ધૂળમાં નહાતું ને ઝડપથી ઊડતું ‘હુદ-હુદ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુદ હુદની લાંબી બિડાયેલી અણીદાર કલગીનો આકાર ઘંટી ટાંકવાના હથિયાર જેવો લાગે છે અને તેથી જ તેના ઉપરથી તેને ‘ઘંટીટાંકણો’ નામ મળ્યું છે.
થોડા દિવસો પહેલાં આંધ્ર અને ઓરિસ્સામાં વિનાશ નોતરતું ‘હુદ હુદ’ નામનું વાવાઝોડું આવ્યું. આ વાવાઝોડાનું નામ ‘હુદ-હુદ’ શું કામ પડ્યું, એ ખબર છે? આ ‘હુદ હુદ’ એટલે કે ‘હુડ હુડ’ નામે એક પક્ષી છે અને તે ઈઝરાયલ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. તો ચાલો, આ ‘હુદ હુદ’ વિશેની રોચક વાતો જાણીએ.

‘હુદ હુદ’ નામ શા માટે પડ્યું હશે?
‘હુદ હુદ’ને ખૂબ જ ઝડપથી ઊડવું અને ધૂળમાં નહાવું ગમે છે. એ રીતે વાવાઝોડામાં પણ પવનની ગતિ ખૂબ ઝડપી હોય છે અને ધૂળ પણ ખૂબ જ ઊડે છે. એના ઉપરથી જ વાવાઝોડાનું નામ ‘હુદ હુદ’ કે ‘હુડ હુડ’ રાખવામાં આવ્યું. બોલચાલની ભાષામાં ‘હુદ હુદ’ને આપણે ‘ઘંટીટાંકણો’ નામથી ઓળખીએ છીએ. આ પક્ષી અંગ્રેજીમાં હૂપો (Hoopoe) નામથી ખ્યાતિ પામેલું છે.
વસવાટ : આફ્રિકા, યુરોપ, એશિયાના બીજા વિસ્તારોમાં તેનો વસવાટ છે. એટલું જ નહીં, ગામની સીમમાં, શેઢા અને વગડામાં બારેમાસ દેખાતું આ પક્ષી છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ તેની વસ્તી છે.

દેખાવ : હુદ હુદ રંગે ઊજળું ને બદામી છે. તેની પાંખ ઉપર કાળા-ધોળા પટ્ટા છે. છાતી પરનો ભાગ આછો બદામી. માથે બદામી કલગીના છેડા કાળા હોય છે. તેની કલગી ખોલબંધ થઈ શકે છે. ચાંચ લાંબી-અણીદાર અને વળેલી છે. પગ ટૂંકા ને રાખોડી રંગના છે.
ભાવતું ભોજન : ઈયળ, જીવડાં, મકોડા તેને બહુ ભાવે છે.
વિશેષતા : હુદ હુદ ‘હુ-પો-પો’ એવો અવાજ કરે છે. બોલતી વખતે માથું નમાવીને ચાંચ છેક છાતી સુધી લઈ જાય છે. અને એવી જ રીતે નીચે દબાવે છે. માનવીની માફક જાણે યોગા કરતું હોય એવું તે લાગે છે. ઊડવામાં પાવરધું હોવાથી શિકારી પક્ષીઓ પણ તેને સહેલાઈથી પકડી શકતાં નથી.

વિચિત્ર માળો : તે સુંદર પક્ષી હોવા છતાં તેનો માળો ગંદો હોય છે. ઘાસ, રૂ વગેરેનો તે માળો બાંધે છે. માદા પાંચથી છ સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. પહેલું ઈંડું મૂકતાં જ સેવવાનું કામ શરૂ થઈ જાય છે. માદા ઈંડાં સેવે છે. ઈંડામાંથી બચ્ચું બહાર ન આવે ત્યાં સુધી માદા માળો છોડતી નથી. દરમિયાન નર હુદ હુદની જવાબદારી ખોરાક લાવવાની હોય છે.