જીવનની સમસ્યાઓને સમજવાની ચાવી ક્યાં છે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવન એક કૂટપ્રશ્ન છે. જીવન એ અજિબ ગણિત છે. આ ગણિતને સમજવામાં આપણે કાચા છીએ. એને સમજ્યા વગર આપણે જે કંઇ કરીએ તે વ્યર્થ છે. ગણિતના દાખલાની રકમ જ જાણતા નથી ને આખું આયખું દાખલો ગણવામાં કાઢી નાખીએ છીએ! રકમ જાણ્યા વગર ગણેલો એ દાખલો સાચો પડે તે માટે આપણે મંદિરોમાં પ્રાર્થના કરીએ છીએ, મસ્જિદોમાં નમાજ પઢીએ છીએ, આકાશ તરફ હાથ કરી પરમાત્માની આરાધના કરીએ છીએ. પણ જવાબ મળતો નથી, એટલે આપણાં જીવનની એક નવી સમસ્યામાં સલવાઇ જઇએ છીએ. આપણે મનને જ આપણે સમાધાન નથી આપી શકતા, ત્યાં બીજાને કેમ સમજાવી શકીશું?
જીવનની સમસ્યાને સાથે લઇને મંદિર-મસ્જિદ, ગુરુદ્વારામાં જઇશું તો વધુ ઉપદ્રવ થશે. ‘આ ભગવાન આપણું તો કંઇ વિચારતા જ નથી,’ એવો પર દોષ પ્રગટશે. મંદિરમાંથી શાંત થઇને પાછા નહીં ફરીએ, પણ મંદિરની શાંતિને ખંડિત જરૂર કરીશું! અંદરની ઉલઝન, અંદરનું કન્ફ્યુઝનવાળું મન જે કંઇ કરશે તે બુમરેંગ થશે. એક નાની સમસ્યા બીજી અનેક સમસ્યાઓને જન્મ દેશે. એક રાજાનો મંત્રી ગાંડો થઇ ગયો હતો. મંત્રીઓ પાગલ થઇ જતા હોય છે. આમ જુઓ તો જે પાગલ નથી થતા તે મંત્રી થઇ પણ નથી શકતા! પણ, આપણા રાજાનો મંત્રી ખરેખર પાગલ થઇ ગયેલો હતો. રાજા સૂતા હતા ત્યારે મંત્રીએ જઇને રાજાના કપાળમાં ચુંબન કર્યું! રાજા ગભરાઇને જાગી ગયા અને તેમણે કહ્યું: ‘તમે શું કરો છો? આની સજા મૃત્યુદંડ છે.
મને ચૂમવાનું સાહસ તમે કર્યું?’ ગભરાયેલા કન્ફ્યુઝ્ડ-પાગલ મંત્રીથી બોલાઇ ગયું: ‘માફ કરજો. હું તો સમજ્યો કે અહીં મહારાણી નિદ્રાવશ છે! હું તમને ચૂમવા ઇચ્છતો ન હતો.’ રાજા આ જવાબ સાંભળીને વધુ ક્રોધે ભરાયા. મંત્રીએ જે અપરાધ કર્યો છે અને એ અપરાધથી બચવા જે દલીલ કરી છે તે દલીલ તો વધુ મોટો અપરાધ છે. મંત્રીને મૃત્યુદંડની સજા થઇ! જીવનની એક સમસ્યાને ઉકેલવા આપણે જે કંઇ કરીએ છીએ તે નવી સમસ્યામાં આપણને સંડોવી દે છે. મન પોતે જ ગૂંચવાયેલું છે, તે સમસ્યાનું સમાધાન ક્યાંથી શોધશે? અને આપણે પાછા અજીબ લોકો છીએ. ઉલઝનભર્યાં મનથી ગીતા વાંચીએ અને વળી ગીતાનું ભાષ્ય પણ લખીએ! ગૂંચવાડાથી છલકતું મન લઇ કુરાન પઢીએ અને કુરાનની આયાતોનું પાછું વિવેચન કરીએ! આંખ ચકળવકળ ચોતરફ ફરતી હોય, કોણ આવ્યું ને કોણે શું ધરાવ્યું?ની નોંધ લેતા હોઇએ અને પાછા વેદ-વેદાંત-ઉપનિષદના શ્લોકો બોલતા હોઇઅે!
આ હાલતમાં ગૂંચવણ વધે કે ઘટે? મનની ઉલઝન દૂર થાય કે નવી ઉમેરાય? આપણે કાયમ એ ભૂલી જઇએ છીએ કે જીવનની સમસ્યાઓને સમજવાની ચાવી મન નામની દાબડીમાં છે. એ મન ખાલી છે એવું આપણને લાગે છે, પણ ના, એ મનમાં તો સમસ્યા નામના તાળાની ચાવી છે! અને આપણે કેવા મૂરખ કે ચાવી બહાર શોધીએ છીએ! અંદર દોડાદોડી ચાલે છે, અંદર આકાંક્ષાઓ વધી રહી છે,… કશુંક પામી લેવાની, કશીક પૂર્ણતાની, કશાંક ફૂલફિલમેન્ટની, અંદર સઘળું ભરી લેવાની! આ દોડાદોડીનું રહસ્ય એ છે કે અંદર બધું ખાલી છે, ભીતર સઘળો અભાવ છે, માંહ્યલો શૂન્ય છે, એવો આપણો ભ્રમ છે. મન શૂન્ય છે એમ માની એ શૂન્યના આંકડા પાડી ગણિત ગણવા આપણે લાગી પડ્યા છીએ. આપણા મનને કોણ સમજાવે કે, ભીતરનું શૂન્ય બહારની ઢગલાબંધ સામગ્રીથી ભરી શકાય તેવો કોઇ સંભવ નથી.. ભરવાનું છોડો, જે છે તેને માણવાનું શરૂ કરો,… એટલે ભયો ભયો…
અંદરની ઉલઝન સાથે મન જે કંઇ કરશે તે બૂમરેંગ જ થશે. આપણે કાયમ એ ભૂલી જઇએ છીએ કે જીવનની સમસ્યાઓને સમજવાની ચાવી મન નામની દાબડીમાં છે.
ભદ્રાયુ વછરાજાની
bhadrayu2@gmail.com