દાંત પર ઈજા થાય ત્યારે શું કરવું?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અકસ્માત, પડી જવાથી કે કોઈ વસ્તુ વાગવાને કારણે ક્યારેક દાંત-પેઢાંમાં સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ થઈ શકે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિને જ્યારે વિવિધ પ્રકારે દાંતની ઈજા થાય ત્યારે શું કરવું તે તથા તેની સારવાર જાણીએ.
 
- જો દાંત બહાર આવી જાય તો તે દાંતને તરત જ દૂધમાં, પોતાના (દર્દી) થૂંકમાં, સલાઇનમાં, લેન્સ સોલ્યુશનમાં અથવા નારિયેળના પાણીમાં નાખી ડેન્ટિસ્ટ પાસે લઈ જવામાં આવે તો તેને પાછો પોતાની જગ્યાએ ગોઠવી આજુબાજુના સ્થિર દાંત સાથે સ્પ્લીન્ટ દ્વારા ચારથી છ અઠવાડિયાં બાંધી રાખવામાં આવે તો તે પાછો જોડાઈ સ્થિર થઈ શકે છે. આ બાદ દાંતમાં જરૂરિયાત પ્રમાણે મૂળિયાંની સારવાર અને કેપની સારવાર પણ હાથ ધરવામાં આવે છે.
 
- દાંત પર ઈજા થઈ લોહી વહેતું હોય તો ત્યાં ચોખ્ખાે બરફ હળવા હાથે ઘસવામાં કે દાબવામાં આવે તો લોહી વહેતું અટકી શકે છે. આવા સમયે ગભરાયા વગર ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ અથવા તાત્કાલિક ફોન પર સલાહ લેવી જોઈએ. કેટલાક કિસ્સામાં લોહી વહેતું બંધ થઈ ગયું હોય અને દુખાવો કે ઈજા વધારે ન જણાતી હોય તો પણ ક્લિનિકલ તપાસ અને રેડિયોગ્રાફ (એક્સ-રે)ની તપાસ કરાવી લેવી હિતાવહ છે.
 
- દાંત પર ઈજા થાય અને તે જડબામાં અંદરના ભાગમાં પેસી જાય અથવા હલી જાય તો એટલી કાળજી રાખવી જોઈએ કે તે વધુ અંદર ન જાય કે હલે નહીં. આવા કિસ્સામાં ડેન્ટિસ્ટ બધાય દાંતને પોતાની જગ્યાએ પાછા ગોઠવીને સ્પ્લીન્ટ દ્વારા આજુબાજુના સ્થિર દાંતનો સપોર્ટ લઈ ચારથી છ અઠવાડિયાં બાંધી રાખે છે. તેને લીધે હલી ગયેલા દાંત પાછા સ્થિર થાય છે અને પછી જરૂર જણાય તો દાંતમાં ફિલિંગ અને મૂળિયાંની સારવાર કરવામાં આવે છે.
 
- કોઈ રીતે દાંતને ઈજા થઈ હોય અને પછીથી દાંત કાળો પડી ગયો હોય તો સમજવું કે દાંતમાં નેફ્રોસીસ (દાંતમાં લોહી પૂરો પાડતો ભાગ સડી જવો) થયું છે. આવા કિસ્સામાં કળતર કે અન્ય કોઈ સમસ્યા ન થતી હોય તો પણ તેની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. સારવારથી દાંતને સુરક્ષા બક્ષી શકાય છે. આવા કિસ્સામાં મૂળિયાંની સારવાર તથા ક્રાઉન (કેપ) કરવામાં આવે છે. આ સારવાર ન કરવામાં આવે તો દાંતમાં દુખાવો થયા વગર તે દાંતનાં મૂળિયાંના છેડાના ભાગમાં વારંવાર ઇન્ફેક્શન થઈ ગાંઠ પેદા થઈ શકે છે. જેની સારવારમાં પેઢાંની સર્જરી કરી મૂળિયાંના ભાગમાંથી ગાંઠ કાઢી મૂળિયાંની સારવાર પણ હાથ ધરવાની જરૂર પડતી હોય છે અને આ સારવાર પણ ન કરવામાં આવે તો ગાંઠ મોટી થઈ હાડકાંના ભાગમાં પ્રસરી હાડકું ઓગાળી શકે છે. દાંત પર ઈજા થયા બાદ અમુક અઠવાડિયાંથી લઈ વર્ષો પછી પણ દાંતમાં ફેરફાર આવી શકે છે, તેથી દાંત પર ઈજા થાય ત્યારે યોગ્ય તપાસ અને સારવાર જરૂરી થઈ પડે છે.
 
-ઈજા થવાથી ક્યારેક દાંતનો નાનો-મોટો ભાગ તૂટી પણ શકે છે. નાનો એવો ભાગ તૂટી જાય તો ડેન્ટિસ્ટની મુલાકાત લઈ તૂટેલા ભાગને દાંતના રંગના મટીરિયલ દ્વારા પાછો બનાવી શકાય છે. જ્યારે દાંતનો મોટો ભાગ તૂટે ત્યારે દાંતને લોહી પૂરા પાડતા ભાગ (પલ્પ) સુધી ઈજા થાય તો તે દાંતમાં મૂળિયાંની સારવાર કરવાની જરૂર પડી શકે છે, જે બાદ તેના પર કેપ (ફ્રાઉન) કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...