તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાઇમપાસ માટે શરૂ કરેલો વ્યવસાય, આજે સ્ત્રીઓની મનગમતી 'બીબા’ બ્રાન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્ત્રીઓની મનગમતી 'બીબા’ બ્રાન્ડ : મીના બિંદ્રા
- મીના બિંદ્રાએ માત્ર ટાઇમપાસ માટે શરૂ કરેલો સ્ત્રીઓનાં વસ્ત્રોનો વ્યવસાય આજે 'બીબા’ બ્રાન્ડનેમ હેઠળ કરોડોનો વ્યવસાય બની ગયો છે

હજુ એ દિવસો એટલા જૂના નથી થયા કે જ્યારે વ્યાવસાયિક જગત પર માત્ર પુરુષોનો જ ઇજારો હતો અને સ્ત્રીઓની ભૂમિકા ફક્ત રસોડા સુધી જ સીમિત હતી. આના જ દુષ્પરિણામે કેટલાંય વર્ષો સુધી આપણા દેશની અડધોઅડધ આબાદીની તાકાતનો, યોગ્ય ઉપયોગ જ ના થયો. એનાથીય વિચક્ષણ વાત તો ગ્રામીણ સ્ત્રીઓએ શહેરની સ્ત્રીઓની સરખામણીએ દરેક દોરમાં ગૃહિ‌ણી હોવાની સાથે ખેતીવાડી અને પશુપાલન જેવા વ્યવસાયમાં પુરુષોને મદદ કરી પરિવારની આવક વધારી છે. ’૮૦ના દાયકા પહેલાં શહેરની સ્ત્રીઓનો સર્વે કરો તો જાણવા મળશે કે શહેરની સ્ત્રીઓએ ઉચ્ચ શિક્ષણ તો મેળવ્યું, પણ લગ્ન બાદ માત્ર ગૃહિ‌ણી અને બાળકોની માતા બનીને રહી ગઈ. વ્યાવસાયિક જગતમાં ડોકિયું સુધ્ધાં નથી કર્યું, પરંતુ એ જમાનાની એક ઉદ્યમી સ્ત્રી એમાં અપવાદ છે. એ મહિ‌લા છે, મીના બિંદ્રા.

નૌકાદળના એક અધિકારી સાથે લગ્ન કર્યા બાદ મીના બિંદ્રા બાળકો અને ગૃહસ્થીમાં રચ્યાંપચ્યાં રહ્યાં, પણ મનોમન તેમને એ વાતનો અફસોસ થતો કે તેઓ ખાલી સમયનો સદુપયોગ નથી કરી રહ્યાં. એક દિવસ તેમણે તેમના પતિને પંજાબી સૂટ્સની ડિઝાઈન કરવાની વાત કહી, પણ પતિએ વળતા જવાબમાં એમ કહ્યું કે, તેં ડિઝાઈનિંગની કોઈ તાલીમ તો લીધી નથી. મીના બિંદ્રાએ પતિના આ સવાલ સામે એવી દલીલ કરી કે, 'હું ક્વોલિફાઈડ ડિઝાઈનર નથી, પણ એક સ્ત્રી છું અને દરેક સ્ત્રીને કુદરતે સુંદરતા પારખવાની દૃષ્ટિ આપી છે. કોઈ પણ સ્ત્રી પહેલી નજરમાં જ પારખી લે છે કે શું સારું દેખાશે ને શું ખરાબ’ મીના બિંદ્રાની આ દલીલે તેમનો માર્ગ મોકળો બનાવી દીધો.

પતિએ બેંકમાંથી આઠ હજાર રૂપિયાનું કરજ લીધું અને મજાકના ટોનમાં મીનાને કહ્યું, 'રૂપિયા ડુબાડતી નહીં.’ જોકે મીનાએ તો માત્ર અડધા જ રૂપિયામાં એટલે કે ચાર હજારમાં વ્યવસાય શરૂ કર્યો. યોગાનુયોગ તેમને એક શિક્ષિત બ્લોક પ્રિન્ટર અને એક અનુભવી ટેલર માસ્ટર પણ મળી ગયા. મીનાએ ડિઝાઈનરની જવાબદારી સંભાળી. આમ આ ટીમે ૪૦ પ્રિન્ટેડ સલવાર સૂટ્સ તૈયાર કર્યા અને એક પ્રદર્શનમાં વેચાણ માટે ડિસ્પ્લે કર્યા. ૧૦૦ રૂપિયાના ખર્ચે બનેલા પ્રત્યેક સલવાર સૂટ જોતજોતામાં તો ૧૭૦ની કિંમતે વેચાઈ ગયા. એ વખતથી જ મીના બિંદ્રાને બિઝનેસ મંત્ર મળ્યો, 'જે પોશાક તૈયાર કરો તે ફેશનેબલ હોય અને અફોર્ડેબલ પણ.’

મીનાની આ પહેલી સફળતા ભલે નાની હોય, પણ એના કારણે એમનું મનોબળ મજબૂત થયું. એ પછી તો તેઓ મુંબઈમાં ઘેરબેઠાં જ ડિઝાઈનર સલવાર સૂટનું વેચાણ કરવા લાગ્યાં. કેટલીય સ્ત્રી ગ્રાહકો તેમની બહેનપણીઓ બની ગઈ. જો કોઈને ડ્રેસ પસંદ ના પડે અને પાછો આપી દે તો મીના બિંદ્રા ગ્રાહકો સાથે કોઈ પણ દલીલ કર્યા વગર તેમને પૂરા પૈસા પાછા આપી દેતાં. એ વખતે તેમનું એક જ લક્ષ્ય હતું, નફો ભલે ના મળે, પણ ગ્રાહકો ખુશ થવા જોઈએ. આમ આ ગ્રાહકહિ‌તેચ્છુ વિચારસરણીનું જ તેમને સુફળ મળ્યું અને તેઓ ઘરના કોચલામાંથી બહાર નીકળીને નાનકડું બુટિક ખોલવા માટે પ્રેરાયાં. ધીર ધીરે શૃંખલા બનતી ગઈ. શોપર્સ સ્ટોપે તેમણે ડિઝાઈન કરેલા સૂટ પોતાના મોલ્સમાં ડિસ્પ્લે કર્યા, તો આ તરફ મીના બિંદ્રાએ નક્કી કરેલા સમયમાં મેન્યુફેક્ચિંરગ કરવાનો અને યોગ્ય સમયે ડિલિવરી કરવાનો વ્યાવસાયિક મંત્ર અપનાવ્યો. ૧૯૯૪માં તેમના મોટા પુત્ર સંજય (હાલમાં તેઓ ૭-ઈસ્ટ નામથી સ્વતંત્ર વ્યવસાય કરે છે) માના આ વ્યવસાયમાં સહભાગી બન્યા ને ત્યાર પછી ૧૯૯૮માં જન્મી 'બીબા’ બ્રાન્ડ. 'બીબા’નો અર્થ છે, પંજાબ કી સોણી કુડી. ૨૦૦૨ પછી બીબા બ્રાન્ડને મોટો બ્રેક મળ્યો. એ વખતે તો મીના બિંદ્રાનો નાનો દીકરો સિદ્ધાર્થ પણ આ વ્યવસાયમાં પ્રવેશી ચૂક્યો હતો.