યું. પ્રિન્સિપાલ કાંતિલાલ વ્યાસ પરીક્ષક. એમણે પરીક્ષા લેતાં લેતાં જ ભલામણ કરી ને મને ત્યાં જ અધ્યાપકની નોકરી મળી તરત હું વર્ગ એકમાં પસંદ થયો.
ગુજરાત કોલેજમાં જોડાયો. પણ સરકારી કોલેજોમાં મારી બદલી બહુ થઇ. બે વર્ષમાં સાત બદલી કારણ સીધું. વર્ગ એકની જે પરીક્ષામાં અમે સૌ બેઠા તેમાં વીસમો હું. પસંદ હું થયો એટલે આગળના ઓગણીસ મારા વિરોધી થઇ ગયા મીરાંએ લખ્યું: શૂળી ઉપર સેજ અમારી.. તે મેં અનુભવ્યું. દોષ મારા સ્વભાવનો હું કાઢું છું. મેં 'સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ’ની નહીં, પણ 'સ્ટાન્ડર્ડ ઓફ લાઇફ’ની હંમેશાં અપેક્ષા રાખી એમાં હું નિષ્ફળ ગયો... પણ મને ભરપૂર લાભ મળ્યો કોલેજોની સધ્ધર લાઇબ્રેરીઝનો.. ગળાડૂબ રહ્યો હું. નર્મદના હસ્તાક્ષરમાં નર્મદના પુસ્તકો વાંચ્યાં. મેં તો અંગ્રેજી વગર મેટ્રિકની પરીક્ષા આપેલી, પણ પાઠમાળાના ચાર ભાગે મારો ઉદ્ધાર કર્યો.
બી.બી.સી. સાંભળું. પોણા નવ વાગ્યાના અંગ્રેજી સમાચારમાં હર્મન ડિમેલોને અચૂક સાંભળું. અંગ્રેજી ફક્કડ થયું. અનુસ્નાતકમાં ભણાવતાં પહેલાં હું ઇપ્સન અને શેક્સપિયરને આખેઆખા વાંચી જઉં. ગ્રીક ટ્રેજેડી હું ભણાવું તો તેનું કાઠિયાવાડી ભાષાંતર હું કરતો જાઉં અમારા સ્ટાફરૂમની ચર્ચાઓ તાત્ત્વિ‌ક રહેતી. હળદરને હિંગથી માંડી હિ‌માલય સુધીની ચર્ચાઓ થતી. ૧૯૯૨માં નિવૃત્ત થયો તે પહેલાં ત્રણ-ચાર વર્ષે કૃષ્ણશંકર શાસ્ત્રીએ ત્રિવેણી સંસ્થાનો સંયોજક બનાવ્યો. તેની એક બેઠકમાં કોલેજથી સીધો ગયેલો. સૌએ કહ્યું: પુરોહિ‌ત, વેદની ઋચા બોલો. મેં કહ્યું: પેન્ટ પહેરીને ન બોલાય.
મોરારિબાપુ હાજર ત્યાં. એમણે કામળી ઓઢાડી કહ્યું: લો, હવે બોલો... તે દી’થી નક્કી કર્યું: સંતો ભેગા રહેવું હોય તો વેશભૂષા બદલો.. મને સંતોએ વેંઢાર્યો છે. મને સમજાણું છે કે પારદર્શિ‌તા અને પ્રામાણિકતાથી જ પરમાત્મા મળે... આદર્શ શિક્ષક કે ગુરુ માટે માત્ર વિદ્વતા પર્યાપ્ત નથી, સમજણ અને સંવેદનશીલતા આપણને માનવ બનાવે છે. અભાવોનું ય એક ઐશ્વર્ય છે. પણ તેની વચ્ચે સામાન્યતાનું ઐશ્વર્ય એ ઇશ્વરના સામ્રાજ્ય કરતાંય મોટું છે. સાચકલા દિલના હાલ જામનગરવાસી લાભશંકર ધનજી પુરોહિ‌તને વાત કરતાં રોકવા હોય તો તમારો જીવ ચચરે... પ્રકાંડ, પ્રખર સંશોધનશીલ વ્યક્તિવિભૂતિ. શબ્દઉદ્ભવ અને શબ્દ 'માવજતના આ પ્રહરી જ્યારે પોટલાં ખોલે ત્યારે દ્રૌપદીને પૂરેલાં અનંત વસ્ત્રપટના જાણે તાકા ખૂલે...’ આકાશવાણી, દૂરદર્શન, અનેક સંસ્થાઓ માટે સ્વામી પ્રેમાનંદ, પૃષ્ટિ મહારથી, અષ્ટછાપ કરતા ગાનના અનેક મણકા રચનાર લાભુદાદા જીવનનો ધન્યતમ પ્રસંગ કોને ગણે છે?
આનંદઘન વિશે કામ કરવા મીરાંને ગામ ગયેલા, ત્યાં વિચાર આવ્યો. કૃષ્ણતર્પણ કરવું જોઇએ સોમનાથમાં દેહોત્સર્ગની ધરતી પર. અઢીસો સંતોને નોતર્યા. મોરારિબાપુ, રમેશભાઇ ઓઝા, ડોંગરે મહારાજના ભાઇ પ્રભાકર ડોંગરે, ક.મા. મુન્શીના પુત્ર ગિરીશ મુન્શી દંપતી, સરદાર પટેલના ભત્રીજા, લાઠીના યુવરાજ-ઠકરાણા (હમીરજીનું તર્પણ કરવા) પધાર્યા. જેમણે સોમનાથના ગૌરવની રક્ષા માટે રક્તાભિષેક કર્યો તેમના માટે રુદ્રાભિષેક થયો હજાર વર્ષ પછી. લાભુદાદાએ શરદપૂનમની એ રાતે સૌને વિનંતી કરી: કૃષ્ણ વતી સંતોએ રાસ લીધા અને ભૂતલમાં પથરાયેલી ચેતના જાણે સજીવન થઇ. લાભુદાદાએ લખ્યું: 'કૈસે બની યે સગાઇ, હમ તો બાજી હાર ચૂકે હૈં, આગે તુમ જાનો ઠકુરાઇ...’
bhadrayu2@gmail.com
વિશેષ, ભદ્રાયુ વછરાજાની